હિમલ પંડ્યા  

હિમલ પંડ્યા

Audio સાંભળવા માટે નીચેની link click કરો :  Himal Pandya Audio :


  4.mp3 1.mp3 5.mp3 2.mp3 3. mp3

  હિમલ પંડ્યા નો પરિચય


  *આદરણીય સાયુજ્ય મિત્રો* ,

  આજનો દિવસ એટલે કે 21 મી ડિસેમ્બર..... વર્ષનો સૌથી નાનો દિવસ છે , એટલે કે ટૂંકો દિવસ !

  ઉત્તર ગોળાર્ધમાં આ દિવસ વિશેષતા ભરેલો છે આ દિવસે સૂર્યનો પ્રકાશ સૌથી ઓછા સમય માટે પૃથ્વી પર હોય છે, અને રાત્રી વર્ષની સૌથી લાંબી રાત્રી હોય છે , આજના દિવસથી સૂર્ય દક્ષિણથી ઉત્તર તરફ પ્રયાણ કરવાનું શરૂ કરે છે, *Winter solstice 2018 in Northern Hemisphere will be at on Friday,21 December 2018*

  જેમ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે અને તેની ધરી સાડા બાવીસ અંશે હોય તે સંજોગોમાં સૂર્યના કિરણ પૃથ્વી ઉપર ઓછામાં ઓછા સમય માટે આજના દિવસે આવતા હોય છે .અને શિશીર ઋતુ ની પુર્ણાહુતી આ દિવસ પછી જ થતી હોય છે , આ સંદર્ભ એટલા માટે આપું છું,
  આજે પરિચય ગાથામાં જેમનો પરિચય આપવા જઈ રહ્યો છું તે સાહિત્યક્ષેત્રે ભલે સર્વોચ્ચ હરોળમાં ન હોય પણ છતાં તેમની રચનાઓની રજૂઆત ખૂબ જ વેધક છે અત્યંત પ્રભાવશાળી, પ્રમાણસર અને *સાંપ્રત વિષય* ઉપર સચોટ રજૂઆત કરનાર, આ *કવિએ ખેલદિલીને જીવન બનાવી, મોતને પણ થાપ આપી અને જીવન જીવવાના ઉદાહરણ બની ગયા છે*, એમના જીવનમાં પણ એક ટૂંકો દિવસ આવ્યો હતો પણ તે દિવસને એમણે મોતને પણ હાથતાળી આપી સાહિત્ય ક્ષેત્રે વધુને વધુ ઉર્ધ્વગતિ કરી છે, જેમને,

  *અદભુત પ્રતિભાસભર અને અર્થસભર ગીતો અને ગઝલ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રને પ્રદાન કર્યા છે*
  *કવિ શ્રી હિમલ પંડ્યા*

  અત્યંત સંવેદનશીલ ,એક ઉમદા માનવી ,અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા અને તેટલા જ ઉદ્દાત ભાવના વાળા ભાવનગરના *કવિ શ્રી હિમલ પંડ્યા* ખરેખર ખૂબ જ ઉમદા વક્તા અને સરળ માનવી છે

  *જીવનની સંઘર્ષમય યાત્રા ખેડીને વિજયી થઈ, આપણી સાથે અત્યારે નવજીવન માણી રહ્યા છે* ,

  થોડીક પૂર્વભૂમિકા આપવી જરૂરી છે. ગત ૨૦૧૬ના ફેબ્રુઆરી માસમાં હ્દયના માયોકાર્ડીયમ સ્નાયુમાં ટ્યુબરક્યુલોસિસના પ્રભાવથી તેઓ ખૂબ જ નાજુક તબીબી હાલતમાં આવી ગયા હતા અને છતાં માં સરસ્વતીની કૃપાથી નવ દસ મહિનાના સંઘર્ષ બાદ સ્વસ્થ થઈ ગયા , આ અસાધારણ અવસ્થા ખૂબ જ નહિવત ટકાવારીમાં જ થાય છે , પણ થાય તો તેની સામે લડવું ખૂબ જ મુશ્કેલ છે તેમના પત્ની અને તેમના ડોક્ટર બંનેનું ખૂબ જ મક્કમ મનોબળ અને તેમની જીવન જીવવાની ધગશે તેમને નોર્મલ પરિસ્થિતિ બાજુ લઈ આવ્યા,

  *કદાચ માં સરસ્વતીજીને એમની સાહિત્યક્ષેત્રે જરૂર લાગી હશે*
  *આ એક કુદરતી ચમત્કાર જ છે*,

  હાલમાં તેઓ ભાવનગરની શાંતિલાલ શાહ કોલેજ ઓફ ફાર્મસીમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવી રહ્યા છે એ અગાઉ તેઓ આ જ કોલેજમાં આચાર્ય હતા. જીટીયુ દ્વારા તાજેતરમાં જ તેમની ફાર્મસી વિદ્યાશાખાના એસોસિયેટ ડીન તરીકે વરણી થયેલ છે. રાજકોટ પાસે વીરનગરમાં દર્દીનારાયણની સેવાનો ભેખ લેનાર સ્વ. ડો. શિવાનંદ અધ્વર્યૂજીના દોહિત્ર તરીકે સેવા અને સદ્ભાવનાના ગુણો વારસામાં મેળવનાર હિમલભાઈએ ૬૫ વખત સ્વૈચ્છિક રક્તદાન કરેલ છે.

  *પ્રાધ્યાપક અને કવિ હોવા ઉપરાંત તેઓ એક લોકપ્રિય વક્તા તરીકે યુવાનોમાં ચહીતા છે*. *૧૯૯૨માં તેઓ રાષ્ટ્રીય સ્તરે વક્તૃત્વ સ્પર્ધાના વિજેતા રહી ચૂક્યા છે*.
  આવા માનવીની સાહિત્ય સફર પર એક નજર કરીએ
  ૧૯૯૨માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ગઝલ ગઝલ સંગ્રહ બહાર પડ્યો જેનું નામ હતું *ગાંડીવ* અને બીજો ગઝલ સંગ્રહ તેમણે ૨૦૧૧માં ઓડિયો આલ્બમ સ્વરૂપે બહાર પાડ્યો જેનું નામ હતું *એવું લખ હવે* સીડી ભાવનાબેન મહેતા ના સ્વરમાં ગાયેલા એમના લખેલા સર્જન હતા અને સીડી ખૂબ જ વેચાણ પામી , *આ સંવેદનશીલ કવિએ સીડી ની આવક ના તમામ પૈસા લગભગ સાડા ચાર લાખ રુપિયા રોટરી ઈન્ટરનેશનલના પોલિયો નાબૂદી ફંડમાં દાન કરી દીધા*

  *પ્રણામ એમના પરોપકારી જીવને*
  અસ્મિતાપર્વ -2017 ના કાવ્યાયન સત્રનું સંચાલન,
  કાવ્યસંગ્રહ 'ગાડીવ' (1992),
  ઓડિયો આલ્બમ 'એવું લખ હવે' (2011)......
  આગામી સંગ્રહ '....ત્યારે જીવાય છે'
  આવો, આજે માણીએ એમની ચુનીંદા ગઝલોમાંથી કેટલાક શેર,
  *એમની ચુનીંદા ગઝલોમાંથી કેટલાક શેર*,

  કોઈને જીતવાની અધીરાઈમાં,
  જાતને સાવ હારીને બેસાય છે;

  જિંદગીભર મેં ય લ્યો, પૂજ્યા કર્યો!
  એક પત્થર જીવતો થાતો નથી;

  તારા થઈ જવાથી મને એ ખબર પડી!
  તારા થઈ જવાય ને! ત્યારે જીવાય છે;

  મોહ ફળનો હું ય ના ત્યાગી શક્યો!
  આમ તો મેં પણ ગીતા વાંચી હતી;

  એકધારી આવ-જા કરતી રહે છે,
  તો ય ક્યાં દેખાય છે પગલાં હવાના?

  એક એવું જણ જગતમાં ક્યાંક હોવું જોઈએ,
  જ્યાં બીડેલી આંખમાં સપનું થઈ ખુલી શકો!

  એ મથે છે રોજ છેડો ફાડવા;
  એક બ્હાનું જોઈએ છે શ્વાસને!

  છે ખૂબીની વાત કે બસ આપણે ના જાણતાં!
  ખૂબ ચર્ચાતું રહ્યું તારા અને મારા વિશે;

  જિંદગી ઉર્ફે જ પેચીદી રમત!
  સ્હેજ તો ગૂંચવાઈ જાવાનું હતું;

  એમની પાસે સમય હોતો નથી,
  ને ગઝલમાં વાત ઠલવાતી નથી;

  પ્રેમમાં તો યાદ બીજું રાખવાનું હોય શું?
  છેવટે ભૂલી જવાની હોય છે આ જાતને!

  શું કરો શ્રદ્ધા જ હાંફી જાય તો?
  શ્વાસને તો દોડવું’તું ફોર્સમાં.

  આંખ એની વાંચતા જો આવડે!
  મૌન પણ એનું કળાતું હોય છે.

  ક્યાંય સુકાયા નથી કોઈ આંખના દરિયા હજુ,
  હોઠ પર 'શ્રી રામ' કે 'ઇસ્લામ' લઈને આવ મા.

  આજીવન એ એકલો જીવ્યો હતો,
  માનમાં જેના સભા રાખી હતી.

  હા, ભરોસો છે મને એ વાત પર,
  કે ભરોસો તૂટવાનો હોય છે.

  સાંભળ્યું છે એ જ પહેલા ચીર પણ પૂરતો હતો,
  રોજ આપે છે નવી પીડા મને જે પ્હેરવા.

  તમે શોધ્યા કર્યું છે બ્હાર, એથી થાપ ખાધી છે,
  વસ્યું છે ભીતરે એ તેજ પરખાતું નથી હોતું!

  શીખવી દે કેટલું પળવારમાં!
  જિંદગીનો તાસ નોખો હોય છે.

  અધૂરી હોય ઈચ્છા ત્યાં સુધી ક્યાં દેહ છૂટે છે?
  તને ઝંખ્યા કરું છું એટલે જીવ્યા કરું છું હું.

  જિન્દગી તારી ભલે ને વારતા જેવી હશે,
  આખરે તો હું જ એ આખી કથાનો સાર છું.

  સાવ પૂરી, સાવ આખી કોઈને મળતી નથી,
  જિંદગી છે, જોઈ-ચાખી કોઈને મળતી નથી.

  એટલે શંકા રહે છે તારા હોવા પર સતત;
  તું બધું જુએ, છતાંયે આજીજી કરવી પડે?!

  એક ચહેરો આઈનાની એ તરફ!
  ત્યાં સુધી તો રોજ જાવું જોઈએ.

  જીવવાનું, એ ય ભૂલીને તને?
  કેટલી અઘરી શરત મૂકી દીધી!

  એક બેહદ કિંમતી પુસ્તક મળ્યું;
  આપણે પાનાં જ ઉથલાવ્યા કર્યા!

  ચાલ, અરીસામાંથી નીકળ બ્હાર, ને ગમતી વાતો કર;
  ખૂણા પરની કીટલીએ બે ચાનું કહીને આવ્યો છું

  હરીશ શાહ
  22 12 2018
  વડોદરા