ડો.લલિત ત્રિવેદી


ડો.લલિત ત્રિવેદી


  ડો.લલિત ત્રિવેદી   Audio :


  1.mp3 


  ડો.લલિત ત્રિવેદી   Books :


  ડો.લલિત ત્રિવેદી   Books

  ડો.લલિત ત્રિવેદીનો પરિચય


  19.01.2019

  આદરણીય સાયુજ્ય મિત્રો

  આજના પરિચય ગાથાના પરિચયમાં આજના કવિની ગઝલના, ઘણા બધા આયામો જોવા આપણે જોઈ રહ્યા છીએ , તેઓની ભાવસાતત્યવાળી ગઝલો વધારે ઉચ્ચ રસાનુભૂતિ કરાવે છે. ગઝલનો બહુ જ ગંભીર તબક્કો હતો, જેમાં આધુનિક અને પારંપારિત નો સમન્વય જોવા મળે છે , વીસમી સદીના ઉત્તરાર્ધમાં આ જોવા મળે છે, આ જ સમયમાં દેશની કોઈપણ ભાષાની કવિતા અને ખાસ તો ગઝલની સામે મૂકી શકાય તેવી ઉદાહરણરૂપ ગઝલ રચનાઓ મળે છે . અને આ ગઝલ રચનાઓ જે ગુજરાતી કવિઓએ વહેતી મૂકી છે તેમાંના એક આજના પરિચય આપણે જેમને મળવા જઈ રહ્યા છીએ તેઓ તેમાંના એક છે .

  આ કવિએ ગઝલ ને પોતાની અદભુત અને વૈવિધ્યપૂર્ણ સર્જનની અંદર વણેલી છે છે જેમાં આધ્યાત્મ, સંવેદના વહેતું જીવન અને સંભળાતું ભજન જોવા મળે છે આ જ સમયગાળામાં ગઝલ વિશે બહુ મોટી સંખ્યામાં પ્રકાશન ન હોય તો પણ ઘણાં પ્રગટ થયા છે , ગઝલને વીસમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતી સાહિત્યમાં એક ચોક્કસ સ્થાન પ્રાપ્ત કરવામાં આ કવિનું પણ યથાશક્તિ યોગદાન છે આ જ સર્જકે તેમના પ્રથમ કાવ્ય સંગ્રહ ની એક ગઝલના આરંભમાં પોતાની ઝંખના સાથે કહેલું

  આ સમાધિની ક્ષણો, શ્વાસો શ્રુતિ પ્રગટો હવે
  વેદની ઋચા સમી કોઈ કૃતિ પ્રગટો હવે

  આભમય એકાંતની ગહેરાઇમાં બોળું કલમ
  કે અગોચરનો અરથ અથથી ઇતિ પ્રગટો હવે

  આ કવિની ગઝલ ની ગતિનો ચોક્કસ સંકેત મળી આવે છે અને સ્વાભાવિક રીતે આ કવિની રચનામાં એક અનેરૂં આધ્યાત્મીક જગત સામે આવે છે અને ગઝલનું ભાવ વિધાન સાબિત થતું મળે છે

  તેઓના મામા શ્રી મનુભાઈ ત્રિવેદી ગીતકાર તરીકે સરોદ અને ગઝલકાર તરીકે ગાફિલ. તેમની એક ગઝલમાં આવો જ ભાવ પ્રગટ કરે છે

  ન થાઉં કેમ ભજનોની સાથે ગઝલો પણ 'ગાફિલ'
  અહીં ખેંચે છે મીરાંબાઇ તો ત્યાં મીર ખેંચે છે,

  આ કવિ ,તેમના સર્જનોમાં વિવિધ ભાવ પ્રગટ કરે છે તો ક્યારેક વેદ ,ઉપનિષદ, તત્વજ્ઞાન તો ક્યારેક ,સુવિચાર તો ક્યારેક આધ્યાત્મિક દર્શન તો ક્યારેક રસાત્મક આલેખન તો ક્યારેક અનુભૂતિ ને વ્યક્ત કરવા ધજા, માળા, મણકા કે રુદ્રાક્ષ શબ્દોનો પણ ઉપયોગ પણ કરે છે

  જે ગઝલકારોએ ગુજરાતી સાહિત્ય નું માથું ઊંચું રાખ્યું છે તેમાં આ કવિનું નામ પણ એટલા જ ગૌરવથી લેવાય છે જે કવિઓએ લોહીનું પાણી કર્યું છે ત્યારે ગુજરાતી ગઝલ ની નદી છલોછલ થઈ છે એ નદીનો એક મહત્વપૂર્ણ વળાંક એટલે જ આજના પરિચય ગાથા ના કવિ શ્રી

  ડો.લલિત ત્રિવેદી  જન્મ તારીખ 9 મી ઓગસ્ટ 1947 માતા લીલમબેન સ્કૂલમાં શિક્ષિકા, પિતા પ્રભુલાલ ત્રિવેદી

  ડો લલિત ત્રિવેદી, એમ.બી.બી.એસ સુધીનો અભ્યાસ અને વ્યવસાયે તેઓ તબીબ, તેઓના માતૃપક્ષે કુટુંબમાં તેમના મામા, એટલે કે મનુભાઈ ત્રિવેદી એક સાહિત્ય દિગ્ગજ કે જેઓ ગાફીલ ના નામે વધુ જાણીતા છે

  કાવ્યસંગ્રહો

  1982 અલગ
  1990 પર્યંત
  2008 અંદર-બહાર એકાકાર
  2013 બીજી બાજુ હજી મેં જોઈ નથી

  સિદ્ધિઓ

  કાવ્યસંગ્રહ 2010માં અંદર-બહાર એકાકાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એમ.એના અભ્યાસક્રમ માટે પસંદ થયો.

  2013માં શોધનિબંધ લલિત ત્રિવેદીનું ગઝલ ક્ષેત્રે પ્રદાન માટે શ્રી હિતેશ મકવાણાએ એમ.ફિલ.ની પદવી મેળવી
  2014માં પ્રજાસત્તાક દિન નિમિત્તે આકાશવાણી દ્વારા દર વર્ષે યોજાતા અખિલ ભારતીય કવિ સંમેલન ,હૈદરાબાદ ખાતે 2014 ના વર્ષ માટે ગુજરાતી કવિતા નું પ્રતિનિધિત્વ કર્યું

  પુરસ્કારો

  1999 હિમાંશુ બાબુલ પારિતોષિક
  2004 પરબ શ્રેષ્ઠ કાવ્ય કવિ શ્રી ન્હાનાલાલ અને રા.વી. પાઠક પારિતોષિક
  2008 કાવ્યસંગ્રહ અંદર બહાર એકાકાર માટે ગુજરાતી સાહિત્ય અકાદમીનું દ્વિતીય પારિતોષિક
  2013 પ્રતિષ્ઠિત સામયિક નવનીત સમર્પણ દ્વારા અપાતું સમર્પણ સન્માન
  2015 નર્મદ સાહિત્ય સભા અને સાહિત્ય સંગમ સુરત દ્વારા એનાયત પ્રતિષ્ઠિત મનહરલાલ ચોકસી પારિતોષિક 2013ના વર્ષ માટે એનાયત થયો.

  તેમની કલમની એક અદ્ભુત રચના

  કિયે તે બારણેથી ઘરમાં પધાર્યા રાણી – ?
  – અમે તો ઓટલે બેઠા’તા રાખી અંધાણી

  ગયા તો લઈને ગયા આગવી સમજ શાણી
  ધર્યો જો હોત ખોબલો તરી શકત પાણી

  રદીફ કાફિયાના ઢોલ છે નગારાં છે …
  ગઝલ તો ખૂણામાં બેઠી છે ઘૂમટો તાણી !

  સુખી સુખી અને સંપન્ન કુટુંબ લાગે છે
  હસીખુશીથી પીએ – ખાય ધૂળ ને ધાણી !

  છે શૂરવીર વટાવે જે શ્હેરની સડકો
  અને કરે જે ઘરમાં આવી વ્હાલની લ્હાણી !

  લગાડો લાહય અને સજ્જ થઈ સુણો, મિત્રો
  કવિના શબ્દમાંથી થાય છે નભોવાણી

  હતુ શું એવું કે ઝિલાઈ નહિ અમારાથી –
  – કદીક પાછલા પ્હોરે પ્રગટ થતી વાણી ..

  – ડો. લલિત ત્રિવેદી

  તેમને ફિલ્મો પણ ખૂબ જ ગમતી તેમના માનીતા કલાકારોમાં દિલીપ કુમાર વૈજન્તીમાલા અને વહીદા રહેમાન હતા ગુજરાતી સિવાયના સાહિત્યકારોમાં અશોક બાજપાઈ ગાલિબ મીર જેવા કવિઓ પણ તેમને ખૂબ જ પસંદ છે તેમના મિત્ર અને ખૂબ જ નજીકના ગણાય તેવા અશરફ ડબાવાલા, અરવિંદ ભટ્ટ.

  રમેશ પારેખ, આદિલ મન્સૂરી, હરીશ મિનાશ્રુ , મકરંદ દવે , સંજુ વાળા, રાજેન્દ્ર શુક્લા ,અખો ,દાસી જીવણ ,ગંગા સતી ,પણ તેમને ખુબ જ પ્રિય છે

  અત્યંત ભાવસભર તેમની એક બીજી ગઝલ

  જો જો કે છે ને સત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ
  શું રાખવી સરત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ !

  લઈ એક અસલિયત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ !
  કાગળની શું મમત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ !

  શબ્દની હોડલી આ…હલેસાં શું મારવા…
  ડૂબવાની હો જો મત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ !

  એંધાણનું શું કામ ને શું ડંકા ને નિશાણ…
  ક્યાં આવવું પરત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ !

  જો જો વજન અહમનું હશે તો ડૂબી જશે
  પહેલાં તજો તખત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ !

  નહિંતર તો કૈં સહેલો નથી તરવો આ કાળમીંઢ
  તરણાથી રાખી પત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ !

  વાણીની સાથ સાથ ને પાણીની પેલે પાર
  તરવું લઈ ગુપત, કવિ ! વ્હેતી મૂકો ગઝલ !

  - ડો. લલિત ત્રિવેદી

  ડો. લલિત ત્રિવેદીએ 51 શેરની દીર્ઘ ગઝલ પણ લખી છે જે પરબમાં છપાઈ હતી તંત્રી શ્રી યોગેશ જોષી ને ખૂબ જ ગમી હતી અને મિત્રોને પણ એમ મિત્રોને ગમવી સહેલી નથી , એ સમયે શ્રી સંજુ વાળા સંદેશો આવ્યો તે ચલાવી લે એવા બિલકુલ નહીં, પણ તેમને પણ ગમી

  1973 અમરેલીમાં ભોળા સાચા સાચા કવિ અરવિંદ ભટ્ટ મળ્યા ડો. અશરફ ડબાવાલા તેમના ઘરે લઈ ગયા હતા દોસ્તી જામી! મધુમતી મહેતા ના ઘરે બેઠા હતા કવિ શ્રી રમેશ પારેખ આવ્યા હતા, રમેશજી કહે જો ગઝલમાં જવું હોય તો આદિલની જેમ !

  1974માં રાજકોટમાં ખાનગી તબીબી પ્રેક્ટિસ શરૂ કરી અને ગઝલ 1974ની શરૂઆતમાં ડો. અશરફ ડબાવાલા અને ડો. લલીતભાઈ એક સાથે રહેતા હતા અને કવિતાની વાતો કરતા હતા કેવો જોગાનુજોગ શરૂઆત પણ અશરફભાઈ સાથે !

  અરવિંદ ભટ્ટના પ્રતિભાવ  લલિત ને મેં ગઝલના ખરા ચાહક તરીકે જોયો છે જાણ્યું છે ,માણ્યું છે ,પ્રમાણ્યું છે ગઝલમાં નિષ્ઠાપૂર્વક સતત કંઈક નવું કરવાની ખેવના બહુ ઓછામાં જોવા મળે ઉદાહરણો સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી એટલે હું જણાવું છું 50 શેરની બે પ્રલંબ ગઝલ લખી છે, જેમાંની એક શ્રી મહાત્મા ગાંધી ઉપર લખી હતી જેનું શીર્ષક હતું "અથશ્રી અધૂરી શ્રી મોહન કથા"

  કેટકેટલા ફોર્મ માં ગઝલ લખી છે દુહા ગઝલ સૂફી, ફિલ્મી ગીતોની પંક્તિઓ ,પાનબાઈ ,ગંગા સતી ,દાસીજીવણ, ભજન ની પંક્તિઓ પર ગઝલ સર્જન વિશે સુંદર કામ કર્યું છે

  ડો. લલિત ત્રિવેદી માત્ર સાહિત્ય ક્ષેત્રે જ ચમકતા સિતારા નહીં પરંતુ રમત-ગમત ક્ષેત્રે પણ ખૂબ જ રસ ધરાવતા હતા, ફૂટબોલના તેઓ ખેલાડી હતા અને ક્રિકેટના પણ તેઓ ખેલાડી હતા વળી જ્યાં સુધી તેઓ મેડિકલ કોલેજમાં હતા ત્યાં સુધી કેરમના ચેમ્પિયન રહ્યા હતા...કોઈ પણ જાતની પ્રેક્ટિસ વિના...સીધા જ ટુર્નામેન્ટ માં ભાગ લેતા હતા અને ચેમ્પિયન બનતા

  આવા અદભુત કવિ શ્રી ડો. લલિતભાઈ ને સાયુજ્ય પરિવાર ની ખુબ ખુબ શુભેચ્છાઓ શુભકામનાઓ અને હજુ પણ વધુ અને વધુ તેમની સાહિત્ય પ્રવૃત્તિ આપણને તેમના અદભૂત અભિગમની ટોચ શિખરે લઈ જાય તે જ આશા અને અભ્યર્થના

  હરીશ શાહ
  વડોદરા

  ઋષિજી! આદરી દીધું છે આંદોલન હું બેઠો છું તણખલા પર,
  જગતનું ને ગુપતનું તાગી સમતોલન હું બેઠો છું તણખલા પર.

  ન કોઈ ઇલ્મ કે ફેલાવી સંમોહન હું બેઠો છું તણખલા પર,
  જીતી તેંતરીસ પૂતળીઓનું સિહાસન હું બેઠો છું તણખલા પર.

  થરકતા કોડિયે ઝલમલતો , હે મોહન! હું બેઠો છું તણખલા પર,
  ક્યાં મારે કરવો છે સંપન્ન ગોવર્ધન,હું બેઠો છું તણખલા પર.

  જુઇમાં થૈને આવેલી લહર અડકે મને પણ થાય છે રોમાંચ,
  મેં સાબૂત કીધા છે આદિમ સંવેદન હું બેઠો છું તણખલા પર.

  તણખલા જેટલે અજવાળે પહોચ્યો છું ગરથ અડસઠ વટાવીને,
  ગતિ અજવાળતી ઝાલરના લઇ કંપન હું બેઠો છું તણખલા પર.

  હું તપ કરવા નથી બેઠો ,તડપ લઈને હું બેઠો છું ,મહર્ષિજી !
  હવાસોહોશમાં રાખી છે મેં ધડક, હું બેઠો છું તણખલા પર.

  લઈ એક તાર હું બેસું તણખલા પર ,ભગત બેસે છે મન્દિરમાં,
  તણખલા જેટલું રાખ્યું છે મેં બંધન ,હું બેઠો છું તણખલા પર.

  શરીરાઈને ગહન કરી લઉં પરથમ પહેલાં !
  સબદ! હું નખશિખ સ્મરન કરી લઉં પરથમ પહેલાં !

  કાગળ ! તારું શમન કરી લઉં પરથમ પહેલાં !
  કલમમાં હોમોહવન કરી લઉં પરથમ પહેલાં !

  એક તરફ છે અચરજ ને બીજા પલ્લામાં...
  ગઝલ મૂકું ને વજન કરી લઉં પરથમ પહેલાં !

  ઝાકળના જરિયનમાં ઝિલમિલ ગઝલમોહિની
  સવ્વા વ્હાલથી શુકન કરી લઉં પરથમ પહેલાં !

  પછી અખા સોનીની એ ડેલી રણકાવું..
  સુવર્ણમાં રણઝણન કરી લઉં પરથમ પહેલાં !

  સબદીઘાટીમાં જ ગઝલટંકાર કરી દઉં,
  લલિતાસુરનું હનન કરી લઉં પરથમ પહેલાં !

  પરપોટો માગે સમતુલા,
  કર કંપિત પગ નીચે ચૂલા !

  હરણિયો પારો અખશર,
  હાથ દોત વતયણા લૂલા !

  કોણ અલી છે કોણ છે અલા ?
  કોણ દુલ્હન ને કોણ છે દુલા?

  ઊંડા કાગળ ફાટી દોત:
  કુશળ પૂછતા’તા અસદુલા !

  જીભલડીની ડાળે ઝૂલે,
  ગુલાલના રસમાં મશગુલા !

  પરપોટા સરખો રે કાગળ,
  નખમાં ઊગ્યાં છે રે શૂળા !

  બત્રીસ પૂતળીના ઉપવનમાં,
  લલિત પડી ગયા છે ભૂલા !

  કરતાં કરતાં જાળ લલિત,
  જાળ ઉપરઝૂલે છે ઝૂલા !

  ખુશ્બૂને... ઝાકળને...ઝળઝળિયાંને તેડાં મોકલું ,
  હે ગઝલ ! તારાં સમોવડિયાને તેડાં મોકલું !

  માંડવો એનાં વગર રહેશે અધૂરો ,બાઈજી!
  રૂસણાંને કઉં ને પાતળિયાને તેડાં મોકલું !

  મોરપીછું મહેકમાં બોળીને લખશું નોતરાં ,
  હે ગણુદાદા ! કયા લહિયાને તેડાં મોકલું !

  નોતરું નરસિંહને ગાલિબને જીવણદાસને,
  વ્હાલકુડા મારા ઈ હઈયાને તેડાં મોકલું !

  તરણાનો પણ ભાર જ્યારે લાગે ટચલીબાઈને,
  બેય કર જોડીને શામળિયાને તેડાં મોકલું !

  ઓરડો ઝાંખો કરું કે દીવડો ઝીણો કરું?
  કઈ રીતે હે રાત ! જીવણિયાને તેડાં મોકલું !

 • Home