તમે કર્યો શિખરની માથે ધજા ધર્યાનો ડોળ
અમે તો  તળમાં માથાબોળ

અમે નિહાળ્યો નથી કદીયે પડઘાનો આકાર
અમે  લીધોના કદી વીજળી ચમક્યાનો આધાર
અમે નિહાળ્યો નથી કદીયે ઝલમલ ઝાકમઝોળ
અમે તો જળમાં માથાબોળ

તમે હવાના યાયાવરને પિંજર પૂરો, છોડો
તમે તમારી મનમાયાના પડછાયામાં દોડો
તમે કરો તે બધી ક્રિયાઓ લાગે ગોળમગોળ
અમે તો કળમાં માથાબોળ

તમે યુગોના છેડા ઝાલો, કદી સદીને વરતા
તમે સમયના જળાશયોના નકશાઓમાં તરતા
અહી અમારે આંગણિયે તો પળની છોળમછોળ
અમે તો પળમાં માથાબોળ

– સ્નેહી પરમાર

સ્વર : નિધિ ધોળકિયા

સ્વરાંકન : ડો ભરત પટેલ