જ્વલંત છાયા


જ્વલંત છાયા


  જ્વલંત છાયા Audio :


  1.mp3

  જ્વલંત છાયા Photo Gallery :


  જ્વલંત છાયા Photo Gallery

  જ્વલંત છાયાનો પરિચય


  10.01.2019
  આદરણીય સાયુજ્ય મિત્રો,

  આમ જૂઓ તો આ પરિચય ગાથા થકી સર્જક પ્રતિભા અને આપ સહુને જોડતો વૈચારિક તંતુ વધુને વધુ મજબૂત બની રહ્યો છે. દિન-પ્રતિદિન મારી આ હૈયાવાણી વધુ સત્વશીલ બને ! શક્તિ-સંવર્ધક બને ! અને પ્રત્યેક સાયુજ્ય મિત્ર તેના થકી વધુ ઉત્સાહિત થાય, તે મારો મુખ્ય ઉદ્દેશ કે મંત્ર રહ્યો છે.

  તો આવો આજના વિષય ઉપર આવીએ,

  આધુનિક યુગમાં ‘ચોથી જાગીર’ એટલે કે પત્રકારત્વ એક અદકું સ્થાન ધરાવે છે. કાળક્રમે શાસન વ્યવસ્થામાં ચાર સત્તાઓનો ઉદભવ થયો.

  પહેલી સત્તા - શાસન / શાસક.

  લોકશાહી પદ્ધતિ અનુસાર જે કંઇ વહીવટી તંત્ર રચાય છે તેમાં સર્વોચ્ચ સ્થાને શાસન આવે છે.

  બીજી સત્તા એટલે વહીવટી તંત્ર - એડમિનિસ્ટ્રેશન.

  ત્રીજી સત્તા એટલે ન્યાયતંત્ર.

  પહેલી સત્તા નીતિનિયમો કંડારે. બીજી સત્તા તેને અમલમાં મૂકે, પણ જ્યારે જ્યારે તેમાં ક્ષતિ સર્જાય કે કોઇ અંશે અયોગ્ય વિચાર કે વલણ અપનાવાય ત્યારે ન્યાયતંત્રની ભૂમિકા શરૂ થાય. આ ત્રણેય સત્તાઓ પર એક યા બીજા પ્રકારે કોઇ એક ચોક્કસ સમૂહનું વર્ચસસ્વ જોવા મળશે, અને તે છે પત્રકારત્વ

  આમ તો પત્રકારત્વ સાહિત્ય અને કલાની રૂચિ માંથી જ ઉદ્ભવતો એક આયામ છે પણ તેમાં પત્રકારની સુઝ અને ખંત બહુ જ મોટો ભાગ ભજવી જાય છે , આજ અનુસંધાનમાં આજે જે વ્યક્તિ વિશેષ નો પરિચય કરવા જઈ રહ્યા છીએ તેઓ પત્રકારત્વ દુનિયામાં ઘણું મોટું સર્જન કરી ચૂકેલા છે અને હાલમાં પણ અનેક આયામો સાથે કાર્યરત છે

  જ્વલંત અનિલભાઇ છાયા

  જન્મ 17મી ડિસેમ્બર 1974 અમદાવાદ

  ઉછેર અને બધું જ શિક્ષણ રાજકોટમાં. શિક્ષણઃ સૌરાષ્ટ્ર હાઇસ્કુલ, કુંડલિયા કોલેજ રાજકોટ. બી.કોમ. થયા પછી બેચલર અને માસ્ટર ઓફ જર્નાલિઝમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં. જો કે પત્રકાર તરીકે વ્યવસાય-નોકરી એ પહેલાં શરુ કરી. હરીન્દ્ર દવે, હરકિસન મહેતા જેવા મોટાગજાના કવિ-લેખક તેઓ નાના હતા ત્યારે તેમના ઘરે આવતા. નાનપણથી એ વાતાવરણ મળ્યું. 10 વર્ષની ઉંમરે કવિતા મેગેઝિન, સમકાલીન, ચિત્રલેખા, અભિયાન, વગેરે સાથે નાતો બંધાયો. કાન્તિ ભટ્ટ, શીલા ભટ્ટ પણ ઘરે આવતા. પત્રકારત્વ અને સાહિત્યનું વાતાવરણ અજાણપણે બાળપણમાં

  જ્વલંત છાયા

  સ્કુલ કોલેજ કાળથી સાહિત્યના કાર્યક્રમ, સ્વામી સચ્ચિદાનંદ કે ગુણવંત શાહ જેવા સાક્ષરોના પ્રવચનો સાંભળવામાં, વાંચવામાં રુચિ. કોલેજના વર્ષો દરમિયાન બે લાયબ્રેરીનું સભ્યપદ અને ભણવાના વિષય સિવાયના તમામ વિષયોનું વાંચન. 11માં ધોરણમાં હતા ત્યારે સૌરાષ્ટ્રની રસધાર, યુગવંદના, સોરઠી સંતો વગેરે ઝવેરચંદ મેઘાણીના પુસ્તકો વાંચી લીધાં હતાં.

  ગુજરાત સમાચારની કોલેજ કેમ્પસમાં લેખ, કવિતા વગેરે છપાતું. ફૂલછાબમાં પણ છપાતું. કોલેજમાં વોલમેગેઝીનનું સંપાદન. સૌરાષ્ટ્ર યુનિવિર્સિટીના યુવક મહોત્સવમાં રાજકોટની કુંડલિયા કોલેજનું પ્રતિનિધત્વ નાટક માટે બે વાર કર્યું. દૈનિક પત્રકારત્વમાં જોડાયા ત્યારથી વ્યસ્તતા અને અસ્ત વ્યસ્તતાને લીધે સર્જનાત્મક લખાણ માટે અત્યત લગાવ અને રુચિ હોવા છતાં સમય અને સ્પેસનો અભાવ સતત રહ્યો.

  પત્રકારત્વ

  1996માં 22 વર્ષની વયે ગુજરાત સમાચારમાં કચ્છ બ્યૂરોની જવાબદારી. માત્ર 22 વર્ષની ઉંમરે જ્વલંતભાઈ પત્રકારત્વમાં જોડાઈ ગયા અને તેમની અંદર ઉભરતી યુવાનીને કંઈક કરી બતાવવાનું ઝનુન હતું સામાન્ય રીતે પત્રકારની કારકિર્દી પ્રેસનોટ, અવસાનનોંધ લખવાથી શરુ થાય. જ્વલંતભાઇએ પહેલી જ નોકરી બ્યૂરોની જવાબદારી સંભાળવાથી કરી.

  કચ્છ જેવો અફાટ પ્રદેશ. સરદહી હીલચાલ, રાજકારણ, સમાજજીવન, ઇતિહાસ અને પુરાતત્વ એમ તમામ પાસાં પર વિવિધતા સભર રીપોર્ટીંગ. કચ્છમાં- એક ખૂણે બેસીને ગુજરાત કક્ષાની સ્ટોરી ગુજરાત સમાચારમાં આપી. કચ્છમાં ભીષણ ભૂકંપની વકી છે એવો અભ્યાસપૂર્ણ અહેવાલ 1996માં એમણે આપ્યો હતો જે કમનસીબે 2001માં સાચો પડ્યો. કચ્છની સંસ્કૃતિ, રાજકારણ, ઇતિહાસને લગતી સંખ્યાબંધ સ્ટોરી અને રોજિંદા સામાચાર એમના નામે બોલે છે.

  1997થી રાજકોટમાં આજકાલ સાંધ્યદૈનિકમાં. મ્યુનિસિપલ કોર્પોરેશન, સૌરાષ્ટ્રનું રાજકારણ ઉપરાંત સરકારી કચેરીના બીબાંઢાળ રીપોર્ટીંગમાં પણ અલગ કામ કરવાની સાથે અનેક એક્સક્લુઝિવ રીપોર્ટ્સ આપ્યા.

  સાહિત્ય પ્રત્યે પહેલેથી લગાવ-ઝુકાવ. 1997થી 2001 દરમિયાન જગજિતસિંઘ જેવા મહાન કલાકારોને મળવાની તક.
  કેરીઅરના પહેલા પાંચ વર્ષમાં લાલકૃષ્ણ અડવાણીની સોમનાથ યાત્રા, ગુજરાતના રાજકારણમાં અત્યંત મહત્વની એવી રાધનપુર ચૂંટણીનો સૌરાષ્ટ્રભરમાં સૌપ્રથમ સવિસ્તર અહેવાલ. જેવા મહત્વના કામ. સાથે રમેશ પારેખ, સંજુ વાળા, અનુરાધા પૌડવાલ, શ્યામલ સૌમિલ મુનશી. અનુ કપુર, સોનુ નિગમ સહિતના વિવિધ ક્ષેત્રના લોકોના ઇન્ટરવ્યૂ

  કે રાજકોટમાં યોજાતા સાહિત્યના કાર્યક્રમના અલગ શૈલી અને ભાષા લાલિત્ય સાથેના રીપોર્ટીંગ. સૌરાષ્ટ્રના ક્રિકેટના ઇતિહાસનું ચાર હિસ્સામાં આલેખન- જે સાંધ્યદૈનિકમાં એ સમયે અપૂર્વ હતું.
  આજકાલની સાપ્તાહિક પૂર્તિ- આજકાલ પ્લસનું 23 વર્ષની વયે સફળ સંપાદન. સૌરાષ્ટ્રભરના વિવિધ વિષયોને આવરી લઇને દર શનિવારે તૈયાર થતી આ પૂર્તિ મેગેઝિમ ફોરમેટમાં હતી. જેમાં આર્કિટેક્ચર થી લઇને જર્નાલિઝમ અને પ્રેમ થી લઇને અધ્યાત્મના વિષયો આવરી લેવાતા. 70 ટકા લેખ અલગ અલગ નામે જ્વલંત પોતે લખતા.

  2000ના વર્ષથી રાજકોટના જયહિન્દ-સાંજસમાચારમાં જોડાયા. મ્યુનિસિપલ કોર્પોરેશન જેવું લાઇવ ફિલ્ડ, બ્રેકિંગ સ્ટોરી અને ન્યૂઝ, પોલિટીકલ સ્કૂપ્સની સાથે કોલમ રાઇટીંગ શરુ થયું. જયહિન્દની રવિવારીય પૂર્તિમાં ઝેન,રંગભૂમિ,પ્રેમ,સાહિત્ય,કુદરત જેવા અનેક વિષય પર લંબાણ પૂર્વકના લેખ. પત્રકાર ઉપરાંત કટારલેખક તરીકેની ઓળખ બની. ફિલ્મ જર્નાલિઝમ પેશન. જુની નવી પેઢીના કલાકા-ગાયક વિશે વિસ્તૃત,માહિતી સભર લેખોની શ્રુંખલા.

  2004થી દિવ્યભાસ્કર દૈનિકની રાજકોટ ઓફિસમાં. એરપોર્ટ સિક્યોરિટી બ્રેક કરીને અંદર ઘૂસવાના સ્ટીંગ ઓપરેશન, દાઉદ ઇબ્રાહીમનું ડેથ સર્ટિફિકેટ રાજકોટ મહાનગરપાલિકાએ કાઢી આપ્યું જેવી અનેક સ્ટોરી, વિવિધ ઘટનાઓનું એનેલિટીકલ રીપોર્ટીંગનો સિલસિલો તો જળવાયો. સમાચારના ક્રિએટિવ હેડીંગ અને સાહિત્યીક શૈલીમાં ફોટોલાઇન આપવામાં એમની ફાવટ જર્નાલિઝમમાં વખણાવા લાગી. દિવ્ય ભાસ્કરની કચ્છ અને જૂનાગઢ આવૃત્તિનો પાયો નાંખવામાં ચાવીરૂપ ભૂમિકા.

  રાજકોટ આવૃત્તિના ટીનકેમ્પસ નામના વિશેષ પાનાનું સંપાદન, કોપીએડિટીંગની સાથે દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિમાં સાપ્તાહિક કોલમ 2005 થી શરુ થઇ. એમાં પણ વિષય વૈવિધ્ય અપાર. એ કોલમ પછી તો કળશ પૂર્તિના પ્રથમ પાને પહોંચી. 11 માસ દિવ્યભાસ્કરની અમદાવાદ આવૃત્તિમાં સ્પેશ્યલ સ્ટોરી ડેસ્ક ઇનચાર્જની બઢતી સાથે કામ કરીને ફરી રાજકોટમાં સિટી ડેસ્ક હેડ તરીકે કામ કર્યું. કટારલેખક તરીકે-રાજકોટની બહાર ઓળખ દિવ્યભાસ્કરની પૂર્તિએ આપી.

  2013માં ગુજરાતના જાણીતા સામયિક ચિત્રલેખામાં જોડાયા

  ચિત્રલેખા એટલે એક એવું સામાયિક કે જેની ખ્યાતિ વિશ્વ સ્તરની સરખામણી આ પ્રકારના ફેમિલી મેગેઝિન માટે કરી શકાય, અને જે સ્તરનું સામાયિક હોય તે સ્તરના પત્રકારો પણ તેની મેનેજમેન્ટ રાખતી હોય તે સ્વાભાવિક છે, આજ બતાવે કે જ્વલંત ભાઈ ની કક્ષા કઈ ઊંચાઈએ છે
  સાહિત્યકારોની મુલાકાત, ઉપરાંત સૌરાષ્ટની જળ સમસ્યા, વિવિધ ચૂંટંણીના તલસ્પર્શી અહેવાલ, ગીરના સિંહના વિવિધ અહેવાલ, સૌરાષ્ટ્રના સાગરખેડુઓની જીંદગી સહિતના અનેક વિષયો પર કવર સ્ટોરી. જ્વલંતભાઈ કહે છે કે ચિત્રલેખાએ એમની પ્રતિભાને નવો-નોખો ઊઘાડ આપ્યો

  ચિત્રલેખામા સંખ્યાબંધ વિષય પર સ્ટોરી, ન્યૂઝ ફિચર, કવર સ્ટોરી સતત છપાતાં રહે છે. ચિત્રલેખાએ બે વાર વિદેશપ્રવાસની તક ટોરોન્ટો(કેનેડા) અને લંડન આપી. જ્યાં બાપુની કથાના રીપોર્ટીંગ ઉપરાંત પણ સ્ટોરીઝ કરી.

  અગત્યના પડાવ

  રાધનપુર ચૂંટણી, અડવાણીજીની સોમનાથ યાત્રા, વિવિધ વિધાનસભા-લોકસભા ચૂંટણીના અહેવાલ- કચ્છમાં થયેલા વિનાશક ધરતીકંપનું તલસ્પર્શી અને હ્રદયદ્રાવક રીપોર્ટીંગ.
  રાજકોટથી આઠ વાર કચ્છ જઇ ગ્રામ્ય વિસ્તારમાં જઇને અહેવાલ આપ્યા.
  ગોધરાકાંડ પછી રાજકોટમાં ફાટી નીકળેલા કોમી તોફાનના અહેવાલ.
  જળસમસ્યા કે રાજકીય બાબતોની સાથે સૌરાષ્ટ્રમાં થતા સાહિત્ય-સંગીતના કાર્યક્રમોનું રસાળ રીપોર્ટીંગ.
  કચ્છની સાગરસીમા કોટેશ્વર ખાતે પાકીસ્તાની બોટમાંથી થયેલા ફાયરીંગનું મધરાત્રે સ્થળ પર જઇને રીપોર્ટીંગ, ઘૂસણખોરો સાથે પણ વાતચીત(2007)
  ભુજમાં આવેલાં જોઇન્ટ ઇન્ટરોગેશન સેન્ટરમાં જઇને બાંગ્લાદેશી ઘૂસણખોરોનો ઇન્ટરવ્યૂ( જ્યાં સત્તાવાર એજન્સી સિવાય કોઇને જવાની મનાઇ હોયછે. (1996-ઉંમર 22 વર્ષ)

  વિશેષતા એ કે દૈનિક પત્રકારત્વ કરતાં, લાઇવ ફિલ્ડ રીપોર્ટીંગ કરતાં કરતાં પણ નિયમીત કોલમ રાઇટીંગ કર્યું. હમ દિલ દે ચૂકે સનમ, લગાન અને અપને જેવી કોમર્શીયલ હીટ ફિલ્મના સેટ-શૂટિંગ પર જઇને રીપોર્ટીંગ અને ઇન્ટરવ્યૂ.

  માછીમારો પાકિસ્તાન મરીન એજન્સીના હાથે કેવી રીતે પકડાય છે એ જોવા-લખવા માટે જાતે માછીમારીની હોડીમાં સાગરમાં સફર કરીને માછીમારો સાથે ત્યાં જ વાત કરી કે કેવી રીતે કઇ દિશામાં જાઓ તો પાકિસ્તાનીઓની નજરે ચડો...
  ગિરનાર પર્વત પર દતાત્રેયજી અને નેમીનાથજીના પગલાંનો વિવાદ હતો એનું રીપોર્ટીંગ કરવા 9000 પગથિયાં ચડીને ગયા અને દૈનિક ભાસ્કરની આખા દેશની તમામ આવૃત્તિમાં પ્રથમપાને એ અહેવાલ છપાયો.
  અસ્પૃશ્યતાને એ પાપ માને છે. સૌરાષ્ટ્રમાં પણ આ કુરિવાજ જ્યાં છે ત્યાં જઇને એના અહેવાલો આપીને સરકાર અને સમાજનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે.
  સંશોધનાત્મક પત્રકારત્વ એટલે ફક્ત કૌભાંડ બહાર લાવવા એટલું જ નહીં હકારાત્મક સંશોધન પણ હોઇ શકે. એવું એ માને છે અને એ દિશામાં કામ કરે છે.
  દૈનિક વર્તમાનપત્રોમાં કામ કર્યું ત્યારે એમના અનેક અહેવાલો પરથી ઉચ્ચ અધિકારીઓએ નિર્ણય લીધા, ફેરવ્યા, કડક પગલાં લીધા. દૈનિક પત્રોમાં અને એય સૌરાષ્ટ્રમાં કામ કર્યું એટલે અન્ય પ્રાંતની જેમ જલદી પ્રસિધ્ધિ ન મળી પરંતુ કામ નોંધપાત્ર રહ્યું.

  કોના વિશે લખ્યુઃ

  સલમાન રશ્દી, સઆદત હસન મન્ટો, પંકજ મલ્લિક, મુકેશ,મહંમદ રફી, લતા મંગેશકર, કે.એલ.સાયગલ, ભુપેન હઝારિકા, નથુરામ ગોડસે, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, અનિલ જોશી, આસિત દેસાઇ, ગુલઝાર, પુરષોત્તમ ઊપાધ્યાય,

  શ્રી જ્વલંભાઈ ચરિત્રલેખનના કસબી ગણાય છે ,જેમ જરી-કસબ ના તાર થી કોઈ મોંઘેરૂં વે પહેરણ ભરતકામ કરીને તૈયાર થાય છે , તેવી જ રીતે તેઓ આગવી રીતે ચરિત્ર લેખન કરે છે , કેટલાક ચરિત્ર અહીંયા મુકેલા છે, કે આપ વાંચશો તો ખ્યાલ આવશે કે જ્વલંતભાઈની સિધ્ધિ કઈ ઊંચાઈ પર છે* ,

  ઇન્ટરવ્યૂઃ એડવોકેટ ઉજ્જવલ નિકમ, આમીરખાન, અજય દેવગણ, જગજિતસિંઘ, નિદા ફાઝલી, રજત ધોળકિયા, ફિલ્મ દિગ્દર્શક કેતન મહેતા, અનિલ વિશ્વાસ, પંડિત રામનારાયણ, રમેશ પારેખ, રાજેન્દ્ર શુક્લ, ધ્રુવ ભટ્ટ, માધવ રામાનુજ, ધીરુભાઇ ઠાકર, તખ્તસિંહ પરમાર, પ્રતાપસિંહ જાડેજા, આરઝી હુકુમતના લડવૈયા ગુણવંત પુરોહિત, નરેન્દ્રભાઇ મોદી, શંકરસિંહં વાઘેલા, વિનોદ જોશી, રમેશ મહેતા, પં.ગોકુલોત્સવજી મહારાજ, પીયુબહેન સરખેલ, ગાર્ગી વોરા, સંજુ વાળા, મનોહર ત્રિવેદી, ભીખુદાન ગઢવી, શહાબુદ્દીન રાઠોડ, ભરત યાજ્ઞિક, કિર્તી ખત્રી, શ્યામલ સૌમિલ મુનશી, દાણચોર ઇભલા શેઠ. ઉસ્તાદ સુલતાન ખાં, પરેશ રાવળ, આર્ટ ડિરેક્ટર સંજય દબાડે, કેમેરામેન કબીર લાલ, અપરા મહેતા, ફિલ્મ મેકર એમ.એસ.સથ્યુ. ફિલ્મસંગીતકાર રવિ, સુરેશ દલાલ, પ્રિયા દત્ત, કેશુભાઇ પટેલ, મનોહરસિંહ જાડેજા, મહેન્દ્ર મેઘાણી, ડો. અબ્દુલ કલામ ( રાષ્ટ્રપતિ નહોતા ત્યારે) હેમંત ચૌહાણ, વિહંગ મહેતા, મનોજ જોશી, નરોત્તમ પલાણ, ડો. જે .જે. રાવળ

  ટીવી પર ઇન્ટરવ્યૂઃ જાદુગર કે.લાલ,. મોતીભાઇ પટેલ, મનોહરસિંહ જાડેજા, દેવેન્દ્ર દેસાઇ, ગિજુભાઇ ભરાડ,રામજી વાણિયા, અરુણભાઇ દવે.

  મોરારીબાપુના કુલ છ ઇન્ટરવ્યૂ જેમાંથી બે વિદેશની કથા દરમિયાન.

  (ઇન્ટરવ્યૂ વન-ટુ-વન જ ગણ્યા છે. પ્રેસમીટ કે કોન્ફરન્સ અહીં લીધા નથી.)

  સાહિત્ય ક્ષેત્રે રસ

  કવિતા,વાર્તા,નવલકથા,નિબંધ,પત્રો....કોઇ પ્રકારભેદ વગર બધું સાહિત્ય વાંચવું ગમે. ટૂંકીવાર્તા લખે છે. કવિતા ન આવડતી હોવાના અફસોસ સાથે હાઇકુ કે અછાંદસમાં ક્યારેક અભિવ્યક્તિ કરે છે. પણ પોતે કવિતા ન કરી શકતા હોવાના અભાવથી પીડાય છે. લેખમાં ભાષા વૈવિધ્ય,લાલિત્યનો ભરપૂર ઉપયોગ. કોલમના વિષય અનેક પણ શૈલી નિબંધ જેવી- એવું જાણીતા સાહિત્યકારો કહે છે. ફિલ્મ ભણ્યા પણ ખરા. રાજકોટમાં ગ્લોબલ સ્કીલ એકેડેમીએ યોજેલા ફિલ્મ મેકીંગના 3 માસના કોર્સમાં અને એ અગાઉ જર્નાલિઝમમાં પણ વિદેશી ફિલ્મ,ભારતીય ફિલ્મ વિશે ભણ્યા. એ વિશે લખ્યું પણ ખરું.

  હાઇકુ


  ઉડવા ખુલે
  પારેવાની બે પાંખ
  ફફડે કુવો  ધ્રુજી રહ્યું છે
  આ તાપણું શેરીમાં
  ઠંડીની રાતે  આંખ દરિયો
  ઉછાળે આંસુ મોજા
  સ્મરણ મોટી  રાત ઝંખના
  માં ગઈ સવારે તો
  ઝાકળ થઇ  *રાજકોટ દુરદર્શનની ટીવી સિરીયલ સપનું એક સવાયુંના 6 એપિસોડના સંવાદ લખ્યા* .

  *અમદાવાદ દુરદર્શને રાણકી વાવની બનાવેલી ડોક્યુમેન્ટરીની સ્ક્રીપ્ટ લખી* . એ ઉપરાંત પણ ડોક્યુમેન્ટરી માટે પ્રોફેશનલી લેખનનું કામ કર્યું.
  ચૌદ એકાંકી નાટક અને ત્રણ ત્રીઅંકી નાટકમાં અભિનય. બેકસ્ટેજનું કામ પણ કર્યું.
  *ગુજરાતી રંગભૂમિ પર સર્વપ્રથમ પ્રયોગ- હું આત્મકથા છું, ગુજરાતી પાંચ વિભૂતિની આત્મકથાના અંશનું મંચન. જેનું નિર્માણ,વિચારબીજ,લેખન,સંશોધન,પરિકલ્પના બધું જ જ્વલંતભાઈનું જ !

  મહાત્મા ગાંધી અને મીરાંબહેન-મેડલિન સ્લેડના સંબંધો પર આધારિત નાટ્યપ્રયોગ પણ એમણે લખ્યો,30મી જાન્યુઆરીએ એનું મંચન રાજકોટમાં છે

  વક્તવ્યો

  મુંબઇમાં જૈન યુવક સંઘ, અમદાવાદમાં ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ( બે વાર) રાજકોટમાં સૌરાષ્ટ્ર લિટરેચર ફેસ્ટિવલ ઉપરાંત વિવિધ સંસ્થાઓમાં તમામ વિષયો પર એમના પ્રવચન યોજાતાં રહે છે. મોરારીબાપુની માનસ નાગર કથામાં નાગર વિચારધારાનું કલમ સામર્થ્ય વિષય પર બોલ્યા હતા. નરસિંહ મહેતાના અલગ અલગ સંદર્ભે જુનાગઢ અને રાજકોટમાં વ્યાખ્યાન આપી ચૂક્યા છે.

  પ્રકાશન

  પાંચ પુસ્તક

  સંવાદ(લેખોનો સંગ્રહ)
  મજાના માણસને મળવાની મજા( એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂનું પુસ્તક)
  થોટ્સએપ( ચિંતનાત્મક લેખો)
  ડીઅર સ્ટુડન્ટ( વિદ્યાર્થીઓ માટે)
  શેરઇટ(સંપાદન ઝવેરચંદ મેઘાણી)
  પરિચય પુસ્તિકાઃ હેમુ ગઢવી
  તેઓ એક ઉત્તમ કક્ષાના ફોટોગ્રાફર જેના કેટલાક અંશ આ સાથે આપ જોઈ શકશો

  પરિવાર

  પિતા અનિલભાઇ, નિવૃત્ત સરકારી અધિકારી માતા જ્યોતિબહેનઃ પૂર્વે શિક્ષિકા,પછીથી ગૃહિણી
  પત્ની જલ્પાઃ સતત સહયોગ એમનો સ્થાયીભાવ.
  પુત્ર-બિરદ ધો.9માં ભણે છે.

  આજના યુગમાં પત્રકારત્વના અનેક માધ્યમો છે, જેમાં વર્તમાનપત્રો, સામયિકો, રેડિયો, દૂરદર્શનનો સમાવેશ થાય છે. તેને મુદ્રણ તથા દ્રશ્ય-શ્રાવ્ય અેમ બે મુખ્ય માધ્યમોમાં વિભાજીત કરવામાં આવે છે. પત્રકારત્વને લોકશાહીના ચોથા આધારસ્તંભ તરીકે પણ ઓળખવામાં આવે છે.

  આવા બાહોશ, નીડર , અભ્યાસુ, કોલમ રાઇટર, નાટ્ય કલાકાર, લેખક, ઉત્તમ ફોટોગ્રાફર, સરળ વ્યક્તિત્વ ,સચોટ કલમ અને સાહિત્ય ના અભ્યાસુ અને કલા નિરીક્ષક જ્વલંતભાઈને સાયુજ્ય ના અનેક અભિનંદન અને અનેક શુભેચ્છાઓ

  હરીશ શાહ
  વડોદરા

  10.01.2019
 • Home