ઈરાદા  રહે   છે

No Comments

 

છૂટે  શ્વાસ  પાછળ  ઈરાદા  રહે   છે,
ફક્ત  આંસુઓના  દિલાશા   રહે  છે.

વહી જાય જળ રેત   પરથી   સમયનું,
ને   વેરાન   ખાલી   કિનારા  રહે   છે.

ઘણી   વાર  એવું   બને    પ્રેમમાં   કે,
અઢી શબ્દ   સાથે  નિસાસા  રહે  છે.

લખે જાત બાળી ગઝલ ને  છે  શક્ય,
શબદમાં ઝખમના તીખારા   રહે  છે.

હથેળી   ધરી   હુંફ   આપી  શક્યાના,
છબીમાં સ્વજન બસ બિચારા રહે છે.

-ડો.પરેશ સોલંકી.

સ્વર : રિયાજ મીર
સ્વરાંકન : ડો ભરત પટેલ

ટોચ પર છો ના ચડાયું!

2 Comments

આસ્વાદ અને ગાયન

 

 

ફકત ગાયન

 

 

ટોચ પર  છો   ના  ચડાયું!
સુખ   તળેટીમાં    સમાયું.

દોસ્ત, તારું વ્હાલ પણ કાં
આજ   લાગે   ઓરમાયું?

લાગણી સામું   જુએ  છે,
જાણે બાળક  હો નમાયું!

સૂર્ય  સામે   શબ્દ    મૂકો,
તેજ   નીકળશે    સવાયું!

આ  કવિતા છે બીજું શું?
એકલો        વિચારવાયુ.

જિંદગીની     ભરબજારે
શ્વાસનું. ખિસ્સું   કપાયું!

– હિમલ પંડ્યા

સ્વર : ગાર્ગી વોરા

સ્વરાંકન : ડો ભરત પટેલ

રાતદિવસ ગોખલે રહી

1 Comment

 

 

 

રાતદિવસ ગોખલે રહી-રહીને તુલસીદલ સડ્યાં
બે જ પળ મૂકી દીધાં  તડકે,  ટપોટપ  ઊઘડ્યાં!

બાવડું   ચલવે    હથેળી?   કે   હથેળી   બાવડું?
કેટલા સ્હેલા   સવાલો!  જોશીને  ના  આવડ્યા…

મંગળા ત્રણસો, શયન સો, દોઢસોમાં રાજભોગ;
આપને ઠાકોરજી બહુ વાજબી   ભાવે   પડ્યા….

જો કહો   તો આંગળી   વાઢીને    અજવાળું  કરું
આશકા લઈ  હાથ   ધોઈ નાખતાં ના આવડ્યા

કુંડળી   જોવાને     ત્યારે   કોણ   રોકાયું   હતું?
મેષ ને  મંગળ ધનુષ ભેગા  જ  ભાંગીને  પડ્યા

હું   હજીયે   એકડા   પર   એકડો     ઘૂંટ્યા   કરું
આપને   તેંત્રીસ   કોટી  કેવી  રીતે આવડ્યા?

સૌ કોઈ પરસાદના પડિયાઓને  જોતાં   હતાં
એ  જ  ટાણે, એક પળ માટે જ, દર્શન ઊઘડ્યાં

– ઉદયન ઠક્કર

સ્વર અને સ્વારાંકન : ડો ભરત પટેલ

 

એક માણસ નાતમાં સાચો પડે,

No Comments

 

 
એક   માણસ   નાતમાં    સાચો   પડે,
એમને    એમાંય    પણ    વાંધો   પડે.

એ બધા માની  જ  લે  એને    મરણ,
આદમી   થોડોક   બસ   આડો   પડે.

આમતો હમણાં જ નીકળી જાત પણ,
જીવ   સાલો   આપણો   જાડો   પડે !

હું   ય   વ્હાલો   હોઇશ   મારા બાપને,
ગાલ   પર    મારાય   તે     ખાડો   પડે.

ક્યાં    મળે   છે   તપ વગર ફળ કોઈને,
જો   રહો   તડકે   તો   પડછાયો  પડે !

એટલો    માણસ   નથી   તૈયાર   આ,
છળકપટમાં   એ   હજી  પાછો    પડે.

દીવડાં     પ્રગટાવ     તારી    આંખનાં,
શ્વાસ   આ   મારો   હવે   ઝાંખો  પડે.

પ્રેમનું       અત્તર      લગાડો     દૂરથી,
બહુ    જશો   નજદીક   તો  ડાઘો પડે.

– સ્નેહલ જોષી

સ્વર : દિશાની મહેતા

સ્વરાંકન : ડો ભરત પટેલ

આસ્વાદ : હરજીવન દાફડા

દિવસ રાત થાતા આ જેના ઈશારે

No Comments

 

 

દિવસ રાત થાતા આ  જેના   ઈશારે
ઘડીભર તને પણ એ ક્યાંથી  વિસારે

સકળ બ્રહ્મ  જેની  અજાયબ અટારી
નઝર જયાં કરૂં  હોઉ  એના  જ   હારે

બધા  દર્દની   એક  એવી   દવા  છે
અહોરાત રટવું  પરમ  નામ   પ્યારે

જો શોધો  તો ઓછી પડે જીંદગાની
જો ચાહો તો ખુદ આંગણે એ પધારે

કથાનક   નથી   સાવ  કોરું કરમનું
અમે શબ્દ ઘટ્યા  છે   સાંજે  સવારે

– દિલીપ જોશી

સ્વર : નિગમ ઉપાધ્યાય

સ્વરાંકન : ડો ભરત પટેલ

રાત રોનક સમા તમારી છે

No Comments

 

 

રાત    રોનક   સમા   તમારી  છે
મારું   શું   છે?  સભા   તમારી  છે

છે  અમારી   બધી  અફળ ઈચ્છા
જે   ફળી  તે   દુઆ   તમારી   છે

લ્યો !  ઉઠાવો  તરંગ  ફાવે એમ
જળ તમારું   હવા    તમારી   છે

આખરે  આપ   મુક્ત   પંખી  છો
આભ   જેવી   જગા   તમારી  છે

નિત્ય     હોવું       નવનવા    રૂપે
એ   પુરાણી   પ્રથા   તમારી   છે

કાલ   મેં    પ્રેમગ્રંથ  વાંચ્યો ‘તો
પાને   પાને   કથા    તમારી   છે

રાજ   ગિરનાર   છે    એ    સાચું
પણ શિખર પાર ધજા તમારી છે

– રાજ લખતરવી

સ્વરાંકન :ડો ભરત પટેલ

તારો વિચાર બારીના પરદે

No Comments

 


 

તારો વિચાર બારીના પરદે  ઝૂલી  ગયો
દ્ર્શ્યોનો ભેદ એ પછી  દરિયે  ડૂબી  ગયો

બે ડાળી વચ્ચે જાણે કે તડકો ગુલાબ  છે
મોસમનો રંગ કેટલો  મીઠો   બની   ગયો

પથ્થરની   જેમ  હાંફતા   પીળા શહેરમાં
મારા સમયના મોરનો ટહુકો  તૂટી  ગયો

આકાશ   આમતેમ   વીખેરાઇ જાય પણ
એકાદ   સૂર્ય  ઊગવું  આજે  ભૂલી   ગયો

એકાંતનો   પરિચય   કૈક  એ  રીતે થયો
સૂનકાર તારી યાદની જેમજ ઊગી ગયો

– શ્યામ સાધુ

સ્વરાંકન : ડો ભરત પટેલ

ગુલાલ આપું છું

No Comments

 


એક   મુઠ્ઠી  ગુલાલ   આપું   છું,
લે, ગુલાબી ધમાલ   આપું  છું.

મેં   મને  સાચવી  ઘણાં  વર્ષો,
પણ તને અબ્બીહાલ આપું  છું.

આપજે   એક     રંગમાં  ઉત્તર,
સપ્તરંગી  સવાલ   આપું   છું.

તું મને લયની પાર લઇ જાજે,
હું  તને  સૂર   તાલ   આપું  છું.

હાથ  ફેલાવ  સામટું   લઇ  લે,
ફાંટ  બાંધીને  વ્હાલ  આપું છું.

— પારુલ ખખ્ખર

સ્વર :ગાર્ગી વોરા

સ્વરાંકન : ડો ભરત પટેલ

આસ્વાદ: ડો વસંત જોશી

તેજના રસ્તા ઉપર

No Comments

 

 

તેજના    રસ્તા   ઉપર     દોર્યો  મને
શગની  માફક   આપે   સંકોર્યો   મને

મંજરીની    મ્હેકના       ભારે     લચું
એક   આંબો  જાણે   કે    મોર્યો   મને

ના  નીકળતું  આંસુ ભમરો થઈ ગયું
એણે  અંદરથી    સખત   કોર્યો   મને

આ બધા  શબ્દોનું  ચિતરામણ  કરી
મેં  જ  આ  કાગળ  ઉપર  દોર્યો મને

ઠોઠને     ઠપકો    નજાકતથી   દીધો
તેં  ગઝલ   આપીને  ઠમઠોયોં   મને

ના  મને  પણ જાણ  થઈ એવી રીતે,
સાવ  હળવે   ચુપકીથી  ચોર્યો  મને

– મનોજ ખંડેરિયા

સ્વર અને સ્વરાંકન : ડો ભરત પટેલ

આસ્વાદ : વસંત જોશી

તમને એમાં વાંધો છે કંઈ?

No Comments

 

 

અંદર અંદર સળવળતી એક ઘટનાથી શરૂઆત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?
ઠરી ગયેલી ફૂંક ફરી પેટાવી ઝંઝાવાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

આજે સ્હેજ છાતીની અંદર શું દુ:ખે છે એને જાણી લેવાનું મન થઈ આવ્યું છે
એ કારણસર છાતી ઉપર થોડો ચંચુપાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

સમય નામના ડસ્ટરથી ભૂંસાઈ જવાના ડરની મારી છાને ખૂણે જઈ બેઠી જે –
એવી બિલકુલ અંગત કોઈ વાત અહીં સાક્ષાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ

જ્યારે પણ ઉપસી આવે છે લમણાંની કોઈ નસ તો એનો સ્પર્શ હંમેશા હોય છે હાજર
વ્હાલપની એ મૂર્તિ માટે જીવની હું બિછાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?

જાણું છું કે આપ તો સાંગોપાંગ રસિક છો,હે શ્રૌતાજન ! નમન આપની રસવૃત્તિને –
કિન્તુ હું પણ આંસુની છાલકથી ઉલ્કાપાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

પાણીના એક ટીપાનો વિસ્તાર કરે જે સહસા એને જડશે પાણીદાર રહસ્યો
એવું કોઈ એક ટીપું લઈને એના સમદર સાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

કબીર નરસિંહ મીરાં નામે ખળખળતી એક નદી આપની અંદર વ્હેતી મેં ભાળી છે
સ્હેજ આપની પડખે બેસી હું ય જાત રળિયાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

– સંજુ વાળા

સ્વર : ડો ભરત પટેલ

સ્વરાંકન : ડો ભરત પટેલ

Older Entries