મહેન્દ્ર જોશી

મહેન્દ્ર જોશી


  મહેન્દ્ર જોશીનો પરિચય


  આદરણીય સાયુજ્ય મિત્રો ,

  સૌ પહેલા તો આપ સૌ આદરણીય મિત્રોને વર્ષ 2019 ની અનેક અનેક શુભેચ્છાઓ સર્વ રીતે આ વર્ષ મંગલકારી નીવડે,

  ડિસેમ્બર 2018 સાયુજ્ય ની પરિચય ગાથાની શરુઆત, ૧૩ મી ડિસેમ્બર થી આપણે પરિચય ગાથાની શરુઆત કરી હતી અને આજે લગભગ ૧૮ દિવસ પછી પણ એક પણ દિવસ પડ્યા વગર આપણે પ્રતિભાઓનો પરિચય કરતા જઈએ છીએ, એવું બને કે કદાચ મારી સમજણ, મારી પ્રકૃતિ, અને મારી ભાવકવૃત્તિ સૌ કોઈની અપેક્ષાની કક્ષાએ ન હોય અને તેથી જ કોઈક વખત કોઈ પ્રતિભાને અથવા વિષયને અજાણે ક્યાંક ઓછું અથવા ક્યાંક વધારે ચિત્ર દોરાયું હોય, તો માફ કરશો. અને વ્યક્તિગત રીતે આપને વિશેષ સૂચન કરવું હોય તો મને જરૂરથી કરો પણ તે એક પ્રેરણાત્મક સૂચન હોવું જરૂરી છે,

  પૂર્વમાં કહેલી વાત કે સર્જક આકાશ છે અને ભાવક નીચેથી આકાશને હાથ ઊંચો કરી અડકવાનો પ્રયત્ન કરે છે આંગળી અને આકાશ વચ્ચે સાયુજ્ય રચવાનો પ્રયત્ન કરે છે, આ પ્રયત્નમાં ક્યાંક કોઇ કચાશ કે ભૂલ હોય તો સ્વીકારું છું, હું એક પ્રયત્નકાર છું જે સાયુજ્ય ના પ્રતિભાવાન સાહિત્ય-સંગીત ના રત્નોને સૌ ગ્રૂપ મેમ્બર સાથે વિદિત કરાવવાનો પ્રયત્ન કરું છું ....આભાર .

  નવુ વર્ષ 2019 આપ સૌને પ્રગતિમય સુખમય અને સમૃદ્ધિમય રહે સાથે સુસ્વાસ્થ્ય રહે એ જ આશા, અભ્યર્થના

  ચાલો મૂળવાત ઉપર આવીએ નવા નવા વર્ષનો પહેલો દિવસ અને આજે પરિચય કરીએ આપણી ભાષાના અદભુત સાહિત્યકારનો

  સાહિત્યકારોની ઓળખમાં પદ્ય વિશે ઝાઝી અને વિશેષ અભિવ્યક્તિ કોઈક એવી એવી અવસ્થામાં કે જે સામાન્ય વિચારોથી અસામાન્ય હોય, તે જ દિશામાં ભાવકોને સમજવા માટે વિચાર કરતા કરી મુકે અને તેમની રચનાઓથી ભાવકોને કંઈક પ્રાપ્ત થાય,

  આજે આપણે એક એવી પ્રતિભાના પરિચય કરવા જઈ રહ્યા છે જેઓને ભાષાના પુરોગામી સમકાલીન અને નવોદિતો જે ભાષા અને અભિવ્યક્તિમાં અલગ ભાત પાડે છે તે ખૂબ જ ગમે છે તેઓને ગમે છે, રોજબરોજના સુખ દુઃખ ના પાણી પોચા સપાટ ભાવોને બદલે એ જ સંવેદનોનો પડકાર ઝીલી , નૂતન શિલ્પ દ્વારા સમયબદ્ધ કરે છે તે , કવિકર્મ દ્વારા સ્વસ્થ નિરૂપણ કરે છે તે* તેઓને ભારતીય અને વિશ્વ કવિતા ને સાંપ્રત ગુજરાતી કવિતામાં તુલનાત્મક રીતે જોવું ગમે છે અને જે પૂર્વ સમયે કવિઓ દ્વારા સર્જાઈ ચૂક્યું છે તેનું શાબ્દિક, ભાવાત્મક કે લયાત્મક અનુકરણ કરવું ગમતું નથી જી હા , હું વાત કરી રહ્યો છું ગુજરાતી સાહિત્યના આભૂષણ એટલે કે પદ્ય વિભાગના એક નામાંકિત કવિ , ગઝલકાર અને વિવેચક

  શ્રી મહેન્દ્ર જોશી

  તારીખ 28 09 1951, રીબડા ગામે, ગોંડલ તાલુકામાં, રાજકોટ જિલ્લામાં, થયો હતો. એમ.એસ.સી બી.એડ્ની ડિગ્રી સાથે માધ્યમિક શિક્ષણ વિભાગમાં વિરાણી હાઇસ્કૂલ રાજકોટ થી તેઓ નિવૃત્ત થયા હતા. આવો , જોઈએ તેમની પ્રથમ કૃતિ કે જે 1976 માં કલકત્તા થી પ્રસિદ્ધ , સંપાદિત કાવ્ય સંચય રૂપે પ્રગટ થઈ હતી

  "આ અથવા ઈ" સહ સંપાદન, સહસંપાદન 1980
  પ્રથમ કાવ્યસંગ્રહ *તંદ્રા* ગીત ગઝલ અને અછાંદસ 1985 માં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો
  *અતિક્રમી તે ગઝલ* સહસંપાદન 1990 સંહ સંપાદન 19 93
  *કિંશુકલય* સહસંપાદન 1993 નવમા દાયકાના કાવ્યો
  તેઓનો ગઝલ સંગ્રહ *અગ્નિપૂંજ* 2000માં પ્રગટ થયો.

  અને ત્રણ કવિઓની ઓડિયો કેસેટ અને સીડી સંગીતકાર શ્રી ભરત પટેલ સાથે ઉંબરા મોઝાર મ્હોર્યો આંબલો* 2003

  *પગલા પારિજાતના* ચિંતનાત્મક પ્રસંગોનો સંચય સહસંપાદન 2012
  *ઈથર ના સમુદ્ર* ગીત ગઝલ અને અછાંદસ દર્શક ફાઉન્ડેશન 2013
  ઈથર આ એક કેમિકલ શબ્દ છે કાર્બનના અનેક કણો ,જ્યારે કોઈક સંયોજિત અવસ્થામાં ભેગા થાય તો તેને ઇથર કહેવાય છે, અને બીજો અર્થ છે ગ્રીક ભાષામાં પૃથ્વીના વાતાવરણની ઉપરના સ્તર ને ઇથર કહેવાય છે એટલે કે એવો એક અપદાર્થ જે વાતાવરણની બહારના સમગ્ર બ્રહ્માંડને ભરી દે છે, અને ઈથર ના સમુદ્ર પુસ્તક માં જે રચનાઓની સજાવટ છે તે એટલી સુંદર છે કે આપ વાંચીને ખૂબ જ આનંદિત થઈ જશો , આપને સરળ પડે તે હેતુથી તેમાંની અમુક એક ગમતીલી રચનાઓ મૂકી છે,

  કોઈ જાગે છે ગઝલ સંગ્રહ 2016

  કવિ બહુ સ્પષ્ટ કહે છે કે તેઓ ગઝલ વિશે કોઇ દાવો કે તેમનું જ્ઞાન ડહોળતા નથી , પણ તેઓ તે દિશામાં તેઓ પગલા માંડે છે, ભૂતકાળ જેવી ગઝલ લખવાથી ભાષાને શો ફાયદો ? પરંપરા ખરી, પણ માનવીય સંવેદનાઓને અનુઆધુનિક અભિગમથી અભિવ્યક્તિ અલગ પડે તેઓ તે દિશામાં જઈ રહ્યા છે અને આ ગઝલ સંગ્રહનું નામ પણ સંકેતાત્મક છે બંને રીતે ગઝલની રીતે અને તેના વ્યાપક સંદર્ભ ની રીતે, તેઓ માને છે કે ગઝલ એ કાવ્ય છે, અભિધાથી મુક્ત અને આસ્વાદ્ય વ્યંજનાત્મકતા લઇ ગુજરાતી ગઝલો આપણા સર્જકો દ્વારા પ્રાપ્ત થાય તે અહોભાગ્ય ! સામાન્ય ભાવક આવી ગઝલ દ્વારા રસસિદ્ધિ પ્રાપ્ત કરી અસામાન્ય બને તે ઇષ્ટ છે,

  તેઓની રચનામાં પરિપક્વતા છે ,આંતરિક વિચારોનો સામૂહિક આસ્વાદ છે , શબ્દો દ્વારા ભાવક સાથે સંવાદ કરવા સુધીની તાકાત તેમનામાં જોવા મળે છે
  તેમના ગીતોમાં લય અને સંવેદના છે, કેટકેટલાય આયામોને ગીતમાં જોડીને ભાવ સુધી પહોંચાડવામાં શ્રી મહેન્દ્રભાઈ પ્રખર સ્થાને છે

  રંગમહેલની પૂતળીઓ કાંઈ સહુના મનને વાંચે, નૈ દોરી નૈ આંગળીઓ તોયે અજબગજબમાં રાચે આવા જીવંત ગીતો રચના શ્રી મહેન્દ્રભાઈ કહે છે

  સોને મઢશું ચાંચ ને હીરક દેશનું દાણ,
  વળતા આવી આંગણે ,કરશું મોટી લહાણ
  આટલી ઉપલબ્ધિ હોય ,ત્યારે આવા સંવેદનો પ્રગટ થાય, ઉચ્ચકક્ષાની ગીત-ગઝલ અને પ્રગતિના રસ અને સંવેદના આપ માણી શકશો ,

  શ્રી મહેન્દ્ર જોશી ના સર્જનો

  સાયુજ્ય પરિવાર તરફથી શ્રી મહેન્દ્રભાઈ જોષી ને અનેકાનેક શુભેચ્છાઓ અભિનંદન

  અને આવનાર સમયમાં હજી પણ તેમના તરફથી વધુ ને વધુ સાહિત્ય પ્રદાન થાય ભાષાને નવા અને ભાવકોને તેમની અદભૂત શૈલી પ્રતિવર્ષ પ્રાપ્ત થાય તેવી આશા અને અભ્યર્થના સહ ,



  આવો એમની કેટલીક અદભુત રચનાઓ આપણે માણીએ


  હું મારી ભાષામાં જીવું છું

  મારી જીભના મૂળ
  મારાં બાપ- દાદા- વડદાદાની જીભમાં જીવે છે
  મારી મા, દાદી, વડદાદીના દૂધમાં
  મારાં દૂધિયા દાંત જીવે છે
  મારાં મા જણ્યા ભાઈ- બહેનોના હોઠ પર જીવું છું
  મારાં પગ મારી માટીમાં
  વડ થઈને રોપાયા છે
  મારાં હાથમાં વડવાઈઓ ફૂલીફાલી છે મારી ભાષાની
  મારી આંખોમાં ભૂગર્ભજળ છે મારી ભાષાનું
  મારા શ્વાસમાં મારા ગામ લોકની
  સીમ ખેતર વાડીની સોડમ છે
  મારા લોહીમાં લોકકથાઓના વહાણો તરે છે
  પવન ઓતરાદો હોય કે
  મને અળગો કરશો નહી મારી માટીથી
  હું મારી ભાષામાં જીવું છું
  હું મારી બોલીમાં જીવું છું


  એ બધી જ સ્ત્રીઓ ગમે છે

  એ બધી જ સ્ત્રીઓ ગમે છે
  કેટલીક મને વારંવાર જન્મ આપી
  પારણે સુવરાવી
  ગાય છે હાલરડાં હજુયે
  કોઈ કોઈ ઘરમાં

  કેટલીક મારી સાથે
  સંતાકૂકડી રમે છે ફળિયાના ઝાડપાન વચ્ચે
  પકડાઈ જાઉં , પગ પછાડું, રોઉં તો
  ડબ્બીમાં સંતાડેલ
  સુખડીનું બટકું આપે છે


  .કેટલીક ‘નાનો દેરીડો લાડકો’ ગાઈને ગાલે આંજણનું ટપકું કરે છે…

  કેટલીક મનોમન જવારા વાવી સતીમાને પૂજે છે
  બારીમાંથી રાતે જોયા કરે છે
  ચંદ્ર એકલી એકલી

  કેટલીક આજે ય હા આજે ય
  સપ્તપદીના અધૂરા ફેરા ફરે છે ભીની આંખે
  હા એ બધી જ સ્ત્રીઓ મને ગમે છે

  જે કોઈને કોઈ પુરુષનો સંસારરથ ચલાવે છે
  ઉબડખાબડ રસ્તે


  અચરજ કાવ્યો

  (૧)

  તું અરુંધતી હઈશ કે આદિત્ય
  તેની ખબર નથી
  એકોતેર પેઢીનું અચરજ લઈને
  જયારે અમારા લોહીના કાંઠે અવતરીશ
  ત્યારે તારી નાની નાની ગુલાબી હથેળીમાં
  લખાયો હશે એક અક્ષર
  ‘ક’ કમળનો ક
  જે તારા દાદીમા તારા પપ્પાની હથેળીમાં લખતાં
  થયું કે આટલી વાત
  તને કહી જ દઉં
  પછી વખત મળે ના મળે !
  મને હમણાં હમણાં તને કહેવાની
  કાલી કાલી ભાષામાં બહુ રસ પડે છે !

  (૨)

  દીવો પકડવા
  હાથપગ ઉછાળતી
  ટગર- ટગર જોતી પારણાની બાળદુર્ગા હઈશ !
  કે મા જસોદાને બોલાવવા
  પાટું મારી માખણનો કુંભ ફોડી નાખતો
  મોહન હઈશ !
  ખબર નથી
  તારી ટમટમતી આંખોમાં મને જગજનનીની
  આરતીના અસંખ્ય દીવાઓ દેખાય છે
  તો ઘડીમાં
  મને ઘરના ખૂણે બે હાથથી બંધાયેલો જોઉં છું
  રોતો અને ગાતો જાઉં છું
  ‘મૈયા મોરી મેં નહી માખન ખાયો...’
  પછી વખત મળે કે ના મળે
  એક વાત કહી દઉં
  હું જ ઉછરું છું તારામાં
  બહુ રસ પડે છે તારી આ લીલામાં
  અને મને ,મારી આ ભાષામાં ....

  (3)

  તું પૂછતી હઈશ
  પતંગિયા ઊડે છે તો ફૂલો કેમ ઊડતા નથી ?
  અથવા તું પૂછતો હઈશ
  લોર્ડ કૃષ્ણને ગોડ કહો છો તો આઇન્સ્તાઇનને કેમ નહી ?
  સ્કૂલેથી આવીને મને પજવતા હશો
  મારા આઈસોલેસન વોર્ડ જેવા રૂમમાં
  દાદુ , આ તમારું આજનું હોમવર્ક !
  મૂંગો મલકતો માણતો હઈશ
  ઊભરાતી ઉઘડતી કલ્પનાઓની આકાશગંગા
  આંગળીએથી વછૂટી જાય છે પારણાની દોરી
  આંખોમાંથી આરતીના દીવાઓ
  પેલી બાળ દુર્ગા અને માખણચોર મોહન
  તબડક ઘોડો અને સ્પેશ શટલ ...
  ખુલ્લી જાય છે અનેક જન્મોના મંદાકિની વિશ્વો
  એકોતેર પેઢીઓનું અચરજ મારા લોહીને કાંઠે અવતરે છે
  પછી વખત મળે ના મળે
  એક વાત છે જે કહી જ દઉં
  હમણાં હમણાં મને બહુ રસ પડે છે
  દુનિયાની કાયાકલ્પમાં
  અને મને મારી ભાષાની આંખોમાં ઝગમગતા કલ્પનોમાં !


  (4)

  તું ‘ડોલી’ હઈશ
  પા પા પગલી કરતાં તારાં ચરણ
  પેલી બે ચોટીવાળી ‘ઢીંગલી ‘ તરફ કે
  કે સ્પેસ શટલની ‘લેડી કમાન્ડર ‘તરફ ?
  કે તું ‘ રાણાપ્રતાપ’ હઈશ ને
  તારા હાથ ઊંચકશે ‘તબડક ઘોડો’ કે ‘ઓટો રેસ કાર’ ?
  ખબર નથી !
  હું તો મને જોઉં છું આજે
  તારી નાનકડી ગોદમાં પાછો ઢીંગલી થઇ જતો !
  જોઉં છું તને
  મારી પીઠ પર ઘોડેસ્વાર થઇ ઘરના મેદાનમાં
  આમ વીણ્યા કરતો હઈશ વેરાયેલા
  ખીલખીલનાં મોતીઓ આખો દિવસ
  પછી વખત મળે કે ના મળે
  એક વાત કહી દઉં
  હમણાં હમણાં મને તારા આ રમકડાઓમાં બહુ રસ પડે છે
  તેથી આ ભળકડે મારી ભાષામાંથી રમકડા ઘડ્યા કરું છું !
  કદાચ તું રમે .....
  ૨૪-૦૧-૧૮ ,અમદાવાદ


  શબદ શબદ સરવાળે દેણું
  ક્યાંય ન વાજે વહાલી વેણુ

  આંગળી તો રહ-રહ રુએ
  મહી માખણથી મુખને ધૂએ

  ઊતરે ના મટકી કે મેણું
  ક્યાંય ન વાજે વહેલી વેણુ

  અક્ષરધણ તો ઊમટે કાળું
  ટૂકડુ ના ભાળું અજવાળું

  પદ-૫દ ક્યારે પ્રગટે રેણુ
  ક્યાંય ન વાજે વહેલી વેણુ

  હરીશ શાહ
  વડોદરા
  01.01.2019
 • Home