અરવિંદ ભટ્ટ


અરવિંદ ભટ્ટ


  અરવિંદ ભટ્ટ   Audio :


  1.mp3  2.mp3 


  અરવિંદ ભટ્ટ   Picture Gallery:


  અરવિંદ ભટ્ટ  Picture Gallery  અરવિંદ ભટ્ટનો પરિચય


  25.01.2019

  આદરણીય સાયુજ્ય મિત્રો,

  આજે જે પ્રતિભાની વાત કરવાના છીએ તે કવિ શ્રી રમેશ પારેખના સમકાલીન , તેમના ખૂબ જ નજીકના મિત્ર અને ગુઢ પદ્યસ્થ !ભાષામાં નિપુણ એવા અદકેરા કવિ કે જેમની ભાષા ઉપર ની આસ્થા અને નિશ્ચિંતતા સાહિત્ય જગતને નવા આયામ ઉપર લઈ ગઈ છે, શરૂઆત કરીએ એમની એક સુંદર ગઝલ જેની અંદર તેમનો સ્વભાવ, તેમના વિચારો તેમની તાદૃશ્યતા બધું જ જોવા મળશે,

  ફળ અમારા અઘોર તપનું છે,
  એક પત્થર છે એક સપનું છે.

  એક કૂવો છે સ્થિર પાણી છે,
  એક પારેવું છાનું છપનું છે.

  એક ખાલી ખૂણો મળી ન શકે,
  તો પછી દર્દ ક્યા ખપનું છે.

  એક બગીચો ગયો પલકમાં ક્યાં.
  કામ કોની આ ચીલઝડપનું છે.

  એક ગંજેરી શંખ ફૂંકે છે,
  એનું કારણ અસલ તલપનું છે.

  એક પરી બારણામાં ઊભી છે,
  સત્ય આ સ્વર્ગની ઊણપનું છે.

  વૃક્ષને પણ ખબર નથી પડતી,
  પર્ણ ખરતું તે કઈ વિટપનું છે.

  આંબલો રોપ્યો હતો બચપણમાં,
  એટલે આંગણું મીઠપનું છે.

  "કવિતા સાથે તેમનો સંબંધ જન્મથી જ હોય તેવું લાગે છે. તેમના ભ્રૂણ સાથે કવિતા વળગી છે અને આજ સુધી તેમનાથી જન્મનાળ અલગ થઈ પણ કવિતા નાભી સાથે વળગી રહી છે. આપણે પરિચય કરી રહ્યા છીએ ગુજરાતી સાહિત્યના યશકલગી સમાન એક અદભુત કવિની

  અરવિંદ ભટ્ટ

  તેમનો જન્મ કોડિનાર તાલુકાના સરખડી ગામમાં 1953 માં થયો.

  માતા : સ્વ. નિર્મળાબેન
  પિતા : સ્વ.જગજીવનભાઈ
  તેમના મામા શાંતિલાલ જાની તથા મનુભાઈ જાની, ચાંદની, આરામ, નવચેતન વિગેરે સામયિકોમાં વાર્તા લખતાં એટલે દસેક વર્ષની ઉંમરથી મામાના ઘરે વાંચવાનું અખૂટ મળતું.

  1966-67 અમરેલી કાયમી વસવાટ પિતાની નોકરીને કારણે થયો.

  તેમને તેમની રચનાઓ કરતાં અન્ય કવિતાઓ વાંચવી માણવી વધુ ગમે છે" છતાં કેટલીક ભૌતિક અને સામાજિક સ્થિતિઓ કવિતા લખવા સમજવામાં તેમને ઉપરાક થઈ છે

  ધો.10-11 કવિશ્રી અનિલ જોશી પાસે ગુજરાતી ભણવાનું થયું, પ્રાચીન ગુરુ-શિશ્ય પરંપરા મુજબ ઝાડને છાંયડે તમામ વિદ્યાર્થીઓને કવિતા ભણાવે.. જે આજ લગીહ ભુલાયું નથી

  કવિતા તરફ જવા માટે એ પણ એક પ્રેરક બળ હતું

  પ્રાથમિક શાળામાં અભ્યાસ.
  ધો. 1થી 5 ધારી પ્લોટ શાળા
  ધો. 6-7 અમરેલી સરકારી શાળા નંબર 3
  ધો.8 થી 11 (એસ. એસ. સી.) કે. કે. પારેખ વિદ્યાલય અમરેલી.
  બી. કોમ. સુધી કે. કે પારેખ કોમર્સ કોલેજ અમરેલી.

  કવિ રમેશ પારેખ સાથે અમરેલીમાં લગભગ 25 વરસ સુધી અંતરંગ મિત્ર થઈ સાથે રહેવાનું થયું. કોલેજનાં પ્રથમ વરસથી જ અશરફ ડબાવાલા, લલિત ત્રિવેદી, મધુમતી મહેતા તથા બકુલેશ મંડોરા જેવા કાવ્યના મર્મી મિત્રો મળ્યાં.

  આ બધાએ તેમની ભાવકતાને સજ્જ કરી સર્જકતાને સંકોરી.

  વ્યવસાય. 1974 થી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં નોકરી , ડેપ્યુટી મેનેજર તરીકે. 2007માં સ્વૈચ્છિક નિવૃત્તિ .

  સ્વતંત્ર કાવ્ય સંગ્રહ  " *એક પીંછું મોરનું* " 1994માં પ્રગટ થયો

  તેમને ગુજરાતી સાહિત્ય પરિષદના બે પુરસ્કાર મળ્યા
  (1)શ્રી તખ્તસિંહજી પરમાર પારિતોષિક
  (2)ડો.ભાનુપ્રસાદ પંડયા પારિતોષિક
  (3)રમેશ પારેખ પારિતોષિક
  (4)પર્યાવરણ ટ્રસ્ટ અમરેલી તરફથી રજત ચંદ્રક વગેરે.......

  અન્ય સહ સર્જનો

  1) અમરેલ્લ્લી લીલી.
  ર) અલગ
  3) ગઝલ 81-82 (સ્વતંત્ર)
  4) ગિરા નદીને તીર
  5) મન પાંચમના મેળામાં (કવિશ્રી સંજુ વાળા તથા પ્રણવ પંડ્યા સાથે)

  "મુદ્રાંકન" સામાયિકનું કવિશ્રી રમેશ પારેખ સાથે 1979 થી દસેક વર્ષ સંપાદન કર્યું.

  મારા સર્જન કાર્ય માટે , તેઓ મને હમેંશા પ્રોત્સાહન આપતા અને સાથે બીજા અંગત મિત્રો પણ સ્મરણે ચડે છે

  કવિશ્રી મનોહર ત્રિવેદી, છેલભાઈ વ્યાસ, કિરીટ દૂધાત, ભરત વિંઝુડા, ભરત પટેલ અને સંજુ વાળા વગરે એ મને અઢળક પ્રેમ આપ્યો છે

  લાંબા સમય સુધી લખવાનું છોડી દીધું હતું છતાં કવિતાએ અરવિંદભાઈને છોડ્યા નહીં. તેમને લખતા રાખવામાં આ મિત્રોનું બહુમૂલ્ય યોગદાન છે.

  સાવ જ નિખાલસ માણસ પણ ભારે ભૂલકણા ! ચહેરાં અને રસ્તા ભૂલી જવા એ એમની વિશિષ્ટતા. નાનપણથી જ ભૂલકણો સ્વભાવ.. અગત્યના કાર્યક્રમો પણ ઘણીવાર મિત્રો યાદ ન કરાવે તો ભુલી જાય. *આજે એમને એટલી જ વિનંતી કરું છું કે આ પરિચય લખનારને તેઓ કાલે ભૂલી ન જાય* ,

  એક વરસ કચ્છ, ગાંધીધામમાં 1974 માં નોકરી કરી.. ત્યાંના મિત્રો શ્રી રમણીક સોમેશ્વર, વત્સલ રાણા તથા રાજેશ અંતાણી સાથેનો ઘરોબો આજપર્યંત પણ અકબંધ છે જ !

  તેમની પ્રથમ કવિતા 'કવિતા"1971માં છપાયેલી.તદ્ઉપરાંત ગુજરાતનાં તમામ ખ્યાતનામ સામયિકો છપાયેલી છે.

  તેઓ આકાશવાણી અને દૂરદર્શનમાં પણ ધણી વાર રજૂ થઈ ચૂક્યા છે.

  તેમને ગીત ગઝલ અછાંદસ છાંદસ બધા પ્રકારનાં કાવ્યો લખ્યાં છે. થોડી ગઝલો આ સાથે પ્રસિદ્ધ કરું છું

  પણ તે પહેલા તેમની એક અછાંદસ

  અનુભૂતિની પરાકાષ્ટા સમાન આ અછાંદસ ખરેખર એટલી જબરજસ્ત હ્દયસ્થ થાય છે , કે તેનો ભાવ મનમાં સમાતો નથી

  વરસાદ જેમ આવીને
  તેઓ સાવ અચાનક જતાં રહ્યાં ને
  નેવાં-શી પાંપણ પરથી યાદોનાં ટીંપા
  હજુય ટપકે !

  જતાં જતાં ઘરમાં ઊભી થાંભલીએ એનો
  જરાક અમથો સ્પર્શ થવાથી
  અણુ-અણુમાં અતીતની
  ભીનાશ ફરીથી પ્રસરેલી
  ને એકસામટી પાંચ-સાત કૂંપળ
  થાંભલીએ ફૂટેલી તે હજીય આંખને ખટકે.

  ફળિયાની જાજમમાં તેઓ
  પગલાંના પંખીઓની
  ભાવ્યો પાડીને જતાં રહ્યાં
  ને પંખીઓ તો
  ફિક્કું ફિક્કું હજુય ટહુકે.

  ખાલીપાથી ઘર મારું ચિક્કાર ભરી
  એ જતાં રહ્યાં
  ભીંસાતી ભીંતો પંખી થઇને
  ક્યાંય ઊડી જવાને તલપે…

  શ્રી અરવિંદ ભટ્ટની ગઝલો  મને નીંદર નથી આવી

  ફર્યું તારીખનું પાનું મને નીંદર નથી આવી,
  પછી પડખું ફર્યું છાનું મને નીંદર નથી આવી.

  પણે ફૂટપાથ પર સૂતેલ માણસને જગાડી કહું,
  લઈ મખમલનું બિછાનું મને નીંદર નથી આવી.

  હું જેને સ્વપ્નમાં જોતો એ આવી ખુદ જગાડે તો,
  કર્યું સુવાનું મેં બહાનું મને નીંદર નથી આવી.

  મીંચેલી આંખને જોઇને ન સમજો કે સુતો છું,
  હું જોતો મૃત્યુ પોતાનું મને નીંદર નથી આવી.

  મને એ એક ઝીણી વાત આખી રાત ખટકી છે,
  તમે કાં મન ગણો નાનું? મને નીંદર નથી આવી.

  તરકીબ ન આવડી

  ચૂલા કને ચિંતાઓ પકાવે છે માવડી,
  ઓણૂકી સાલ ટેકો લઈ જવાની તાવડી.

  છે દૂધની આ તાંસળી સૂકી તલાવડી,
  વરસાદની જેમજ વસૂકી ગઈ છે ગાવડી.

  ડચકારે ઢોર સામટાં ભેગાં કરી શકું,
  વાદળને વાળવાની તરકીબ ન આવડી.

  ગુજરાન કેમ ચાલશે બોલો કબીરદાસ,
  ખૂટી ગયા છે પગ ને તૂટી ગઈ છે પાવડી.

  રન્નાદે ખેમ રાખજે ખેમીના ખોરડે,
  આવી છે પેલવારુકી દીકરી સુવાવડી.

  વહાણમાં

  ખાલી ખીલાને જ્યારે જોતો ગમાણમાં.
  થાતું કે એને ખોડું કોઇ ચરાણમાં.

  ધીમે ધીમે બુઝાતા અગ્નિને જોઇને,
  ભૂખ્યો થઈ ગયો છે ભેરુ મસાણમાં.

  લપસી પડ્યો તો તેથી ભીંજાઇ જવાયું છે,
  કે બેસવા ગયો તો હું તો વહાણમાં.

  પધરાવ્યા હતા જેને એ પ્રેત થઈ ગયાં,
  ખૂટી ગયાં છે પાછાં પાણી નવાણમાં.

  જળની કથામાં દરિયો-સરવરે-નદી નહીં,
  તરફડતી માછલીઓ આવે લખાણમાં.

  ઘર

  ઘરની તમામ ભીંતમાં પોલાણ હોય છે,
  ઘરના દરેક જણને એની જાણ હોય છે.

  ઘરને તજી જતો રહ્યો છે એક છોકરો,
  ઘર સાવ આ બનાવથી અણજાણ હોય છે,

  દેખાય આંખ મીંચતાં જ ઘરનું ઝૂમખું,
  એમાંથી એક ઘર ખરું એંધાણ હોય છે.

  ક્યારેક ક્યાંક રેતથી ઘર-ઘર રમ્યા હશું,
  તેથી આ ભીંતમાં ઘૂઘવતું તાણ હોય છે.

  ઘર એટલે કે અંત આ સઘળા પ્રવાસનો,
  અટકી પડેલ શ્વાસનું ખેંચાણ હોય છે.

  તમે

  તમે વહેલા જરા ખખડી ગયા છો,
  તમે કાચી ઉમરને પી ગયા છો.

  તમે જનમ્યા અને જીવ્યા પછીથી,
  પરિચય આપતાં ફફડી ગયા છો.

  તમે એક સૂર્ય ઉગામ્યો છે સામે,
  તમે પરછાઇમાં આવી ગયા છો.

  તમે કોઇનું સપનું છો પરતું,
  તમે યુગો થકી ઊંઘી ગયા છો.

  સભામાં કંઇ કશું બોલ્યા નહીં,
  તમે ઊભા થઈ બેસી ગયા છો.

  નહીં હોય

  એ એકલા અટૂલા રોતા તો નહીં હોય,
  પત્થરના કારી ઘાવને ધોતા તો નહીં હોય.

  જેના હું ઈન્તજારમાં બેઠો છું ખૂણામાં,
  ઘરમાં તિરાડમાંથી જોતા તો નહીં હોય.

  દર્પણની સામે આંગળી ચીંધી કર્યો
  લોકો બધાય આવા હોતા તો નહીં હોય.

  વાંચ્યું ભલે પધાર્યા’નું પાટિયું ભલે,
  દ્વારે લટકતું તાળું જોતા તો નહીં હોય.

  મેં જેની શોધ માટે આ અવતાર ધર્યો છે,
  તેઓ મને સ્મશાનમાં ખોતા તો નહીં હોય.

  એક સપનું છે

  ફળ અમારા અઘોર તપનું છે,
  એક પત્થર છે એક સપનું છે.

  એક કૂવો છે સ્થિર પાણી છે,
  એક પારેવું છાનું છપનું છે.

  એક ખાલી ખૂણો મળી ન શકે,
  તો પછી દર્દ ક્યા ખપનું છે.

  એક બગીચો ગયો પલકમાં ક્યાં.
  કામ કોની આ ચીલઝડપનું છે.

  એક ગંજેરી શંખ ફૂંકે છે
  એનું કારણ અસલ તલપનું છે.

  એક પરી બારણામાં ઊભી છે,
  સત્ય આ સ્વર્ગની ઊણપનું છે.

  વૃક્ષને પણ ખબર નથી પડતી,
  પર્ણ ખરતું તે કઈ વિટપનું છે.

  આંબલો રોપ્યો હતો બચપણમાં,
  એટલે આંગણું મીઠપનું છે.

  એક સવારે

  જેમ જાણે સૂર્ય નભમાં ઊગવા,
  એમ બિસ્તરને અમારે છોડવા.

  ફૂલની બિછાત ઉપર ચાલવા,
  હાય, પત્થરના પગરખાં પહેરવાં.

  હાથમાં ઊગી ગયા છે હાથલા,
  વલ પડેલા ઘાસને પસવારવા.

  બત્તીઓ ઠારી ઊભા છે થાંભલા,
  ને અમે પણ વૃક્ષને ટેકે ઊભા.

  વાંચવા બેઠા અમે તો ટીપણાં,
  વસ્ત્રથી કલશોરને ખંખેરવા.

  જોવી છે

  આ જ ઈતિહાસ ને કાલે ભૂગોળ જોવી છે,
  ધરણીને એવી રીતે ગોળ ગોળ જોવી છે.

  પહાડ વચ્ચે નદી નમણી સુડોળ જોવી છે,
  છૂપીને વન્યકા માથાઝબોળ જોવી છે.

  ઝાડને છાંયડે બેસીને ગીત ગાવાં છે,
  મોલ પર નેજવું માંડી ઝકોળ જોવી છે.

  તું સંતાકૂકડી રમતાં થઈતી ગૂમ જ્યાંથી,
  આજ વર્ષો પછી પાછી એ પોળ જોવી છે.

  રૂપકડાં મેઘધનુષ્યોની વાત શું કરવી,
  આભની પીઠ પર થાતી ભરોળ જોવી છે.

  ક્યાં હોય છે

  આ અમરફળને અડકવાની તલપ ક્યાં હોય છે,
  આપણી જિજીવિષા એવી પ્રબળ ક્યાં હોય છે.

  મેં રમતમાં ને રમતમાં શબ્દ ઉછાળ્યો હતો,
  શોધવા નીકળી પડ્યો પણ જળકમળ ક્યાં હોય છે.

  જળમાં ઊંડે જઇ અને બસ એટલું જાણી શક્યો,
  માછલીને મન કશું યે તળ-અતળ ક્યાં હોય છે.

  પોતાપોતાની પરકમા લઈને સહુ ઘુમ્યા કરે,
  બેસવું ધૂણી ધખાવીને સરળ ક્યાં હોય છે.

  તારી ઝોળીમાં કયું ફળ છે હે બાવા ભરથરી,
  લાખ બાણું માળવાની પણ મમત ક્યાં હોય છે.

  કવિતામાં શબ્દ કરતાં સંવેદનને પ્રાધાન્ય હોય તે તેમને વધુ ગમે, સંવદન એવું હોય કે ભાષા આપોઆપ ગોઠવાઈ જાય.. એવી કવિતા તેમને ઉત્તમ લાગે !

  આવા અદભુત, ભૂલકણા પણ ભારે ગમતીલા ગુજરાતી સાહિત્યના અનન્ય કવિ કે જેઓ ભીતરમાં પણ ભાવ જગાડે અને હૈયામાં જેમના હોવાની એક ઝંખના રહે ... તેવા અદભુત કવિ શ્રી અરવિંદ ભટ્ટ ને સાયુજ્ય પરિવારની અનેક અનેક શુભેચ્છાઓ , શુભકામનાઓ અને તેઓ હજુ પણ તેમના સર્જન થી ભાષાને ભરી દે તેવી જ શુભેચ્છાઓ, પ્રાર્થના અને અભ્યર્થના

  આભાર

  અરવિંદ ભટ્ટ : arvindbhatt24@gmail.com
  Mobile : 9723080266  હરીશ શાહ
  વડોદરા
 • Home