પારુલ ખખ્ખર  


પારુલ ખખ્ખર  Parul Khakhar Video :


  Parul Video

  પારુલ ખખ્ખરનો પરિચય


  *આદરણીય સાયુજ્ય મિત્રો* ,

  29.12.2018 આદરણીય સાયુજ્ય મિત્રો
  આજે જે પ્રતિભાને ઓળખ કરવા આપણે જઈ રહ્યા છીએ અને પરિચય પામવા જઈ રહ્યા છીએ તેઓએ સાહિત્યક્ષેત્રે ,ગુજરાતી ભાષાને ગૌરવ અને ગરિમા, માં સરસ્વતીના આશીર્વાદથી પ્રદાન કર્યું છે

  આજ નો પરિચય પણ આવી વિશિષ્ટ વ્યક્તિ જેવો વિશિષ્ટ જ હોય એટલે કે આ પરિચય એક સ્વગતોક્તિ ના રૂપે છે અને સૌને પ્રથમ ફકરો પૂરો થશે ત્યારે આ વ્યક્તિની ઓળખ આપોઆપ થઇ જશે ચાલો, તેમની પ્રતિભાની સાથે તેમની સફરે...........

  ‘ *ડાળખી ફૂટ્યાની વેળાએ* …’

  " *આમ તો સાત પેઢીનો આંબો જોવા બેસું તો એકેય ડાળ પર કવિતાનો* 'ક' જડતો નથી. *સંભવ છે કે આ સાત પેઢીનો નહીં પણ સાત જન્મોનો વારસો હોય* ! કલમનો 'ક' ઘૂંટતા શીખી ત્યારે ખબર ન હતી કે આ 'ક' કવિતા સુધી લઈ જશે. જો કે નાનપણથી જ વાંચવાનો ખૂબ શોખ. કવિતાઓ અને ફિલ્મી ગીતોમાંથી શબ્દો પકડવા અને તેના અર્થો શોધવાની મથામણ કરવી ગમતી એટલે એમ થતું કે આ માટી પર કંઇક અલગ બીજ વેરાયા લાગે છે! અભ્યાસ દરમ્યાન ધ્યાનમાં આવ્યું કે ભાષા પ્રત્યે વધારે લગાવ છે. મને પ્રથમ ક્રમાંક અપાવવામાં ભાષાઓનો સિંહફાળો રહ્યો છે. મારા ગુજરાતી-હિન્દીનાં પેપર આખા ક્લાસ વચ્ચે વાંચવામાં આવતાં અને શિક્ષક કહેતાં કે 'જુઓ, ભાષાનાં પેપરમાં આ રીતે જવાબો લખાય!' ત્યારે પેલા બીજ અંદર પડ્યાં પડ્યાં હરખાય એથી વિશેષ કશું નહી!

  એસ.એસ.સી.ના વર્ષમાં હતી ત્યારે અમારી સ્કૂલમાં જાહેરાત થઈ કે 'એક હસ્તલિખિત ગ્રંથ તૈયાર થઈ રહ્યો છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓ સ્વરચિત સાહિત્ય જમા કરાવી જાય.' ગુજરાતીના શિક્ષકે કહ્યું કે 'તમે કંઇક લખો.' પરંતુ ઉમળકો જ ન આવ્યો! બરાબર એ અરસામાં જ દેશનાં સર્વોચ્ચ રાજનેતાની હત્યા થઈ. એ લોખંડી મહિલાના નિધનથી આખો દેશ સ્તબ્ધ થઈ ગયો.ઘરેઘરે એ જ ચર્ચા અને એ જ વિષાદનો માહોલ! મારી માટીને કદાચ સંવેદનાના ધક્કાની જરુર હોય તેમ પેલા બીજમાંથી વિષાદનું એક બળુકું બીજ જમીન ફાડીને બહાર આવી ગયું અને જીવનની પહેલી કવિતા 'કરુણપ્રશસ્તિ' સ્વરુપે અવતરી.

  *આમ કવિતાના શ્રીગણેશ થયાં* ."

  આ છે ગુજરાતી ભાષાના ગૌરવ સમા કવિયત્રી

  *પારુલ ખખ્ખર*

  કે જેઓનું અપ્રતિમ યોગદાન ગુજરાતી ભાષાનું ગૌરવ છે જ,
  ૧૦મી જુલાઈએ રાજકોટમાં જન્મેલાં, અને વાણિજ્યમાં કરેલા અભ્યાસને તે દિશામાં આગળ તો ના વધારી શક્યા , પરંતુ સાહિત્યની દિશામાં તેઓ એ ગઝલ, અછાંદસ , ગીત, વાર્તા, લેખ, નાટકના રીવ્યુ, ફિલ્મોના રીવ્યુ, પુસ્તકના રીવ્યુ, હિન્દી-ઉર્દુ ગઝલ જેવી અનેક દિશાઓને સુશોભિત કરી છે.

  તેઓનું પુસ્તક
  *લઈને અગિયારમી દિશા* સહિયારો ગઝલ સંગ્રહ વર્ષ ૨૦૧૨
  અને પોતાનો સ્વતંત્ર સંગ્રહ
  *કલમને ડાળખી ફૂટી* વર્ષ 2018

  તે ઉપરાંત માતૃભારતી, આસ્વાદ ,રસોઈની રાણી, જેંતીલાલ.કોમ, ગુજ્જુ રોક્સ ,માં તેઓ ની કલમ છવાયેલી છે

  આવો આગળ વાંચીએ તેમની જ શૈલીમાં તેમની જ કલમે તેમની જ કહાની સ્વગતોક્તિ સ્વરૂપે

  " પછી તો અભ્યાસ દરમ્યાન નિબંધો, વિચાર વિસ્તાર, પાદપૂર્તિ વગેરેનો રસપૂર્વક અભ્યાસ અને મનન થતાં રહ્યાં.કોલેજનાં પ્રથમ વર્ષમાં આવી ત્યારે વરસાદ લંબાયો અને દુષ્કાળની પરિસ્થિતી ઊભી થઈ.પેલી માટી ફરીથી સળવળી, ફરીથી એક બીજે ડોકિયું કર્યું અને દુષ્કાળ વિશે કવિતા લખાઈ જે જીવનની બીજી કવિતા હતી.ત્યાર બાદ ગાડી ધીમીધીમી ચાલવા લાગી. કવિતાઓ લખાવા લાગી અને નોટિસબોર્ડ પર મૂકાવા લાગી, વખણાવા લાગી. વિડંબના એ રહી કે એક કોમર્સની વિદ્યાર્થીની કવિતા તો લખે પરંતુ બતાવે કોને?

  કોલેજમાં નજર પડે ત્યાં આંકડાના જંગલ દેખાય, ઘર-પરિવારમાં પણ ઉજ્જડ નગરી જેવું વાતાવરણ એટલે પાડોશમાં રહેતા એક શિક્ષિત દંપતિ કે જેમણે મને દીકરી માનેલ, હિંમત કરીને એમને બતાવવા ગઈ. મીનામાસીને કહ્યું 'તમે જુઓ અને માસાને પણ બતાવી જુઓ ને!' માસાએ જોતા પહેલા જ હસીને કહ્યું 'પંદર-સત્તર વર્ષનું છોકરું લખી લખીને શું લખે? પ્રેમની કવિતા જ ને!' અને ત્યાં જ મારી આંખ સામેથી મારી તમામ કવિતાઓ સડસડાટ પસાર થઈ ગઈ જેમાં એકપણ પ્રેમની કવિતા ન હતી! ખુશ થવું કે અફસોસ કરવો એ આજ સુધી સમજાયું નથી.

  *પ્રેમની એકપણ કવિતા ન લખનાર કોમર્સની આ વિદ્યાર્થીનીની ઓગણીસમે વર્ષે સગાઈ અને વીસમે વર્ષે લગ્ન થયાં.રાજકોટમાં ઊગેલા બીજનાં મૂળિયાં અમરેલી સુધી આ રીતે લંબાયા*. અમરેલી તો રમેશ પારેખનું રજવાડું! કવિતાની કૂંપળ ન કોળાય તો જ નવાઈ! એક કાવ્યલેખન સ્પર્ધામાં ભાગ લીધો અને ત્રીજો નંબર આવ્યો એટલે પ્રોત્સાહન મળ્યું. થોડુંથોડું લખાતું રહ્યું પરંતુ તાલિમના અભાવે કાચુંપાકું કહેવાય એવું! એકવીસમે વર્ષે દીકરાનો જન્મ થયો.એ છએક મહિનાનો હતો ત્યારે 'છંદોલય' શિબિરનું આયોજન થયું, હું તો હોંશેહોંશે ગઈ! બે કલાકે ઘરે આવી ત્યાં તો દીકરો રોઈરોઈને અડધો થઈ ગયેલો. સાસુજી અને પતિદેવ પણ લાચાર! બસ...એ દિવસે કાગળ, કલમ અને કવિતાનું પોટલું વાળીને મનનાં એક સુરક્ષિત ખૂણામાં જાણીજોઈને આડેહાથે મૂકી દીધું.પેલી જરાતરા ઊગેલી કૂંપળ ખાતર-પાણીના અભાવે કરમાઈ ગઈ. જો કે આ ઘટનાનો અફસોસ ન થયો, વિચાર્યું કે 'હશે...પાકવાને હજું વાર લાગે છે!'

  *લગલગાટ વીસ વર્ષ ઘર-પરિવારમાં ગળાડૂબ રહેવાયું.કવિતાનો 'ક' પણ હોય છે એ વાત જ સાવ વિસારે પડી ગઈ.પરંતુ થયું એવું કે માટી ફળદ્રુપ અને પેલા બીજ લોંઠકા તે અંદર પડ્યાં રહ્યાં ચુપચાપ! બહાર કોઈ ખલેલ નહીં પરંતુ અંદરના તંતુ લંબાતા રહ્યાં. છેક ચાલીસમે વર્ષે પેલી દોડતી-હાંફતી ગૃહિણીએ નિરાંતનો શ્વાસ લીધો ત્યાંજ એ સળવળ્યાં. ઘરમાં ઈન્ટરનેટ, ઓરકુટ,ફેસબૂક આવ્યા અને કવિતા સાથે ફરી અનુસંધાન થયું. પેલું મનનાં ખૂણામાં મૂકેલું પોટલું હળવેથી બહાર કાઢ્યું, વાળી-ઝાપટીને કાગળ કલમને *ફરીથી હાથમાં લીધા અને કલમને ડાળખી ફૂટી*! ચાલીસમે વર્ષે બહુબહુ તો 'બેતાળા' આવે પણ આ તો કવિતા આવી ગઈ! એકદમ સહજતાથી આવી...જેમ ચાલી ગઈ હતી એમ જ પરત આવી ગઈ! ગઈ ત્યારે ઉત્પાત નહીં અને આવી ત્યારે ઉન્માદ નહીં! બે હાથે આવકારી ત્યાં તો સીધી ગળે જ વળગી ગઈ.હળવેથી ચહેરો જોયો તો ગઝલ હતી! વ્હાલથી ઓવારણાં લીધાં, વિધિસર કંકુપગલાં કરાવ્યા, શ્રદ્ધાપૂર્વક ઈશ્વરની લગોલગ બેસાડી.

  ૨૦૧૧માં અમદાવાદમાં એક ગઝલ પ્રશિક્ષણ શિબિરમાં જઈ ગઝલ લેખનનું વિધિવત શિક્ષણ લીધું. 'સમજીએ ગઝલનો લય' પુસ્તકને સાથે રાખીને શીખતી ગઈ, લખતી ગઈ.ફેસબૂક પર ચાલતા 'ગઝલ તો હું લખું' ગ્રુપમાં ગઝલની ચર્ચાઓ થતી રહી અને પેલી ડાળખી વિસ્તરતી રહી.૨૦૧૩માં અમે ૧૧ મિત્રોએ સાથે મળી ' *લઈને અગિયારમી દિશા* ' નામનો સહિયારો ગઝલસંગ્રહ આપ્યો.પછી તો કલમ સડસડાટ ચાલવા લાગી. ગઝલ ઉપરાંત ગીત, અછાંદસ, લેખ, નિબંધ, વાર્તા જેવા સાહિત્યના વિવિધ સ્વરુપો પર કામ થતું રહ્યું. ખાતરપાણી મળતાં ગયાં એમ મૂળિયાં પુષ્ટ થતાં ગયાં.એકમાંથી બીજી અને બીજીમાંથી ત્રીજી એમ ડાળો ફૂટતી ગઈ. મારા ફળિયે તો છાંયડા, ટહુકા અને હાશકારાની મંડળી જામી! ધીરે એ કોધીરેળાયેલી ડાળ એવી તો વિંટળાઈ કે જાણે વર્ષો જૂની બહેનપણી ન હોય! સૂતાં,જાગતાં, ઉઠતાં,બેસતાં સતત સાથે ને સાથે જ રહે. હવે ક્યારેય પાછા ન જવાના નિર્ધાર સાથે આવી હોય એમ મારામાં ઓતપ્રોત થવા લાગી. સવારે પૂજાપાઠ-રસોઈ-ઘરકામ વખતે હું એને હાથ જોડીને વિનવું ‘ જાને મારી બઇ…પછી આવજે.’ પણ એ માને શાને?

  *કવિતાની આ નમણી ડાળ પર હું ઝૂલી છું, એની સાથે ખીલી છું, એની ખુશ્બુથી તરબતર થઈ છું, એના ટેકે વિસામો પામી છું*, એના પર્ણમર્મરથી ધન્ય થઈ છું.કવિતાની ડાળ એ મારા માટે એક પોતિકો ખૂણો છે.આ એક એવી અંગત જ્ગ્યા કે જ્યાં હું કોઈ જ બંધન વગર વ્યક્ત થઈ શકું.અહિંયા કોઈ મને પૂછવાવાળું ન હોય. હું અને મારી કલ્પનાઓ મુક્ત રીતે વિહરી શકીએ એવી આ એકમાત્ર જગ્યા! મારા માટે તો એનો છાંયડો જ પર્યાપ્ત છે છતાં એણે મને જે આપ્યું છે તે શબ્દોમાં વ્યક્ત થઈ શકે તેમ નથી. ક્યારેક ગુલમહોરી અસબાબ તો ક્યારેક શિરીષની સોડમ, ક્યારેક જળની છાલક તો ક્યારેક રણની વિરડી, ક્યારેક બળબળતા બપ્પોરો તો ક્યારેક વસમી સાંજો, ક્યારેક ઘેઘૂર વડલો તો ક્યારેક મેઘલી રાતો,આહા…કેવી કેવી રંગછટાઓ લઈને આવી છે મારા આંગણામાં! શબ્દોને ગુરૂ અને જાતને શિક્ષક માનીને જે કંઈ, જેવું આવડ્યું એવું લખ્યું છે. સ્વતંત્ર રીતે વિકસેલી આ ડાળખી આજે તમને સોંપુ છું. આશા છે એનાં છાંયડાં, ટહુકા અને સુવાસ તમારા મન ઉપવનને રળિયાત કરશે. અસ્તુ"

  મિત્રો,
  પારૂલબેનની શૈલીમાં તેમની કલમે લખાયેલી સ્વગતોક્તિ અને વાંચેલી એમની ભવ્ય ગાથા જેમના પરિવારમાં એક દીકરો, પુત્રવધુ, સાસુજી, પારુલબેન ના પતિ અને પારૂલબેન પોતે એમ પાંચ જણનો પરિવાર,
  આવો જોઈએ તેમને મળેલા કેટલાક પારિતોષિક અને પુરસ્કાર અને અનેક સામાયિકોમાં તેમના સર્જન પ્રકાશિત થાય છે

  એવોર્ડ, પુરસ્કાર

  કાકા કાલેલકર પ્રવાસ વર્ણન નિબંધ સ્પર્ધામાં ગૃહિણી વિભાગમાં પ્રથમ ક્રમે વિજેતા થયેલ નિબંધ. વર્ષ-૨૦૧૫
  *સ્નેહાસવ' વાર્તા* સ્પર્ધામાં ત્રીજા ક્રમે આવેલ વાર્તા
  *કાવ્યસંગ્રહ* 'કલમને ડાળખી ફૂટી' ને 2018 નો ' *કાવ્યમુદ્રા* ' એવોર્ડ

  શબ્દસૃષ્ટિ,પરબ,છાલક,ધબક,ગઝલવિશ્વ,ગઝલ,ગરિમા,કવિતા,વિશ્વગાથા,કુમાર,કવિલોક, શબ્દસર,નવનીત,સમર્પણ,ફિલીંગ્સ,સંવેદન, તાદર્થ્ય,એતદ્,અખંડઆનંદ,વિ.વિદ્યાનગર, ગુર્જરી ડાઈજેસ્ટ વગેરે મેગેઝિનમાં કવિતાઓ અને વાર્તાઓ કવિતાચયન-૨૦૧૪','સ્ત્રીઆર્થ-૩'જેવા કાવ્ય સંપાદનો તથા વાર્તા સંપાદનોમાં કૃતિઓ પસંદગી પામી છે.
  * અખબારઃ ફુલછાબ,મીડ ડે, નવભારત, દિવ્યભાસ્કર,સર્વકાલિન,અમરેલી એક્ષ્પ્રેસ,કચ્છ્મિત્ર વગેરેમાં કવિતાના આસ્વાદ,ઇન્ટર્વ્યુ અને કવિતાઓ. *આર્ટીકલ્સ* ખોડલધામ મેગેઝિનમાં કોલમ લેખન. 'શબ્દસર' મેગેઝિનમાં લેખમાળા.

  *બ્લોગ લેખન* ( The Pink Page) નામના બ્લોગ પર પારુલબેનના સમગ્ર સર્જન ઉપલ્બ્ધ છે.

  *કાર્યક્રમો*

  ૧)દૂરદર્શન રાજકોટ અને અમદાવાદ પર કાવ્યપઠન.
  ૨)આકાશવાણી રાજકોટ પર કાવ્યપઠન, જન્માષ્ટમીની લાઈવ કોમેન્ટ્રી, પુસ્તક પરિચય.
  ૩)મેગા મુશાયરાઃ અસ્મિતાપર્વ-૧૮માં કાવ્યપઠન, અનુષ્ઠાન-૧ માં કાવ્યપઠન,કાવ્યમુદ્રા,જામનગરમાં રાહત ઈન્દોરી સાથે કાવ્યપઠન,
  ૪)મુશાયરાઃ અમદાવાદ, રાજકોટ, સુરત,જામનગર,અમરેલી,વેરાવળ,ભાવનગર

  *ઓગસ્ટ 2018માં ભુજ ખાતે યોજાયેલ સાહિત્ય અકાદમી યોજિત 'પૂર્વોત્તર અને પશ્ચિમી સાહિત્યકાર મિલન'માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યુ*

  પારૂલબેનને વધુ વાંચવા માટે તેમના બ્લોગ પર નીચે પ્રમાણે લિંક પર વિઝિટ કરી શકો છો,  સાયુજ્ય પરિવાર તરફથી, શ્રી પારૂલબેનને અનેકવાર શુભેચ્છાઓ અને સુકામનાઓ તેમના સાહિત્યપ્રદાનને નત મસ્તક વંદન અને ભવિષ્યમાં પણ ઉત્તરોત્તર આપણને આ જ પ્રકારે તેમના તરફથી સાહિત્ય મળતું રહે તે જ આશા અને અભ્યર્થના  આવો સાહિત્યના માધ્યમ થકી આપણે પારુલબેનની કેટલીક રચનાઓ ને માણીએ...

  (૧)

  દૂર રહીને મારગ ચીંધે, ધીરજ મારી તાગે રે
  દીવાદાંડી જેવું કોઈ ઝીણું ઝીણું જાગે રે

  ચૈતરની એક વસમી સાંજે સાજ બધાયે તોડ્યાં’તાં
  તે દી’થી ઉપ્પરવાળાએ મબલખ તંતુ જોડ્યાં’તાં
  તૂટ્યું-ફૂટ્યું જંતરડું કૈં ધીમું ધીમું વાગે રે…
  દીવાદાંડી જેવું કોઈ ઝીણું ઝીણું જાગે રે…

  ધસમસ દરિયા પોઢાડી પાંપણની ખડકી વાસી’તી
  ત્યાં તો પેલી યાદ મંથરા જોરજોરથી ખાંસી’તી
  સાવ સફાળા જાગેલા જળ ભોગ કમળનો માંગે રે
  દીવાદાંડી જેવું કોઈ ઝીણું ઝીણું જાગે રે

  સોય સરીખો ઝીણો ચટકો, ફાંસ સમુ કૈં વાગ્યું’તું
  ‘ખમ્મા’બોલી જાતેજાતે ઘાબાજરિયું બાંધ્યું’તું
  પારુલજી તબિયત પૂછે તંય જીવવા જેવું લાગે રે
  દીવાદાંડી જેવું કોઈ ઝીણું ઝીણું જાગે રે

  (૨)

  ગયેલા શખ્સનાં બે-ચાર પગલાં સાચવી રાખ્યાં,
  પછી લાગ્યું કે સાલ્લુ સાવ અમથાં સાચવી રાખ્યાં

  પ્રથમ જળની સપાટી પર જરા ચાલ્યાં અને ડૂબ્યાં,
  મનાવી મન, પછી રેતાળ રસ્તા સાચવી રાખ્યા.

  ખુલાસામાં ઘણું લાંબુલચક બોલી ગયા’તા એ,
  અમે તો ‘પણ’ પછીનાં ત્રણ ટપકાં સાચવી રાખ્યાં.

  બધુંયે યાદ રાખી એમણે પુસ્તક લખી નાંખ્યું,
  અમે ભૂલ્યા બધું પણ બે’ક કિસ્સા સાચવી રાખ્યા.

  બચાવી ના શકાયો એક વસમી સાંજનો ટુકડો,
  હૃદયમાં એ પછી તો કંઇક વલખાં સાચવી રાખ્યાં.

  ખુમારી એટલી કે જીભથી ન માંગવાનું કાંઈ,
  પરંતુ આંખમાં વાચાળ સપનાં સાચવી રાખ્યાં.

  તમારે એ ગલીમાં પગ નહિ મૂકવાનું પ્રણ ‘પારુલ’
  છતાંયે એ નગરના કેમ નકશા સાચવી રાખ્યા?

  (૩)

  રાતીચટ્ટાક મારી ગુલમ્હોરી ઓઢણી ને એનો છે લીલોછમ ડગલો
  ઉગ્યો છે મારામાં વડલો.

  ડાહ્યા મનેખ કહે સાચવજે ભોળી આ વડલાના જોર હોય જાજા
  ખાતર, ના માટી, ના પાણી, ના માળી ને તોય રહે મૂળ એનાં તાજાં

  તારામાં તારાથી આગળ વધીને તને છેડ્યા કરશે રે આછકલો
  ઉગ્યો છે મારામાં વડલો.

  હુંયે સજાગ હતી ખોળ્યું તો જાણ્યું કે આ તો છે અંદરની હું
  વડલાનો વેશ લઇ મારામાં ઊગી ને મારામાં થઇ ગઇ રે છૂ

  મનનાં તોફાન બધાં આઘેથી જોવાનો મારગ સમજાયો છે વચલો
  ઉગ્યો છે મારામાં વડલો.

  ફૂટી છે રોમરોમ સમજણની વડવાયું ફૂટ્યાં છે સમતાનાં પાંદ
  ઉગમણી ડાળીએ આશાનો સૂરજ ને આથમણે ધીરજનો ચાંદ

  શ્રદ્ધાના ટેટાને હળવેથી ખોલ્યો ત્યાં આહાહા… બીજ તણો ઢગલો
  ઉગ્યો છે મારામાં વડલો.

  ( મારા ઘર સામેના ગુલમ્હોરમાં ઉગેલ વડલાનું ગીત)

  (૪)

  મને કાગળ-કલમ ને અક્ષરો સૂવા નથી દેતાં,
  કવિતાનાં બળૂકાં લશ્કરો સૂવા નથી દેતાં.

  નસીબે ચાલવું ને ચાલવું છે ચાલવું કેવળ,
  ચરણમાં ચીતરેલાં ચક્કરો સૂવા નથી દેતાં.

  ખબર નહિ છાપ છે કે સાચ છે કે છે કોઈ ભ્રમણા,
  મને ઓછાડ પરના ખંજરો સૂવા નથી દેતાં.

  અચાનક જઇ ચડી છું કોઇ આગંતુક જેવી હું,
  કબર મારી જ છે પણ પથ્થરો સૂવા નથી દેતાં.

  હજારો વાર ધોઈ છે છતાં યે જાત મ્હેંકે છે,
  ગુલાબી સ્પર્શનાં એ અત્તરો સૂવા નથી દેતાં

  પલાંઠી ચુસ્ત વાળીને કરે છે ધ્યાન મારામાં,
  સ્મરણનાં જોગણી-જોગંદરો સૂવા નથી દેતાં.

  વિસામો શ્વાસને આપી હવે પોઢી જવું છે બસ,
  પરંતુ કામઢા કારીગરો સૂવા નથી દેતાં.

  હરીશ શાહ
  વડોદરા
 • Home