તમે કહો, ઉધ્ધવજી !

No Comments


 

તમે કહો, ઉધ્ધવજી ! અમને આ કેવો છે રોગ ?!
મળે શ્યામ તો લડીએ ને ના મળે પામીએ સોગ !

અમે ઓળખી શક્યાં નહીં એ મૃગજળ પાછળ દોડ્યાં
છીપ નીરખતાં રજત ગણીને અઢળક શાને મોહ્યાં
તૃષ્ણા કીધી ગગનકુસુમની ,કેવળ પામ્યાં છલના
સકળ વિશ્વનું છત્ર લઇ, શું કરી કૃષ્ણની રચના ?

હશે,અમે અબળા તો મૂળથી બન્યાં કપટનો ભોગ !
તમે કહો,ઉધ્ધવજી ! અમને આ કેવો છે રોગ ?!

વાંસ વધ્યાની પેર અમારો પ્રેમ ક્ષને ક્ષન વાધ્યો ;
છતાં ય અંબર- ઊંચો માધવ નથી લગીરે સાધ્યો
દેવ-દેવીઓ માથે છતાં ક્યાં ભાગ્ય શકે છે જાણી;
કહી શકે છે કોણ, માછલી પીએ કેટલું પાણી ?

તમે કહો, ઉધ્ધવજી ! અમને આ કેવો છે રોગ ?!
મળે શ્યામ તો લડીએ ને ના મળે પામીએ સોગ !

-વિરુ પુરોહિત

સ્વર: નિધિ ધોળકિયા

સ્વરાંકન : ડો ભરત પટેલ

જાવ મથૂરા ત્યારે

No Comments


 

જાવ મથૂરા ત્યારે, ઉધ્ધવ ! લઇ જાજો સંગાથે !
ગોકુળથી શું જાય અતિથિ તદ્ન્પ ઠાલા હાથે ? !

અધખૂલી આ કમળકળીમાં આંસુ ઝીલી લેજો ;
લિપિબદ્ધ એ વિરહ્વ્યથાઓ જઈ શ્યામને દેજો !
ઉધ્ધવ ! એને કહેજો :પૂનમને અજવાળે વાંચે ;
તો ય કદાચિત્ દાઝી જાશે આંખ , અક્ષ્રરી આંચે !

ઊનાં ધગધગતા નિશ્વાસો નથી આપતાં સાથે !
જાવ મથૂરા ત્યારે, ઉધ્ધવ ! લઇ જાજો સંગાથે !

લો, આ મોરમુકુટ ,વાંસળી ,વૈજયંતીની માળા ;
કદમ્બની આ ડાળ , વસન રાધાનાં અતિ રૂપાળાં !
સ્મૃતિચિહન સઘળાં એકાંતે જયારે શ્યામ નીરખશે ;
ત્યારે વ્રજને સંભારીને ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડશે !

કહેજો કે આ યમુનાતટની ધૂળ ચઢાવે માથે !

જાવ મથુરા તારે, ઉધ્ધવ ! લઇ જાજો સંગાથે !
ગોકુળથી શું જાય અતિથિ તદન ઠાલા હાથે ? !

-વિરુ પુરોહિત

સ્વરાંકન : ડો ભરત પટેલ

ઉધ્ધવ અમને આપી દ્યો

No Comments


 

ઉધ્ધવ અમને આપી દ્યો એવું વરદાન
ફરી જનમતાવેંત કરું મુખથી માધવનું નામ

હોય ફરી જમુનાનો તટ ને હોય રાસની રમઝટ
ફરી અમારી મટુકી ફૂટે, ફરી સિધાવું પનઘટ
જાય ભલે ખોવાઈ અમારી ,નથ પાછી મધુવનમાં
કિન્તુ આવો વિપ્રયોગ ના ઘટે કદી જીવનમાં
ભૂકંપ એવો ઘટે ,ગરક થૈ જાય મથુરાનું સંસ્થાન
ઉધ્ધવ અમને ….

તમે કહો છો તે ઉધ્ધવજી હોય કદાચિત સાચું
પતંગિયું જીવે ક્ષણમાં પણ જીવે નહિ એ કાચું
અમે ક્ષણે ક્ષણે માધવના નામે શ્વાસોને ભરીએ
જળમાં ટીપું તેલ હોય છે , એમ સતત વિસ્તરીએ
લખો અમારા ભાગ્યે ,પલપલ કૃષ્ણ અધર રસપાન
ઉધ્ધવ અમને ….

-વિરુ પુરોહિત

સ્વર : નિધિ ધોળકિયા

સ્વરાંકન : ડો ભરત પટેલ

ફળ એ મીઠાં

No Comments

 

ફળ એ મીઠાં હોય અતિ, જેને કરકોલે સૂડો !
વિણ માધવ જીવ્યો તેનો છે જનમ અતિશય કૂડો

ક્હાનાની આંખોમાં પ્રગટે રાત, ઉષા ને સંધ્યા
કેટકેટલા રંગોથી ક્હાનાને અમને રંગ્યા !
અમે ઘણાં બડભાગી ,ઉધ્ધવ ! માધવ અમને ભેટ્યા !
ભલે વિયોગી થયાં, ભલી અઢળક દુઃખો વેઠ્યાં !

અન દેવોને દુર્લભ એઓ રાસ રમાડ્યો રૂડો !
વિણ માધવ જીવ્યો તેનો છે જનમ અતિશય કૂડો

હવે પછીના બધા જનમ ગોપી થઇ ને અવતર્શું ;
જમુના તટ ,મધુવન , ગોકુળમાં શ્યામ વિના ટળવળશું !
કોઈક યુગે તો પ્રગટ થશે એ ભાળીને ઉત્કંઠા ;
એ જ અમારો મોક્ષયોગ હો,એવી છે બસ મંછા !

ઉધ્ધવજી! માધવ છે જાણે વિણમાખી મધપૂડો !

ફળ એ મીઠાં હોય અતિ, જેને કરકોલે સૂડો !
વિણ માધવ જીવ્યો તેનો છે જનમ અતિશય કૂડો

– વિરુ પુરોહિત

સ્વર : નિધિ ધોળકિયા

સ્વરાંકન : ડો ભરત પટેલ

અઢળક પારિજાતફૂલ

No Comments


 

અઢળક પારિજાતફૂલ વેરાયાં ચારેકોર;
એ જ અમે,ઉધ્ધવજી ! તૂટી સાલું કેરી કોર ….
ને’ સાસુ સાદ કરે !

મળ્યાં પ્રેમનાં સેતુ પર, મેં આશ્લેઢયા ચિતચોર;
એવે ઉમટ્યાં પૂર નદીમાં , નભ ગરજ્યો ઘનઘોર;
‘ને વીજળી યાદ કરે !

શણગારી પૂજા સામગ્રી , ઊભા રહ્યાં , થૈ ભોર ;
થનગનવા માંડ્યા ગોપીના મનમાં મરકત મોર ;
સૌ અન્ખોનો પરસાદ કરે !

શ્યામ ગયા તે દહાડાથી રહીએ કોરા ધાકોર;
જ્યાં વૈજયંતી વાવું છું , ત્યાં ઊગી જાય છે થોર ;
વાંસળી ઝૂરે’ ને અવસાદ કરે !

અઢળક પારિજાતફૂલ વેરાયાં ચારેકોર;
એ જ અમે,ઉધ્ધવજી ! તૂટી સાલું કેરી કોર ….
ને’ સાસુ સાદ કરે !

– વિરુ પુરોહિત

સ્વર : નિધિ ધોળકિયા
-સ્વરાંકન : ડો ભરત પટેલ

કદીક એવું બને !

No Comments

 

 

કદીક એવું બને !
મગ્ન હોઉં હું ભરતકામમાં ;
ત્યાં શ્યામ અચિંતા આંખો દાબી ઝબકાવી દે મને !

હોય જાણ કે છે માધવ, પણ અન્ય નામ ઉચ્ચારું ;
શા કાજે આ મધુર ક્ષણોને ના લંબાવું, વારુ ? !
હળવે એની આંગળીએ હું સોય ખૂંચાડું પહેલાં ;
પછી આંગળી ઝટપટ ચૂસું ,ના જવા દઉં વહેલાં !

ઉધ્ધવ ! આવા અભિલાષ છે;
પણ કૃષ્ણ હવે શું ત્યજી સિહાંસન આવે મારી કને ?
કદીક એવું બને !

પવન અલકલટ વંછરે ,તો ભ્રમ થતો એ છે ;
શમણે આવી રોજ શામળો બાહુપાશમાં લે છે !
ખર્યા ફૂલ ધરતી પર ભાળી ,થાય; બિછાવી સેજ;
આળોટું ઘેલી થઈ ત્યાં તો સુગંધ પામું એ જ !

સ્ત્રીની ચાલચલણ શું જાણો ?
તમે પુરુષ છો ,કેવળ ચાલો તમે પાઘડીપને !

કદીક એવું બને !
મગ્ન હોઉં હું ભરતકામમાં ;
ત્યાં શ્યામ અચિંતા આંખો દાબી ઝબકાવી દે મને !

-વીરુ પુરોહિત

સ્વરાંકન : ડો ભરત પટેલ

સ્વર : નિધિ ધોળકિયા

હવે નહીં જાઉં …

No Comments

 

 

હવે નહીં જાઉં જલ ભરવા એ કારણે ;
કહાના વિના જમુનાનો તટ ઘેર્યો નાગણે !

વારે વારે જોઉં હું તો ભર્યા ભર્યા માટમાં ;
કાંઈ નથી ફેર પડ્યો તૃષ્ણાનાં ઘાટમાં !

કહાના વિના કોણ,કહો,હાથ મારે માખણે ?
હવે નહીં જાઉં જલ ભરવા એ કારણે ….

ભમરાએ કરી દીધા છેદ બધા વાંસમાં ;
વાયુ વાતા વાંસળીના સૂર ઊઠે રાતમાં !

ધાવતું વછોડી બાળ, દોડી જઉં આંગણે !
કહાના વિના જમુનાનો તટ ઘેર્યો નાગણે !

ઉધ્ધવજી ! ક્ષણેકમાં આપું નવનિધિ ;
ક્હાનો પાછો આણવાનો બતાવો જો વિધિ !,
હઠ કરે છોડી જવા, જીવ બાંધ્યો તાંતણે !

હવે નહીં જાઉં જલ ભરવા એ કારણે ;
કહાના વિના જમુનાનો તટ ઘેર્યો નાગણે !

– વીરુ પુરોહિત

સ્વર : નિધિ ધોળકિયા

સ્વરાંકન : ડો ભરત પટેલ

બહુ મોડે સમજાયું ઉધ્ધવ

No Comments

Viru Purohit

 

 

બહુ મોડે સમજાયું ઉધ્ધવ
જલ પીવા કંઈ ઉડે કૂવે ખાબકવાનું હોય ?
સીંચણિયાથી ઘડો ભરીને તૃપ્ત થવાનું હોય

ગગન સ્પર્શવા અમે વેલીઓ વૃક્ષ ઉપર જઈ ચડ્યા
હતું બટકણું વૃક્ષ એટલે કડડડભૂસ થઇ પડ્યા
લાભ થાય શું ઝોળી લઈને સૂર્ય કિરણ ભરવાથી
માટીની પૂતળી થઇને શું મળે નદી તરવાથી ?
બહુ મોડે સમજાયું ઉધ્ધવ

અંધારે ડગ ભરતા પ્હેલાં વિચારવાનું હોય
જલ પીવા કંઈ ઉડે કૂવે ખાબકવાનું હોય ?
ઉધ્ધવ બહુ મોડે સમજાયું ઉધ્ધવ

કહ્યું હોત જ્ઞાનીએ તો સૌ જાગીજાત ને વહેલાં
પાળ બાંધવી પડે વિરહનું પૂર આવતાં પ્હેલાં
હતા અમે અણસમજુ પણ શું કાન જાણતાં નહોતાં ?
ઉધ્ધવજી એ ગયા ઉખેડી સઘળા ને મૂળ સોતા
બહુ મોડે સમજાયું ઉધ્ધવ

અબળા એ તો પ્રેમ કરી બસ કરગરવાનું હોય
જલ પીવા કંઈ ઉડે કૂવે ખાબકવાનું હોય ?
ઉધ્ધવ બહુ મોડે સમજાયું ઉધ્ધવ

– વીરુ પુરોહિત

સ્વર : નિધિ ધોળકિયા

સ્વરાંકન : ડો ભરત પટેલ

ઉધ્ધવજી! કહેજો એને

No Comments

 

 
ઉધ્ધવજી! કહેજો એને ,કૈં તને શોધવા અમે રવડતાં નથી !

ઘણાં મિષે કૂહાનાને ઝાઝાં નખરાં કરવાં દીધાં ;
જાણી જોઈને અમે અમારાં વસ્ત્રો હરવાં દીધાં !
એ ભોળાએ માન્યું કે એ મેઘ અમે સૌ ચાતક ;
અમે રાસમાં રમ્યાં હતાં , એ હતું અમારું નાટક !

ઉધ્ધવજી ! કોઈ સાથ વિના જો, સ્વસ્થ ચાલીએ અમે ગબડતાં નથી !
ઉધ્ધવજી ! કહેજો એને ,કૈં તને શોધવા અમે રવડતાં નથી !

હતાં જાણતાં કે કપટીની કેવી પ્રીત ;
નીકળી મોવાળો, ધર્યું રહેશે નવનીત !’
થાય ઘણું : જઈને મથુરામાં રોજ પીટાવું દાંડી;
કરો ભરોસો સઘળાંનો ,બસ એક કૃષ્ણને છાંડી !
ઉધ્ધવજી ! કોઈ માતવછોયાં બાળક સાથે અમે ઝગડતાં નથી !
ઉધ્ધવજી ! કહેજો એને ,કૈં તને શોધવા અમે રવડતાં નથી !

– વીરુ પુરોહિત

સ્વરાંકન : ડો ભરત પટેલ

સ્વર : નિધિ ધોળકિયા