ટોચ પર છો ના ચડાયું!

2 Comments

આસ્વાદ અને ગાયન

 

 

ફકત ગાયન

 

 

ટોચ પર  છો   ના  ચડાયું!
સુખ   તળેટીમાં    સમાયું.

દોસ્ત, તારું વ્હાલ પણ કાં
આજ   લાગે   ઓરમાયું?

લાગણી સામું   જુએ  છે,
જાણે બાળક  હો નમાયું!

સૂર્ય  સામે   શબ્દ    મૂકો,
તેજ   નીકળશે    સવાયું!

આ  કવિતા છે બીજું શું?
એકલો        વિચારવાયુ.

જિંદગીની     ભરબજારે
શ્વાસનું. ખિસ્સું   કપાયું!

– હિમલ પંડ્યા

સ્વર : ગાર્ગી વોરા

સ્વરાંકન : ડો ભરત પટેલ

રાતદિવસ ગોખલે રહી

1 Comment

 

 

 

રાતદિવસ ગોખલે રહી-રહીને તુલસીદલ સડ્યાં
બે જ પળ મૂકી દીધાં  તડકે,  ટપોટપ  ઊઘડ્યાં!

બાવડું   ચલવે    હથેળી?   કે   હથેળી   બાવડું?
કેટલા સ્હેલા   સવાલો!  જોશીને  ના  આવડ્યા…

મંગળા ત્રણસો, શયન સો, દોઢસોમાં રાજભોગ;
આપને ઠાકોરજી બહુ વાજબી   ભાવે   પડ્યા….

જો કહો   તો આંગળી   વાઢીને    અજવાળું  કરું
આશકા લઈ  હાથ   ધોઈ નાખતાં ના આવડ્યા

કુંડળી   જોવાને     ત્યારે   કોણ   રોકાયું   હતું?
મેષ ને  મંગળ ધનુષ ભેગા  જ  ભાંગીને  પડ્યા

હું   હજીયે   એકડા   પર   એકડો     ઘૂંટ્યા   કરું
આપને   તેંત્રીસ   કોટી  કેવી  રીતે આવડ્યા?

સૌ કોઈ પરસાદના પડિયાઓને  જોતાં   હતાં
એ  જ  ટાણે, એક પળ માટે જ, દર્શન ઊઘડ્યાં

– ઉદયન ઠક્કર

સ્વર અને સ્વારાંકન : ડો ભરત પટેલ

 

સુખ તો એવું લાગતું

No Comments

   

   

  સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.
  ઉક્કેલવી એ કેમ કરી આ પરપોટાની વાણી ?

  આંખ ખોલું તો મોસૂઝણું 
             ને આંખ મીંચું તો રાત
  ખૂલવા ને મીંચવા વચ્ચે
                આપણી છે ઠકરાત

  પળમાં પ્રગટે ઝરણાં જેવી કોઈની રામકહાણી.
  સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.

  ટહુકો નભમાં છલકી ઊઠે
                  એટલો હો કલરવ
  સાંજનો કૂણા ઘાસ ઉપર
                 પથરાયો પગરવ

  લીંપણ કોઈ ગાર-માટીનું સહુને લેતું તાણી.
  સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.

  – દિલીપ જોશી

  સ્વરાંકન : ડો ભરત પટેલ                            

એક માણસ નાતમાં સાચો પડે,

No Comments

 

 
એક   માણસ   નાતમાં    સાચો   પડે,
એમને    એમાંય    પણ    વાંધો   પડે.

એ બધા માની  જ  લે  એને    મરણ,
આદમી   થોડોક   બસ   આડો   પડે.

આમતો હમણાં જ નીકળી જાત પણ,
જીવ   સાલો   આપણો   જાડો   પડે !

હું   ય   વ્હાલો   હોઇશ   મારા બાપને,
ગાલ   પર    મારાય   તે     ખાડો   પડે.

ક્યાં    મળે   છે   તપ વગર ફળ કોઈને,
જો   રહો   તડકે   તો   પડછાયો  પડે !

એટલો    માણસ   નથી   તૈયાર   આ,
છળકપટમાં   એ   હજી  પાછો    પડે.

દીવડાં     પ્રગટાવ     તારી    આંખનાં,
શ્વાસ   આ   મારો   હવે   ઝાંખો  પડે.

પ્રેમનું       અત્તર      લગાડો     દૂરથી,
બહુ    જશો   નજદીક   તો  ડાઘો પડે.

– સ્નેહલ જોષી

સ્વર : દિશાની મહેતા

સ્વરાંકન : ડો ભરત પટેલ

આસ્વાદ : હરજીવન દાફડા

ફળિયે ઢોલ ઢબુક્યા આજે

No Comments

 

 

ફળિયે ઢોલ ઢબુક્યા ત્યારે , હૈયે દાંડી વાગે
દોર વીંટેલી એક ઢીંગલી , ઉંબરને છલાંગે

આંખોનું જે રતન હતું તે આંસુ થઈને વછૂટે
ઢીંગલીના આ મૈયર ઘરનું એક આયખું ખૂટે
અષાઢ આંખે ઉતરી આવે , ફૂલ્યા ફાલ્યા ફાગે

ખૂલતા તોયે બંધ રહેશે , ઘરના બારી ઝાંપા
અડતા આંખે ભીંત ઊપરથી લાલ રંગના થાપા
રાત વરત નું સૂનું ખોરડું નળીયા સોતુ જાગે

કાલી ઘેલી મીઠી વાતું , ચાંદરડા થઇ ચમકે
વા થી ઘરની સાંકળ જાણે , ખખડે મીઠા ઠમકે
ફોરા થઇ આ આંખોમાં, તે આવેલી લાગે

શીયા – વીં યા આ ઘરના તોરણ, ભોંય ઝૂકીને ઝૂરે
ઉંબર આડો થઇ રીસાયો , કોણ સાથીયા પૂરે ?
કાકા કરવું બંધ કર્યું છે ઘર મોભારે કાગે
ફળિયું પરના બેવળ નળીયા ,ઘર ખાલીપો તાગે

– ભાસ્કર ભટ્ટ

સ્વરાંકન : ડો ભરત પટેલ

દિવસ રાત થાતા આ જેના ઈશારે

No Comments

 

 

દિવસ રાત થાતા આ  જેના   ઈશારે
ઘડીભર તને પણ એ ક્યાંથી  વિસારે

સકળ બ્રહ્મ  જેની  અજાયબ અટારી
નઝર જયાં કરૂં  હોઉ  એના  જ   હારે

બધા  દર્દની   એક  એવી   દવા  છે
અહોરાત રટવું  પરમ  નામ   પ્યારે

જો શોધો  તો ઓછી પડે જીંદગાની
જો ચાહો તો ખુદ આંગણે એ પધારે

કથાનક   નથી   સાવ  કોરું કરમનું
અમે શબ્દ ઘટ્યા  છે   સાંજે  સવારે

– દિલીપ જોશી

સ્વર : નિગમ ઉપાધ્યાય

સ્વરાંકન : ડો ભરત પટેલ

ગરબે રમવાના થિયા ઓરતા રે

No Comments

 

 

ગરબે રમવાના થિયા ઓરતા રે , આવ્યાં આવ્યાં માં ના નોરતાં રે
ચોકે નરનાર સહુ ડોલતા રે,આવ્યાં આવ્યાં માં ના નોરતાં રે

પડવેથી પુનમનો પંથ કેવો પાવન, જ્યાં જ્યાં નિહાળો ત્યાં માના હો દર્શન
આંગણીએ આંગણીયા આજ થયા ઉપવન
સોળે શણગાર સહુ શોભતા રે, આવ્યાં આવ્યાં માં ના નોરતાં રે

ઝળહળતી હોય ધરા ઝળહળતું અંબર , માં ને પૂછીને ઊગે સૂરજ ને ચંદર
ચોકે ચોકે રે ઝરે ઉમંગી અવસર
આઠે બ્રહ્માણ્ડ રંગ ઢોળતાં રે, આવ્યાં આવ્યાં માં ના નોરતાં રે

– દિલિપ જોશી

સ્વરાંકન ડો ભરત પટેલ

 

રાત રોનક સમા તમારી છે

No Comments

 

 

રાત    રોનક   સમા   તમારી  છે
મારું   શું   છે?  સભા   તમારી  છે

છે  અમારી   બધી  અફળ ઈચ્છા
જે   ફળી  તે   દુઆ   તમારી   છે

લ્યો !  ઉઠાવો  તરંગ  ફાવે એમ
જળ તમારું   હવા    તમારી   છે

આખરે  આપ   મુક્ત   પંખી  છો
આભ   જેવી   જગા   તમારી  છે

નિત્ય     હોવું       નવનવા    રૂપે
એ   પુરાણી   પ્રથા   તમારી   છે

કાલ   મેં    પ્રેમગ્રંથ  વાંચ્યો ‘તો
પાને   પાને   કથા    તમારી   છે

રાજ   ગિરનાર   છે    એ    સાચું
પણ શિખર પાર ધજા તમારી છે

– રાજ લખતરવી

સ્વરાંકન :ડો ભરત પટેલ

તારો વિચાર બારીના પરદે

No Comments

 


 

તારો વિચાર બારીના પરદે  ઝૂલી  ગયો
દ્ર્શ્યોનો ભેદ એ પછી  દરિયે  ડૂબી  ગયો

બે ડાળી વચ્ચે જાણે કે તડકો ગુલાબ  છે
મોસમનો રંગ કેટલો  મીઠો   બની   ગયો

પથ્થરની   જેમ  હાંફતા   પીળા શહેરમાં
મારા સમયના મોરનો ટહુકો  તૂટી  ગયો

આકાશ   આમતેમ   વીખેરાઇ જાય પણ
એકાદ   સૂર્ય  ઊગવું  આજે  ભૂલી   ગયો

એકાંતનો   પરિચય   કૈક  એ  રીતે થયો
સૂનકાર તારી યાદની જેમજ ઊગી ગયો

– શ્યામ સાધુ

સ્વરાંકન : ડો ભરત પટેલ

મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની

No Comments

 

 

મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની
ટેવ શી પડી ગઈ છે જાણે

મારા પૈણાજી કેરી હું સોડમાં સૂતીને મૂઆ
તારા ચહેરાને કાં ભાળું ?
મારી છાતીમાં ટશરાતા ઈચ્છાના પૂર
પૂર કેટલી રાત્યુંની રાત ખાળું ?
જોકે પૈણાનું સરવરીયું મીઠું પણ વ્હેવાની
ટેવ શી પડી ગઈ છે જાણે

હું તો આંગણનું સૌ કોઈ પાળેલું પંખીને
પૈણાનાં દાણ ચણું મીઠા
ને બોલ પાછલી તે પરભાતે ટહુકાઓ રીતસર
હારબંધ ઉડંતા દીઠા
કેમ પાંખ્યું ફફડે ? મેં તો માન્યું કે સહેવાની
ટેવ શી પડી ગઈ છે જાણે

– ઉદયન ઠક્કર

સ્વરાંકન : ડો ભરત પટેલ

સ્વર : ગાર્ગી વોરા

Older Entries Newer Entries