પ્રણવ પંડ્યા


ડો.લલિત ત્રિવેદી


  પ્રણવ પંડ્યા   Audio :


  1.mp3 


  પ્રણવ પંડ્યા   Video:


  પ્રણવ પંડ્યા   Video

  પ્રણવ પંડ્યાનો પરિચય


  20.01.2019 આદરણીય સાયુજ્ય મિત્રો

  આજે એક એવા કવિની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેઓનું પદ્ય સામ્રાજ્યમાં આગવું નામ છે , *પદ્યનું એ રૂપ , એ સાદ, એ ગૌરવ , એ છટા, તેઓ અભ્યાસ કરીને તેને જાળવી રાખે છે અને ભારોભાર ગૌરવ અપાવે છે* ,
  મોરારીબાપુ તેઓને પ્રસ્તુતિ અને પ્રસન્નતા માટે સ્વાભાવિક પણે તેઓ આશીર્વાદના પાત્ર બને છે તેમ કહે છે , *તો કવિ શ્રી વિનોદ જોશી તેમને ભાવ સૌંદર્ય અને વિચાર સૌંદર્ય તેમની રચનાઓમાં જોવા મળે છે તેમ કહે છે* , તેઓ આ કવિને 'તીવ્રતાપૂર્વક સંવેદન અનુભવે છે' એમ કહે છે તો સમાંતરે વિચાર દ્રવ્યથી સમતોલ જીવન સમીક્ષા કરતા હોવાનું પણ લખે છે .

  *જાણીતા કવિ ઉદઘોષક અને કાર્યક્રમ સંચાલક અને સંકલનકર્તા શ્રી અંકિત ત્રિવેદી ગુજરાતીમાં નવી કવિતાના નોંધપાત્ર અને અભ્યાસુ નામ તરીકે આ કવિને ઓળખે છે* , જ્યારે કવિ હર્ષદ ચંદારાણા કવિને લાગણી થી લથબથ અને કદી ના ખૂટતું અંજળ છે , તેમ કહે છે, *સુપ્રસિદ્ધ શ્રી જય વસાવડા આ કવિને બહુમુખી પ્રતિભાનો ખેલંદો કહે છે* જ્યારે એ પણ કહે છે કે આ કવિની આંખે આસપાસનું સચરાચર નીરખવાની ક્ષમતા છે એની પાસે એના મનોવિહાર માં ઉડવાની લહેજત છે શરદપૂનમના દૂધપૌંઆ જેવી મીઠી અને લીસી ભાષામાં ગળે ઉતરે તેમ આ કવિ વાત માંડે છે ,

  અવનવા વિષયો ના તાર છેડે છે આ કવિ..... એમના શબ્દો સાથે પ્રેમ થઈ જાય તેવું તેમનું નવું પુસ્તક છે તેઓ શુભેચ્છા આપે છે કે આ કવિ જેવી ચેતના ,પુસ્તકરૂપી ઘટના બને ત્યારે ગુજરાતી ભાષાના નાભિશ્વાસને થોડો પ્રાણવાયુ મળતો હોય છે અભ્યાસમાં શૈક્ષણિક ક્ષેત્રે ડિગ્રીઓની, લાંબી માત્રામાં ઉપલબ્ધિ છે

  બીએ વિથ ઈંગ્લિશ    એમ.એ. વિથ ઇંગ્લિશ   એમ.ફીલ ઇન્ડિયન લિટરેચર    બી.એડ ઇંગ્લિશ અને ગુજરાતી   ડિપ્લોમા ઇન કમ્પ્યુટર ટેકનોલોજી    એચ. ટાટ  

  માધ્યમિક શાળાના આચાર્ય માટેની યોગ્યતા ની પરીક્ષા
  હાલમાં એમ કે ચંદારાણા કન્યા વિદ્યાલય ચલાલા જીલ્લો અમરેલી મદદનીશ શિક્ષક તરીકે કાર્યરત છે

  *આપણે વાત કરી રહ્યા છીએ કવિતા ની અનુભૂતિ સુધી પહોંચતા જેમને 20 વર્ષ લાગ્યા છે ,અને જેમને કશું મેળવવા કવિતા લખી જ નથી* , *જેઓનું કાવ્ય પ્રયોજન માત્ર કાવ્યપ્રીતિ જ છે ,કવિતા જેમનું સાધન નથી અને સાધ્ય પણ નથી , કવિતા જેમના માટે આરાધ્ય છે અને કવિતા ની આરાધના કોઈ માંગણી થી નહીં લાગણીથી કરી છે* . તેવા આજની પરિચય ગાથા ના કવિ

  પ્રણવ પંડ્યા  તારીખ 16 માર્ચ 1976 અમરેલીમાં જન્મ અને અમરેલી સ્થિત શ્રી પ્રણવ પંડ્યા તેઓના ફરજ ઉપરાંત સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં શાળાના સર્વાંગી વિકાસ માટે સતત પ્રવૃત્ત છે,
  કન્યા કેળવણી માટે પ્રોત્સાહન અને ગ્રામીણ કક્ષાએ વાલી સંપર્ક દ્વારા જાગૃતિ ઇકો ક્લબ ના ઈન્ચાર્જ શિક્ષક,
  ઇકો ક્લબ ના માધ્યમથી પર્યાવરણની અનેક પ્રવૃત્તિઓ કરે છે
  , યુવક મહોત્સવ અને પ્રતિભાશોધ સ્પર્ધામાં વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપી જિલ્લા અને પ્રદેશ કક્ષા સુધી પહોંચાડે છે ,
  ગુજરાતી ભાષાના નોંધપાત્ર કવિ, સાહિત્યકાર અને વિવિધ કાર્યક્રમોના સુચારૂ સંચાલક,

  પ્રગટ પુસ્તકો  કવિતાથી વધુ કંઈ નહીં કાવ્યસંગ્રહ 2013
  શ્વાસનું રિચાર્જ લલિત નિબંધ 2015
  મન પાંચમના મેળામાં ભાગ 1 2 3 કવિ શ્રી રમેશ પારેખ ના સમગ્ર કાવ્યોનું સંકલન ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા
  .ને સાંભરે કલાપી કવિ કલાપીના માટેના અંજલી કાવ્યોનું સંપાદન
  *શ્વાસ નું રીચાર્જ શીર્ષકથી ફૂલછાબ રાજકોટ જન્મભૂમિ-પ્રવાસી મુંબઈ અને કચ્છ ભુજ ની રવિવારની પૂર્તિમાં 400થી વધુ લેખ પ્રગટ થયા છે
  ગુજરાતી સાહિત્ય અને સંસ્કારના સામયિકોમાં કવિતા અને લેખ પ્રગટ થયા છે

  વિશેષ સન્માન અને સફળ મુકામ  પ્રથમ કાવ્ય સંગ્રહ કવિતાથી વધુ કંઈ નહીં માટે સમન્વય અને ગુજરાત સમાચાર અમદાવાદ દ્વારા રૂ, 51,000 નું રાવજી પટેલ યુવા સાહિત્ય પ્રતિભા સન્માન
  બ્રહ્મસમાજ અમરેલી તરફથી કલારત્ન એવોર્ડ*

  વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલા દ્વારા સાહિત્યિક અને સેવાકીય પ્રવૃત્તિ માટે વિશેષ સન્માન
  અમરેલી નગરપાલિકા દ્વારા સર્જનાત્મક પ્રવૃત્તિ માટે સન્માન
  સ્વામિનારાયણ મંદિર વડતાલ તરફથી લેખક રત્નાકર સન્માન

  2019 નો રાજવી કવિ કલાપી એવોર્ડ ૫૧ હજારની સન્માન રાશી સાથે
  ( ૮ દિવસ પહેલાં જ)  *રાજ્ય સરકાર આયોજિત યુવા પ્રતિભા શોધ સતત ત્રણ વર્ષ સુધી રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન 1994 95 96*
  *સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ત્રણ વર્ષ સુધી કાવ્યલેખન સ્પર્ધામાં પ્રથમ સ્થાન*
  *સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા ટ્રાવેલ ગ્રાન્ટ યોજના માટે પસંદગી*
  *અનેક નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાના સેમિનારમાં વક્તા અને સંશોધક તરીકે લીધેલો ભાગ*
  આકાશવાણી દૂરદર્શન અને અન્ય પ્રસારણ માધ્યમો દ્વારા સાહિત્યિક પ્રવૃત્તિઓ અને પ્રસ્તુતિ

  નોંધપાત્ર પ્રસ્તુતિઓ  નૈરોબી આફ્રિકા   ઓસ્ટ્રિયા,   હંગેરી  અને   ચેક રિપબ્લિક નો પ્રવાસ ત્યાં સાહિત્ય અને શિક્ષણ નો પ્રત્યક્ષ અનુભવ
  *અમેરિકાના 11 અલગ-અલગ શહેરોમાં કાવ્યપાઠ અને સંગીત કાર્યક્રમનું સંચાલન
  મોરારીબાપુ પ્રેરીત અસ્મિતાપર્વમાં કાવ્ય નું સંચાલન અને કાવ્ય પાઠ*
  પૂજ્ય રમેશભાઈ ઓઝા ના સાંનિધ્યમાં યોજાયેલ હરિમંદિરના પાટોત્સવમાં સંગીત સંધ્યા અને સંચાલન
  આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ ના સૌથી યુવા વયના ટ્રસ્ટી તરીકે નિમણૂક,

  આવા ભાવથી છલોછલ પ્રવૃત્તિઓથી ઘેરાયેલા સૌજન્યશીલ કવિ શ્રી પ્રણવ પંડ્યા એટલું જ ઉંડુ લખે છે

  ઉદાસીની આરપાર – પ્રણવ પંડ્યા  ચારે તરફ પીડાની હવાઓ ગતિ કરે
  કેવી રીતે પૂજારી પછી આરતી કરે

  થોડી અસર છો કામદેવ ને રતિ કરે
  બાકી ઘણુંય કામ મધુમાલતી કરે

  નાવિક તું નાવનો, હું પવન થઈ વહું છતાં
  ખાલી પવન તો માત્ર નાવ ડોલતી કરે

  મનના આ જળને માંડ મળે સ્થિર સપાટી
  ત્યાં સ્વપ્નનો સપાટો એ ન્હોતી હતી કરે

  તારા વિનાની મારી ક્ષણને પૂછ, એક શખ્સ
  સ્મરણો સમક્ષ શી રીતે શરણાગતિ કરે

  જોઈ શક્યું છે કોણ ઉદાસીની આરપાર
  આંસુ તો ફક્ત આંખની ઝળહળ છતી કરે

  – પ્રણવ પંડ્યા

  છ શેરની ગઝલમાં બધા જ શેર ઉત્તમ મળે એ ઘટના જવલ્લે જ બનતી હોય છે. કામદેવ અને રતિથીય મધુમાલતીને વિશેષ ગણતો શેર, ન્હોતી-હતી જેવો કાફિયો ગોઠવવાની કવિસૂઝ, સ્મરણ સમક્ષની શરણાગતિ જેવું કથન અને ઉદાસીની આરપાર જોવાની વાત –

  આવો બીજી તેમની એક શાશ્વત રચના જોઈએ

  કશુંય ના કવિતા સમ, કવિતાથી વધુ કંઈ નહીં
  કવિતાના જ ખાઉ સમ, કવિતાથી વધુ કંઈ નહીં

  ખીલે એ પાનખરમાં ને વસંતે થાય વૈરાગી
  નરી નિત મ્હેંકતી મોસમ, કવિતાથી વધુ કંઈ નહીં

  કવિતા એટલે કાગળમાં માનવતાના હસ્તાક્ષર
  તપાસો સત્વ, રજ ને તમ, કવિતાથી વધુ કંઈ નહીં

  કદી એકાંત અજવાળે, કદી આ આંસુઓ ખાળે
  બનાવે શ્વાસને ફોરમ, કવિતાથી વધુ કંઈ નહીં

  વણ્યું ચરખે કબીરે એ કે એણે ગણગણ્યું’તું એ?
  કહો મોંઘું ક્યું રેશમ? કવિતાથી વધુ કંઈ નહીં

  થશે ઝાંખા શિલાલેખો કે તૂટશે કોટના ગુંબજ
  હશે પરભાતિયા કાયમ, કવિતાથી વધુ કંઈ નહીં

  – પ્રણવ પંડ્યા

  ાંજના વાતાવરણની એ જ તો તકલીફ છે,
  બહુ વલોવે છે, સ્મરણની એ જ તો તકલીફ છે !

  ઝંખના જીવલેણ છે એ જાણીને પણ ઝંખના,
  જીવતા પ્રત્યેક જણની એ જ તો તકલીફ છે !

  મૌન પાછળ લાગણી ઢાંકી શક્યું ના કોઈપણ,
  સાવ પાંખા આવરણની એ જ તો તકલીફ છે !

  ના કદી વાંચી શક્યો હું તારી આંખોની લિપિ,
  હું અભણ છું ને અભણની એ જ તો તકલીફ છે !

  બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું,
  મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે.

  – પ્રણવ પંડ્યા


  હરિ મારી આંખ્યુંમાં કરજો વિસામો :  હરિ મારી આંખ્યુંમાં કરજો વિસામો,
  પાંપણની પોટલીમાં આસુંનાં તાંદુલ લઈ
  ઉભો હું થઈને સુદામો,
  હરિ મારી આંખ્યુંમાં..

  દરિયાની ભરતીમાં મોજાનો લોડ
  એમ ઉછળવું કાયામાં રગોનું;
  પાસંળીની પાર પીડા એટલી સમાઈ છે
  જેટલું દ્વારીકામાં સોનું,
  જરા ધસમસતા શ્વાસોને થામો.
  મારી આંખ્યુંમાં કરજો વિસામો.

  કીકીઓનાં કુંજામાં સપનાની કાંકરીઓ
  નાખે જળધાર એક સીંચી;
  કે ધારને કિનારે હરિ હસતાં દેખાય
  પછી હળવી આંખ લઉં મીંચી.
  હવે જળનો કિનારો છે સામો,
  મારી આંખ્યુંમાં કરજો વિસામો.

  - પ્રણવ પંડ્યા
  સ્વર : સૌનિક સુથાર


  હરિ મારી આંખ્યુંમાં કરજો વિસામો Audio :


  1.mp3 

  આવા અદકેરા, મૃદુભાષી, કવિ શ્રી પ્રણવ પંડ્યા ને સયુજ્ય પરિવારની અનેક અનેક શુભકામનાઓ અને શુભેચ્છાઓ તેમની લેખન પ્રવૃત્તિ થી સદાકાળ આવી જ રચનાઓ વહેતી રહે અને આવો જ લાભ આપણને સૌને મળતો રહે ,તે જ આશા અને અભ્યર્થના

  હરીશ શાહ
  વડોદરા

 • Home