ડો ભરત પટેલ


ડો ભરત પટેલ


  ડો ભરત પટેલ   Audio :


  ભરત પટેલના ઓડિયો lyrics સાથે માણવા માટે click કરો :


  ભરત પટેલના ઓડિયો


  ડો ભરત પટેલનો પરિચય


  31.01.2019

  સુવર્ણ ક્રમાંક  આદરણીય સાયુજ્ય મિત્રો,

  *૧૩ મી ડિસેમ્બર 2018 ના દિવસે પરિચય ગાથાની સફરની શરૂઆત આપણે કરી હતી ત્યારે એવો ખ્યાલ નહોતો કે આ છોડ જે ઉગાડીએ છીએ ,તે ૫૦ પરિચયનું વટવૃક્ષ બનશે નિઃસંદેહ માત્રને માત્ર આપ સૌ આ સફળતાના સાચા પૂરક છો* . *આજે સુવર્ણ ક્રમાંક પરિચય માં જે વ્યક્તિત્વ ની વાતકરવાની છે તે સાચા અર્થમાં સંગીતના પુત્ર છે*, *તેમને સંગીત માટે અદકેરૂ માન છે , તેમને ખાધા વગર કદાચ ચાલે પણ સંગીત વગર નહિં* , સંગીત તો તેમની આત્મા છે !

  તેમના શરીર માં લોહી ના બદલે સૂર ભ્રમણ કરે છે અને હૃદય ની ધડકન તે જ સંગીત ના તાલ છે ગુજરાતી,એક એક સાહિત્યકારનો શબ્દ તે તેમના વાજિંત્રમાં પરોવે છે , ગુજરાતી કવિતાને તેઓ સ્વરમાં ઢાળે છે. *રમેશ પારેખ થી લઇ , આજ દિન સુધીના સૌ કવિઓના શબ્દોને સ્વરાંકનથી ઓપ આપે છે*, સંગીતપ્રેમી પિતાનું એક માત્ર સંતાન અને પિતાના પિતા એટલે કે દાદા પણ સંગીતમાં જ મગ્ન હતા, *ઘરમાં જ સંગીત નો વારસો એને એ વારસાની વસિયત એટલે જ આજીવન રહેલો અનુઠો સંગીત પ્રેમ* ! પિતાજી શ્રી જયંતીભાઈ પટેલ કે જેમનો જન્મ રાજકોટના વીરનગર ગામમાં થયો અને પછી રાજકોટમાં સ્થાયી થયા .

  દાદા વીરનગર ની હોસ્પિટલમાં આયુર્વેદ ના ડોક્ટર અને સૂફી સંત સાગર (જગન્નાથ દામોદર ત્રિપાઠી-ચિત્રાલ-વડોદરા)

  એ, એમના ગુરુ એટલે આધ્યાત્મિક સંસ્કારો. દાદા રાત્રે રામસાગર ઉપર ભજનો ગાય અને પિતાજી એમના ખોળામાં સુતા સુતા સાંભળે *એટલે આધ્યાત્મિક અને સંગીતનો વારસો પિતાજી માં આવ્યો*.

  *ત્યારબાદ રાજકોટમાં વાયોલીન શીખ્યા અને 15 કે 17 વર્ષની ઉંમરે રાજકોટ મુકીને મુંબઇ ગયા ,કંઈક પ્રાપ્ત કરવાની ઇચ્છાથી* . ત્યાં વિકરોલીના પ્લેટફોર્મ ઉપર ઘણા દિવસો પસાર કર્યા અને ત્યારબાદ ગોદરેજ ની શાળામાં સંગીતના શિક્ષક તરીકે નોકરી મેળવી. સાથે સાથે ગ્વાલિયર ઘરાનાના વિખ્યાત વાયોલિનવાદક ગજાનન રાવ જોષી પાસે પધ્ધતિસરની તાલીમ લેવાનું શરૂ કર્યું ,

  અને ત્યારબાદ ચર્ચગેટ માં વેસ્ટર્ન રેલ્વે ની અંદર ડ્રોઈંગ મેન તરીકે નોકરી માં લાગ્યા. લગભગ છ સાત વર્ષના આ ગાળામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પણ ઘણું બધું વાયોલિન વગાડવાની તક મળી , *સજ્જાદ હુસૈન સાહેબ થી લઇ લક્ષ્મીકાંત-પ્યારેલાલ સુધી* . *પરંતુ આધ્યાત્મિક સંસ્કારોને કારણે મુંબઈને આખરે અલવિદા કર્યુ* .

  અને 1975 મા ફરી પાછા રાજકોટ આવ્યા અને સેન્ટ મેરી સ્કૂલમાં સંગીત શિક્ષક તરીકે નોકરી કરી, અને ત્યારબાદ આકાશવાણી રાજકોટમાં સંગીત નિયોજક તરીકે જોડાયા જે છેક સુધી તેમાં કાર્યરત રહ્યા. *આ રીતે પિતાજીના આધ્યાત્મિક અને સંગીત ના સંસ્કારો જન્મથી જ તેમને મળ્યા*.

  જી હાં, *જે વ્યક્તિત્વની આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ તે સાયુજ્ય ગ્રુપ ના ફાઉન્ડર એડમીન છે* , શરૂ કર્યું ત્યારે 15-20 જણા જ હતા. પછી આ બધા એડ થતા ગયા અને અત્યારે આ વટવૃક્ષ બન્યું.

  આપણા સૌના મનગમતા , લાડીલા

  ડૉ ભરત પટેલ  જન્મ સ્થળ રાજકોટ
  ૧૦.૦૭..૧૯૬૮

  *બાળપણથી જ સંગીતના સંસ્કારો પિતાજી પાસેથી તેમને મળ્યા , જન્મ પછી તરત જ મુંબઈ જવાનું થયું અને ગોદરેજ ની સ્કૂલમાં બાલમંદિર સુધીનો અભ્યાસ કર્યો , ત્યારબાદ 1975માં પિતાજી રાજકોટ આવી જતા ફરી પાછું તેમને રાજકોટ આવવાનું થયું અને સેન્ટ મેરી સ્કૂલમાં ધોરણ ૧૦ સુધી અભ્યાસ કર્યો* .

  એ વખતે ઇલેક્ટ્રિક સ્વરપેટી ન હતી અને ઘરમાં તાનપુરો પણ નહોતો એટલે તેમના સંગીતકાર પિતાજી રિયાઝ કરે ત્યારે હાર્મોનિયમના બે સુર દબાવીને એમને સૂર આપવાનું કામ એ કરતા.
  અને ત્યારથી જ અલગ-અલગ રાગોની છાયા અને એનો પ્રભાવ તેમના મન ઉપર પડેલો.
  *12 ધોરણ સુધીમાં તેઓ વિશારદ થઈ ગયેલા*,

  ત્યારબાદ જુનાગઢ આયુર્વેદ કોલેજ માં બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી, BAMS કર્યું.

  *જૂનાગઢમાં તેમની સાથે તેઓ વાયોલીન લઈ ગયેલા એટલે કોલેજમાં ભણવા કરતાં તેમણે વધારે વાયોલિનનો રિયાઝ કરેલ*. *તેઓ કોલેજકાળ દરમિયાન જ વાયોલીનમાં શાસ્ત્રીય સંગીતમાં આકાશવાણીમાં બી હાઈ ગ્રેડ કલાકાર થઈ ગયેલા*.

  વળી સુગમ સંગીત ગાયનમાં બી ગ્રેડ કલાકાર થયેલા હતા. પાશ્ચાત્ય સંગીતનું જ્ઞાન પણ તેમને તેમના પિતાજી પાસેથી મળેલું અને કંઈક નવું કરવાની ઈચ્છા એટલે ક્રિએટિવ મ્યુઝિક તરફ વધારે મન દોડતું થયું અને એ જ કારણે પછી તેમણે કમ્પોઝર થવાનું વિચાર્યું અને *આકાશવાણીમાં તેમણે ઓડિશન આપ્યું, અને એમાં પણ બી high grade કમ્પોઝર તરીકે એપ્રુવ થયા* . આમ લગભગ 22-23 વર્ષ ની ઉંમરથી સ્વરાંકનો થવા લાગ્યા. કોલેજકાળ દરમિયાન પણ *પૂજ્યપાદ ગોસ્વામી શ્રી ૧૦૮ ઇન્દિરાબેટીજી* સાથે તેમણે ઘણા વર્ષો સુધી વાયોલિન વગાડ્યું અને વિદેશ પ્રવાસ પણ કર્યા.

  કોલેજ પૂરી થયા બાદ હવે શું એ પ્રશ્ન થયો એટલે રાજકોટમાં જનરલ મેડિકલ પ્રેક્ટિસ શરૂ કરી પણ સંગીતનો જીવ એટલે આકાશવાણીમાં અરજી કરવાનું ચાલુ રાખ્યું અને આખરે 1998માં આકાશવાણી રામપુર UP માં મ્યુઝિક કમ્પોઝર તરીકે જોડાયા.

  માતા-પિતાના તેઓ એકમાત્ર સંતાન,
  કેરિયરની શરૂઆત કઈ રીતે થઈ એ તેઓને યાદ નથી પણ નાનપણથી જ આકાશવાણીમાં પિતાજી સાથે બાલ સભા માં જતા હતા
  ત્યારબાદ યુવાવાણીમાં ગયા અને ત્યારબાદ આકાશવાણીના એપ્રુવડ સુગમ સંગીત કલાકાર થયા

  *એ સિવાય બહાર ઘણા બધા પ્રોગ્રામ કર્યા પરમ પૂજ્ય પાદ ગોસ્વામી શ્રી ૧૦૮ ઈંદિરાબેટીજી સાથે તેમણે વિદેશ પ્રવાસ કર્યા ,બહેરીન ,તાંઝાનિયા, કેન્યા, લંડન ,દુબઈ ,અમેરિકા, જેવા દેશોમાં કાર્યક્રમો કર્યા* , સુગમ સંગીત, ગરબા જેવા બધા જ કાર્યક્રમો કર્યા.

  આકાશવાણી રામપુરમાં જોડાયા પછી યુપીના ઘણા બધા ઉર્દુ શાયરો સાથે તેમની મુલાકાત થઈ અને તેમાંથી સાહિત્ય વિશે તેઓને ઘણું જાણવા મળ્યું અને ધીમે ધીમે કવિતા સમજવા તરફનું તેમનું પ્રયાણ થયું
  *સુગમ સંગીતમાં સ્વરાંકન કરતા પહેલા કવિતા સમજવામાં વધુ રસ પડ્યો, આકાશવાણી રામપુરમાં ચાર મહિના નોકરી કર્યા બાદ આકાશવાણી રાજકોટ ટ્રાન્સફર થઇને આવ્યા અને ત્યારથી આજ સુધી એટલે કે ૨૧ વર્ષ થી આકાશવાણી રાજકોટમાં છે*.

  *2008થી એ ગ્રેડ કમ્પોઝર તરીકે બઢતી મળી* . સંગીત એમને વારસામાં મળેલી કલા છે , ધર્મ છે અને અત્યારે પણ તેઓ એક સરસ્વતીના ઉપાસક તરીકે જ કામ કરે છે. *તેમના પરમ મિત્ર ગાયક સ્વરકાર શ્રી ભદ્રાયુ ધોળકીયા સાથે ઘણા વર્ષો સુધી , ભદ્રાયુ- ભરત ની જોડી માં કામ કર્યું અને ઘણાં બધા આલ્બમોમાં સંગીત આપ્યું*.

  2009 થી 2011 સુધી ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીમાં સુગમ સંગીતના મેમ્બર તરીકે પણ રહ્યા અને ઘણા બધા કાર્યક્રમો ના આયોજનો કર્યા, આકાશવાણી રાજકોટમાં તેમના સહકર્મીઓ અને વડીલો શ્રી યગ્નેશ ભાઈ દવે, મોટાભાઈ સમાન તુષારભાઈ અને વસંતભાઈ સાથે તેમણે ખૂબ કામ કર્યું, અને હજુ ચાલુ જ છે .

  આકાશવાણી એન્યુઅલ એવોર્ડ  આકાશવાણીની કારકિર્દી દરમિયાન બે એન્યુઅલ એવોર્ડ પણ મળ્યા જેમાં *જલ તલ જલ સંચરે* પ્રથમ અને *સજીવ ના સાથી અળસિયા* ને દ્વિતીય એવોર્ડ પ્રાપ્ત થયો . લગભગ ૧૦૦ ની આસપાસ આલ્બમ તેમના થયા છે , કે જેમાં તેમને સંગીત આપ્યું હોય.

  ગુણવંતભાઈ ઉપાધ્યાયની રચનાઓનું આલ્બમ *તારો વિકલ્પ તું*
  જવલંત વોરા ની રચના નું આલ્બમ *ઉઘાડ જોયો આકાશે*
  ગની દહીંવાલા ની રચના નું આલ્બમ *દિવસો જુદાઈ ના જાય છે*
  સંજુભાઈ,દિલીપભાઈ અને મહેન્દ્રભાઇની સંયુક્ત રચનાઓ નું આલ્બમ *ઉંબરા મોઝાર મ્હોંર્યો આંબલો* .
  જેવા ઘણા બધા આલ્બમો છે
  સુરેશ દલાલના *બાળગીતો* *પંચતંત્રની વાર્તાઓ* ગુજરાત સરકાર માટે *ધોરણ ૬ અને ૭ ના ગુજરાતી અને હિન્દી પાઠ્યપુસ્તકોમાં આવતી કવિતાઓ સ્વરબદ્ધ કરી* બાળકો માટે સરકારી સ્કૂલમાં બાળકોને સંગીત દ્વારા કવિતા શીખવવાનો જ પ્રયાસ !

  *પ્રિય કવિ મિત્રો , સંજુ વાળા, અરવિંદ ભટ્ટ ,તુષાર શુક્લ ,રમેશ પારેખ, શ્યામ સાધુ ,મનોજ ખંડેરિયા ,હરીશ મિનાશ્રુ ,માધવ રામાનુજ ,મનોહર ત્રિવેદી ,ભાસ્કર ભટ્ટ, દલપત પઢિયાર ,દિલીપ જોશી ,ગની દહીવાલા, મહેન્દ્ર જોશી ,રાજ લખતરવી, વીરુ પુરોહિત જેવા કવિઓ સાથે ખૂબ ચર્ચાઓ કરીને સાહિત્યની સમજ મેળવી છે* *જે માટે એમનો આભાર વ્યક્ત કરતા તેઓ કહે છે કે*
  " *આ બધા મિત્રો ની તો ઘણી બધી કવિતાઓ કમ્પોઝ કરી એ સિવાય વિમલ અગ્રાવત, વંચિત કુકમાવાળા, ઉર્વીશ વસાવડા ,ઉદયન ઠક્કર ,સ્નેહી પરમાર, સુંદરમ, સાગર નવસારવી ,રાજેશ વ્યાસ મિસ્કીન,આર.એસ દુધરેજીયા, પરેશ સોલંકી ,મિલિન્દ ગઢવી ,મહેશ સોલંકી, કૈલાશ પંડિત ,હરજીવન દાફડા ,હરેશ વડાવીયા, હરદ્વાર ગોસ્વામી ,નીરજ મહેતા, લલિત ત્રિવેદી, અનિલ વાળા, ડોક્ટર કિશોર વાઘેલા, દિનેશ ડોંગરે ,નાદાન ભાસ્કર વોરા, ભાર્ગવ ઠાકર ,સ્નેહલ જોશી , જેવા ઘણા કવિમિત્રો ની કવિતાઓ સ્વરાંકિત કરવાનો આનંદ* . આ બધા જ મિત્રો પાસેથી કવિતા તત્વ ખૂબ જ સમજ્યો છું ..... એમનો આભાર."

  "અત્યાર સુધીની કારકિર્દીમાં ઘણા બધા ગાયક મિત્રોનો પણ ફાળો છે, એમને કેમ ભૂલી શકાય? વડીલ શ્રી વિનુભાઈ વ્યાસ થી લઈને ગાર્ગી વોરા, નિધી ધોળકિયા, રિયાઝ મીર, ઉર્વશી પંડયા ,પિયુષ દવે ,પ્રહર વોરા ,ઓસમાણ મીર ,પીયુ સરખેલ, નિતીન દેવકા, નિગમ ઉપાધ્યાય, મન્સુર વાલેરા, કુમાર પંડ્યા, કૃતિ મારુ ,દિશાની મહેતા, દેવાંશુ દેસાઈ ,ભાસ્કર શુક્લ ,ભદ્રાયુ ધોળકીયા, અનુપા વોરા જેવા કેટલાય ગાયક કલાકારો એ મારા સ્વરાંકનો ને પ્રચલિત કર્યા. સૌથી વધુ મારા સ્વરાંકનો ગાયા ગાર્ગી વોરા 43, નિગમ ઉપાધ્યાય 42, નિધિ 26, પિયુષ દવે 20, પ્રીતિ ગજ્જર 23, સહુથી વધુ રચનાઓ કમ્પોઝ કરી

  *સંજુ વાળા 22, ભાસ્કર ભટ્ટ 16, દિલીપ જોશી 12, ગની દહીંવાલા 8, ગુણવંત ઉપાધ્યાય 12, જવલંત વોરા 9, મનોહર ત્રિવેદી, રાજ લખતરવી , મહેન્દ્ર જોશી 5-5,રમેશ પારેખ 11, તુષાર શુક્લ 16, વિરુ પુરોહિત 9* " ....

  ..... આકાશવાણી ના અત્યાર સુધીના કાર્યકાળ દરમિયાન તેઓએ જૂની રંગભૂમિના ગીતો અને તેના ઈતિહાસમાં સંશોધન કાર્ય કર્યું , *30 એપિસોડ ની સિરિયલ બનાવી અને ૧૪૦ જેટલા જૂની રંગભૂમિના ગીતો શોધી શોધીને રેકોર્ડ કર્યા ,આર્કાઇવ હેતુથી સંપૂર્ણ ગીત ગોવિંદ કમ્પોઝ કર્યું ,30 એપિસોડ સંપૂર્ણ ગીતાજી કમ્પોઝ કર્યું ,30 એપિસોડ આ માસ ના ગીતો અત્યાર સુધી 95 જે ઓન રેકોર્ડ છે* . *આ સિવાય લગભગ આટલા જ તેમની પાસે સંકલન નથી ,નરસિંહ મહેતાના જીવન કવન ઉપર 30 હપ્તાની શ્રેણી જેમાં ૫૦ જેટલા ભજનો પણ રેકોર્ડ કર્યા* , શાસ્ત્રીય સંગીત અને ફિલ્મ મ્યુઝિક ઉપર આધારિત સિરિયલ સ્વર માધુરી બાવન હપ્તા.. એ સિવાય ઘણી બધી સિરીયલો માટે મ્યુઝિક કર્યું બે ફિલ્મો ગુજરાતી માટે મ્યુઝિક કર્યું

  સંપૂર્ણ સુંદરકાંડ અનુરાધા પૌંડવાલ પાસે ગવડાવ્યા. શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરિત આધ્યાત્મીક પુસ્તક સંપૂર્ણ પ્રજ્ઞાવબોધ 120 cd સ્વરૂપે કમ્પોઝ કર્યું. પૂજ્ય મોરારી બાપુના સાનિધ્યમાં ઉજવાતો સંતવાણી એવોર્ડ માં ભજન પ્રકાર રામગરી ઉપર સંશોધનાત્મક વ્યક્તવ્ય આપ્યું.
  આકાશવાણીમાં તો ફરજના ભાગરૂપે કરવાનું જ હોય અને બહાર પણ હેમંત ચૌહાણ ,નિરંજન પંડ્યા, ભીખુદાન ગઢવી ,લાખાભાઈ ગઢવી ,અમરનાથ નાથજી ,અરવિંદ બારોટ ,દિવાળીબેન ભીલ ,ભારતી વ્યાસ, બિહારી ગઢવી ,દમયંતી બરડાઈ જેવા અનેક નામી કલાકારો સાથે સંગીત નિયોજક નું તેમણે કાર્ય કર્યું.
  છેલ્લા ૨૫ થી ૩૦ વર્ષમાં સંગીત ક્ષેત્રે તેના રેકોર્ડિંગ ક્ષેત્ર અને એના ફોર્મેટ ઘણા બધા ચેન્જ અને વિકલ્પો આવ્યા એટલે આ બદલાતા યુગ અને સમય અને સંગીત સાથે પગલા મેળવીને આગળ વધતું રહેવાની તેમની એક નેમ હતી

  શરૂઆતમાં આઠ એમ.એમ ની સ્પૂલ પર રેકોર્ડિંગ થતા ત્યારબાદ નાના સ્પૂલ, પછી હાઈ 8, DAT, અને હવે સોફ્ટવેર ઉપર રેકોર્ડિંગ નો યુગ આવ્યો આ બધા જ ઉપકરણો ઉપર રેકોર્ડિંગ કરવાનો લહાવો મળ્યો છે જેમ જેમ નવું આવે તેમ તેમ નવું નવું જાણવું એ એમનો શોખ રહ્યો અને હવે કોમ્પ્યુટર સોફ્ટવેર ઉપર રેકોર્ડિંગ થઈ રહ્યા છે ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત સોફ્ટવેર પર રેકોર્ડિંગ કરનાર અને લઈ આવનાર શ્રી ભરતભાઈ હતા, એ વખતે એમને ઘણી મહેનત કરવી પડી પણ ખરી, આનંદની વાત એ કે સમગ્ર દેશમાં આકાશવાણીનું કેન્દ્ર મોનો રેકોર્ડિંગ ઉપર ચાલે છે જ્યારે લગભગ 12 વર્ષ પહેલા આકાશવાણીના સ્ટુડિયો ને multitrack રેકોર્ડિંગ અને સોફ્ટવેર થી સજ્જ કર્યું અને હાલમાં પણ આકાશવાણી રાજકોટ કેન્દ્ર દેશનું એકમાત્ર એવું કેન્દ્ર છે કે જ્યાં ટ્રેક રેકોર્ડિંગ થાય છે

  *આ કમાલ ડોક્ટર ભરત ભાઈ ની હોઈ શકે* !

  તેમની દ્રષ્ટિએ સંગીત એ ઈશ્વરનું એક સ્વરૂપ જ છે. તેઓનું અંગત રીતે માનવું છે કે
  "સંગીત કોઈ સાધનાથી ઓછું આવે છે ,પણ ઈશ્વર કૃપા, માં સરસ્વતીના આશીર્વાદ અને લોહીમાંથી આવતી કલા છે એટલે કે વારસાગત. સંગીત એ એક અગાધ સમુદ્ર છે અથવા તો એક વાતાવરણ છે જેમ ઈશ્વર પ્રકૃતિના કણ-કણમાં છે એમ સંગીત પણ પ્રકૃતિના કણ-કણમાં છે. સંગીત તે માં સરસ્વતી ની દેન છે એટલે જ્યારે સંગીત વ્યાપાર બની જાય છે ત્યારે એનું મૂલ્ય રહેતું નથી સંગીત એ સાધના ની કળા છે અને "સ્વર થી ઈશ્વર સુધી પહોંચવાનું એક સરળ માધ્યમ છે."


  2009માં તે વખતના મુખ્યમંત્રી માનનીય શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આયોજિત સુરેન્દ્રનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ના કાર્યક્રમનું સંપૂર્ણ કાર્યક્રમ નું સ્વર અને સંગીત શ્રી ભરતભાઈ એ જ કર્યું,

  એક પારંપરિક માન્યતા અનુસાર પટેલ જ્ઞાતિમાં જન્મ એટલે સાહિત્ય સંગીત સાથે કોઈ સંબંધ જ ના હોય એવું સમગ્ર સમાજ માનતો હોય ત્યારે તેમના પિતાજી અને અને તેઓએ આ વાતને તથ્યથી જુદી સાબિત કરી બતાવી છે,

  1998 માં આકાશવાણી રાજકોટ ની live concert ડોક્ટર ભરત ભાઈ અને પુરષોતમ ભાઈ બંને સાથે છ કમ્પોઝિશન ડોક્ટર ભરત ભાઈ ના અને છ કમ્પોઝિશન પુરુષોત્તમભાઈ અને પુરુષોત્તમભાઈ live બોલ્યા કે સાહિત્ય અને સંગીત જગતની અંદર રાવજી પટેલ પછી આ બીજો પટેલ જોયો કે આ સંગીતકાર છે, ઉમદા કલાકાર છે

  તેમને પોતાને ગમતા તેમના સ્વરાંકનો કહે તો સંજુ વાળા

  સ્વર થી ઈશ્વર..
  તું નહીં તો શું
  વારી વારી જઈશું
  ઉંબરા મોઝાર

  ગુણીજન, દિલીપ જોશી ના દિવસ-રાત થાતા, સુખ તો એવું લાગતું,
  તુષારભાઈ નું ઘર, આદિ થઈ અંત, મનોહરભાઈ ના ઘર છે સામે તીર,
  ધીરા ધીરા મંજીરા,
  આમ તો જો કે માં ને પોતાના બધા જ બાળકો વહાલા હોય એમને એમના બધા જ સ્વરાંકન વહાલા છે , પણ આ સ્વરાંકનો વિશેષ છે

  આવો તેમની નિકટના તેમના મિત્રો અને વિવિધ ક્ષેત્રના દિગ્ગજો તેમના વિશે શું કહે છે તે વાંચીએ

  શ્રી મનોહર ત્રિવેદી
  શ્રી સંજુ વાળા
  શ્રી તુષાર શુક્લ
  શ્રી અરવિંદ ભટ્ટ અને
  શ્રી વસંત જોષી

  ૧) શ્રી મનોહર ત્રિવેદી  સાયુજ્ય પરિવારના તેમના મિત્રો તેમના અંગે શું કહે છે આવો જોઈએ એક પછી એક સાહિત્ય અને સંગીતના તેમના સહોદર અને વડીલ મિત્રો જાણીતા અને ખુબ જ સન્માનનીય સાહિત્યકાર *શ્રી મનોહર ત્રિવેદી* ભરતભાઈ માટે શું કહે છે આવો જોઈએ " *ગણું તો આંગળીના વેઢા પણ વધી પડે એટલા સ્વરસાધકો -સંગીતકારો સાથે હું નિકટ સંબંધ, કહે કે ઘરોબો ધરાવું છું. પાંચ -સાત નામ તરત હોઠે ચડે એવું એક નામ તે ડૉ ભરત પટેલ. ન પક્ષપાત, ન પૂર્વગ્રહ* . . નિસબત માત્ર ને માત્ર સાચા ગીત માટે, એમાં ઠરીઠામ થયેલી ગેયતા માટે. મનમાં વસી જાય તો સ્વરબદ્ધ કરવામાં જીવ રેડે. ઊંઘને આઘી ઠેલે. જાણીતા -અજાણ્યા એવા ભેદને અવગણે કેટકેટલા અપરિચિત સ્તરને એણે આવકાર્યા, કેટકેટલા કવિઓની રચનાઓ ગવરાવીને ગૌરવ આપી જાણ્યું! માણસવલો ખરો પણ ઠાવકાઈથી તરતોફાન પણ કરે! મિત્રોમિત્રોનોવૈભવ એની પાસે છે, તે કલ્પનાતીત છે! અરવિદ, સંજુ, જ્વલંત, મહેન્દ્ર કે દિલીપ ઈત્યાદિ સાથે એની સહજ નિકટતા છે તેમ છતાં મેં એને જે રીતે ઓળખ્યો -પરખ્યો તે તે મારા 'મિત્રોપનિપદ 'માં ઉમેરાયેલ એક ઓર પીંછું છે. એની દુખતી રગ દબાવવાની એક કળ આ કાવ્યમાંથી મળી રહેશે. કાવ્ય સાંભળવા કાન માંડો" :

  *સોહામણો સ્વર જેનો ખરજે ઘૂંટેલ*
  *જલસાનો જીવ પ્રિય ભરત પટેલ*

  *ગળે ડૂમો ઓગાળીને સૂરને વહાવે*
  *ઊલટથી જાગરણ એની કને આવે*

  *મૂકો ગીત હાથમાં તો રીઝવવો સ્હેલ* . ..
  *શબદનો સંગ, અંગેઅંગ એવો કેફ*
  *ઘરમાં કે બ્હાર ગૂંજે જાણે કે દ્વિરેફ*

  *બંદિશમાં સરસ્વતી આવી શું વસેલ* ? ...
  *કહો જરા :લાડુ. ...વાલ. ..બટેટાંનુ શાક*. ..
  *ત્રમત્રમે જીભ, મળે વાતને વળાંક*

  *બીજી કોઈ વાતે એને પ્હોંચે ના ખલેલ* !
  *સોહામણો, સ્વર જેનો ખરજ-ઘૂંટેલ* .

  *જલસાનો જીવ પ્રિય ભરત પટેલ*

  નિરૂપમા -અજિત શેઠ, ક્ષેમુભાઈ, સુરેશ જોશી જેવા આપણા સ્વરકારૉએ -ગાયકોએ નવોન્મેષ દાખવતા સર્જકો પ્રત્યે હમેશાં ઉત્સુક, ઉત્કંઠ, એમાં એક નામ ભારતનું હું નિ:સંકોચ ઉમેરું.

  ૨) શ્રી સંજુ વાળા  તેમના પરમ મિત્ર શ્રી સંજુ વાળા તેમના વિશે શું કહે છે આવો જોઈએ ગુજરાતી સુગમ સંગીતનો ઇતિહાસ કયાંથી રચાવો શરૂં થયો એ તો એના અભ્યાસીઓ તપાસ આદરે તો ખબર પડે. પણ આપણે એટલું જાડી રીતે જાણીએ કે પહેલાં ભવાઇપ્રયોગોમાં અને પછીથી જુની રંગભૂમિમાં ગીતો ગવાતાં થયાં એને કારણે આજે આપણે કવિતાને સ્વરબધ્ધ માણી શકીએ છીએ. આપણી સામેના *પુરૂષોતમ ઉપાધ્યાય, રાસભાઈ, ક્ષેમુકાકા, અજિત મર્ચન્ટથી લઈને આશિતભાઈ, નૈનેશ જાની, ઉદય મઝૂમદાર, સુરેશ જોશી અને નયન પંચોલી કે સોલી*.. *અમર*.. સાથે ખૂબ આસાનીથી અને બાકાયદા નામ આપી શકાય તો એ *ડૉ. ભરત પટેલ* *ભરત સાથે ઘણા વર્ષોની મિત્રતા અને કવિતા માટેના ઝઘડા પણ વર્ષોના*. પરંતુ ભરત જે રીતે કવિતા સાથે સંકળાય એ રીતે.. ભરત જે રીતે અતિ આધુનિક કવિતા સાથે જોડાય એ રીતે.. ભરત જે રીતે નવી કે નવિનતમ કવિતા સાથે વર્તે એ રીતે કે ભરત જે રીતે આજની કવિતાને પ્રેમ કરે એ રીતે કવિતા સાથેનો લગાવ દાખવતા બહુ ઓછા સ્વરકારોને હું ઓળખું છું. આ ભરત સાથે ઊભા રહે એવા મને ઉદય અને સુરેશ લાગ્યા છે. એનું કારણ એ છે કે નવિન કવિતા એ પોતે એક સાહસ છે. એને સ્વરાંકિત કરીને તમારે આ સાહસને દ્વિગુણિત કરવાનો રહે છે. અને એ મરજીવાવૃત્તિ છે. મરજવાએ પહેલા તો ઊંડા પાણીમાં ભુસ્કો મારવાનો હૈય છે. મોતી મળે એ પછીની ઘટના છે. કારણ કે બહુ મોટું કળણ પણ પેટાળની નિયત છે. સલામતી શોધનારાઓનું આ કામ નથી. *આપણું સુગમસંગીત તાળીઓથી અને વાહ વાહથી પોષાતી અને પાંગરતી ઘટના છે. જો એને બાદ કરો તો સાહસ*.
  મોટા ભાગના આપણા સ્વરકારો કઇ રચના શ્રોતાઓમાં ઉપડશે એ જોતા હોય ત્યારે ભરત અને આવા બે.. ચાર મિત્રો કઇ રચનામાં ઉત્તમ કવિતા છે એ જુએ છે. આ સુગમસંગીતના ઇતિહાસની મોટી ઘટના છે. આ જેમ કવિતામાં એમ જ સંગીતમાં પણ સાહસ જ છે. પણ સર્જક એને જ કહેવાય જે આવા સાહસ કરતા ન ડરે. બાકીના તો અનુસરણ કરનારા અને સલામતીના શોધકો છે. ઇતિહાસ એનાથી ન રચાય. ઇતિહાસ ખપી જનારાઓનો હોય છે. એટલે તમારે બેમાંથી ક્યો રસ્તો પસંદ કરવો એ તમારા હાથની વાત. તમારે સર્વસામાન્ય થઈ રહેવું છે અને સૌમાં ભળી જવું પસંદ છે કે તમારે પોતાની અલગ ઓળખ ઊભી કરવી છે? એ સર્જક સામે પ્રશ્ન હોય છે. હું બેશક કહી શકું કે આપણા આ ભરતનો ઈલાકો આ બીજા પ્રકારનો છે.
  મેં આ માણસને એક સ્વરાંકન માટે જેટલો મથતા જોયો છે એટલો જ એક કવિતા મેળવવા મથતો જોયો છે. આજે આપણે ત્યાં કવિતાનો લીલો દુકાળ છે. થોકબંધ પોસ્ટ થતી રચનાઓમાંથી કવિતા શોધવી અઘરી છે. અને એમાંય એને સ્વરાંકન કરી ગાવી એ તો અતિ કઠિન કામ. પણ ભરત આ કરે છે.

  *આનાથી મોટું આશ્ચર્યજનક બીજુ શું હોય ? તમને ખબર જ હોય કે આ સલામત માર્ગ અને આ સાહસનો. ત્યારે તમે જો સાહસનો પસંદ કરો તો તમે સર્જક છો*.
  મેં આ સાહસના માર્ગે બહુ જ રાજીખુશીથી વિહાર કરતા ભરત પટેલને જોયા છે. મારા માટે આ સાહિત્ય અને સંગીતની ધન્ય ઘડી છે. આવી ધન્ય ધન્ય ધન્ય ધડીઓ મારા માટે બેવડાતી રહો. અને તમને પણ સાંપડે. તો જ આરોવારો છે. નહીં તો સૌ સાથે ભળીને તાલિયા તો છે જ.
  *ભરત જેવા સાહસિક જો પાંચ.. સાત સ્વરકારો આપણી કવિતાને મળે તો સુગમસંગીતના દિ' વળે. કવિતાને એની સાથે બહુ સુક્ષ્મ નાતો છે. કારણ કે છેવટે તો આ તમારા અને કવિતા વચ્ચેના સંબંધની વાત છે* .
  મારી
  એકલા ભરતને નહીં
  ગુજરાતી કવિતાના સૌ હીતચિંતકો વતી સુગમસંગીતને પણ..
  ધન્યવાદ
  સંજુ વાળા

  મના બીજા એક અત્યંત નિકટના મિત્ર અને ખૂબ જ લોકપ્રિય કવિ શ્રી *અરવિંદ ભટ્ટ* તેમના વિષે શું જણાવે છે  *મિત્રોના એક સાદથી આવે તરત પટેલ*
  *સંગીતના શિખર પર બેઠા ભરત પટેલ*
  *હા, સાત સૂર એણે પીધા છે ગળથૂથીમાં*
  *સૂર આઠમોં પીવાની તલપની શરત પટેલ* .
  *અરવિંદ ભટ્ટ*

  ૪) શ્રી તુષાર શુક્લ  ડો.ભરતભાઈ પટેલ માટે આવો જોઈએ ગુજરાતી ભાષાના ધુરંધર જ્ઞાતા ,લેખક, કવિ, વક્તા અને કાર્યક્રમ સંચાલન કર્તા અને એક સમયમાં તેમની સાથે આકાશવાણીના સહકર્મી શ્રી *તુષારભાઈ શુક્લ* શું કહે છે, પ્રેમથી ભરતભાઈ, તુષારભાઈ ને *બિગ બ્રધર* કહે છે સુગમસંગીત મને ગમે પણ ભરત પટેલનો પરિચય ન્હોતો. આકાશવાણી રાજકોટના કેન્દ્ર નિયામક તરીકે નિમણૂક થઇ એ પછી સ્વાભાવિક મળવાનું થયું. રાજકોટ કેન્દ્ર લોકસંગીતનો મહિમા ધરાવતું કેન્દ્ર. અહીં સુગમસંગીતની નવી પેઢીના કલાકારો સામે પડકાર વધુ રહ્યા છે. *એમનામાં પ્રતિભાની કમી નથી ,પણ આ કલાક્ષેત્રના વર્તમાન પ્રવાહો અને પડકારો સાથે કામ પાડવાની તક સ્વાભાવિક જ ઓછી મળે અને આધૂનિક સાધનો, સુવિધા, સજ્જ કલાકારો ઉપરાંત બજારની ઉપલબ્ધિ પણ ઓછી , એટલે સીમિત ક્ષેત્રની બ્હાર પ્રતિભાનો પરિચય પણ ઓછો પ્હોંચે* . વળી સ્પર્ધા પણ સાધકની સજ્જતાની ધાર કાઢનારું મહત્વનું તત્વ છે.

  *આવી વિપરિત સ્થિતિમાં પોતાના ગમતા કલાક્ષેત્રમાં ઉત્સાહથી પ્રવૃત્ત રહેવું , પ્રયોગ કરવા અને ઓળખ ઉભી કરવી એ સામા વ્હેણે તરવા જેવું છે ને ભરત પટેલે એ કરી બતાવ્યું છે* .
  *રાજકોટ આવ્યા બાદ અમારો પરિચય વધ્યો. કેન્દ્ર નિયામક અને સ્ટાફ આર્ટિસ્ટ તરીકે નહીં પણ ગીતકાર અને સ્વરકાર તરીકે અમે એકમેક સાથે જોડાયા* ( અને અંગત સ્તરે હું એના પરિવારમાં ઉમેરાયો 😍 )
  ભરત પટેલને એના પિતા પાસેથી સંગીત તો મળ્યું પણ એથી વધુ મહત્વના આશીષ મળ્યા છે એમના આધ્યાત્મિક સંસ્કારના. સાગર મ્હારાજની ચેતનાના. પરિણામે સૌરાષ્ટ્રની સમૃધ્ધ ભજન પરંપરાનું એને આકર્ષણ રહ્યું છે ( જે અહીં પણ જોવા મળે છે ..! ). અને સંજૂ વાળા જેવા કવિજનના સાન્નિધ્યમાં એની સમજણ કેળવાય છે.
  *ભરત મૂલત: વાયોલિનનો સાધક, સિન્થેસાઇઝર પણ જાણે. ને ધ્વનિમુદ્રણ ટેકનિકમાં અંગત રસ લઇને એ સજ્જ થયો છે. આ કામ એના પદભારમાં આવતું નથી, પણ એના શોખ અને એના ઉત્સાહને કારણે એણે રાજકોટ કેન્દ્ર પર સુગમસંગીતની રજૂઆતને એક ઓળખ આપી છે* .
  વ્યક્તિગત રીતે અમે સાથે કામ કર્યું છે ને ત્યારે મેં એક સ્વરકાર તરીકેની એની સજ્જતા જોઇ છે. એ કવિતાના ભાવપક્ષનું સ્વરાંકનની મદદથી પ્રત્યાયન સાધવા મથે છે. એણે મારા ગીત સ્વરબધ્ધ કર્યા છે તો મેં એના સ્વરાંકન પર શબ્દ લખ્યા છે. એનામાં કાર્યક્રમ નિર્માણની સમજ છે. સીમિત સાધનો વચ્ચે ચાલતા સરકારી કામમાં એ હારતો નથી.
  મહાનગરની સરખામણીમાં નાના નગરમાં કાર્યરત કલાકારો સામે પડકારો તો હોય જ પણ ક્યારેક એના અભાવ વ્યક્તિના સ્વભાવને આળો બનાવી દે છે. આવડતને ઓળખમાં બદલે એવી અનુકૂળતા ન મળે ત્યારે આમ બનવું સ્વાભાવિક છે. પણ એ સમયે પણ પોતાને ગમતા કલાક્ષેત્રમાં પ્રવૃત્ત રહેવું એ મોટી વાત છે.
  ગુજરાતી સુગમસંગીતનું બજાર હવે સંકોચાતું જાય છે. અમદાવાદ - મુંબઇમાં પણ એ જ સ્થિતિ છે. એવામાં કલાકાર અને વ્યાવસાયિક તરીકેના સંતોષ અને સફળતા મળવા મુશ્કેલ છે. આ વાતાવરણમાં પોતાને ગમતું ક્ષેત્ર જ પોતાના કાર્યક્ષેત્ર તરીકે મળવું એ પણ કૃપા જ છે.
  ભરતને એવી તક મળી છે ને એ નિરાશ થયા વગર એનો સરસ ઉપયોગ કરતો રહે તેવી શુભકામના.

  *તુષાર શુક્લ*

  શ્રી વસંત જોષી  આકાશવાણી કેન્દ્ર ના અનેક સ્થળોએ કેન્દ્ર નિયામક રહી ચૂકેલા અને અત્યારે પણ કાર્યરત માનનીય કવિ અને નાટ્ય કલાકાર શ્રી *વસંતભાઇ જોષી* તેમના મિત્ર ડો. ભરત પટેલ માટે શું કહે છે એ જોઈએ.
  *ભરતને સંગીત ગળથૂથીમા મળ્યું છે. એમના પિતાશ્રી જયંતિભાઈ આકાશવાણીના ઉત્તમ સ્વરકાર. એમના સ્વરાંકનો આજે ય કર્ણપ્રિય. એમનો સંગીત વારસો ભરતે જાળવ્યો છે* .
  આયુર્વેદમા ડોક્ટરી ભણ્યા પછી ભરત સંગીત માટે પ્રતિબદ્ધ એટલે એમણે સ્વરકાર તરીકે આકાશવાણી રામપુરથી કારકિર્દી શરૂ કરી.
  *ભરત, પરંપરામાં બંધાયા વિના સતત નવા નવા સ્વરાંકનો કરે. લોકપ્રિયતાની પરવા કર્યા વગર આજની ગુજરાતી કવિતાને સ્વરબધ્ધ કરે* .
  આ માસનું ગીત કાર્યક્રમ અંતર્ગત એમણે સંખ્યાબંધ કવિતાના સ્વરાંકનો કર્યા છે. સુગમ સંગીતના ભાવકોમા આ કાર્યક્રમ ખૂબ જ પ્રિય. ભરતનું આકાશવાણી માટે ઉત્તમ કામ એટલે આપણી જૂની રંગભૂમિના ગીતોને આજના કલાકારો પાસે ગવડાવીને જાળવણી કરી તે.
  *માત્ર ઉત્તમ સ્વરકાર જ નહીં પણ સાહિત્યના ભાવનમાંય ઊંડો રસ. નવી કવિતા વાંચે એ વિશે મિત્રો સાથે ચર્ચા કરે અને બરાબર આત્મસાત કર્યા બાદ જ તેનું સ્વરાંકન કરે* .
  ભરત મૂળે તો વાયોલિનનો અચ્છો કલાકાર. આ કલા પણ એમણે પિતાજી પાસેથી જ મેળવી. આકાશવાણીમા મલ્ટી ટ્રેક રેકોર્ડીંગ માંય એની માસ્ટરી. સંગીત સાહિત્ય અને ટેકનોલોજીનો અદભૂત સંગમ.
  *સૌરાષ્ટ્રના કેટલાય કવિઓની કવિતાના સ્વરાંકન કર્યા છે. આકાશવાણીમા મે એને સતત કમ્પ્યુટર પર કામ કરતા જ જોયા છે, એક નિષ્ઠાવાન અને કર્મઠ સાથી તરીકે એની સાથે કામ કરવાનો મને આનંદ અને ગર્વ છે*br> *વસંત જોષી*

  આવા સુંદર સંગીતકાર સંગીતમાં અને સંગીતની દુનિયામાં ઓછા હોય છે અને તેથી જ સાયુજ્ય ગ્રુપના તમામ પરિજનો તરફથી શ્રી ભરતભાઈ પટેલ ને અનેક અનેક શુભેચ્છાઓ શુભકામનાઓ અને સંગીત ક્ષેત્રે વધુને વધુ તેમનું યોગદાન મળતું રહે તે જ આશા અને અભ્યર્થના

  હરીશ શાહ
  વડોદરા
 • Home