રક્ષાબેન શુક્લ  

રક્ષાબેન શુક્લ


  Raksha Video :


  Raksha Video

  રક્ષાબેન શુક્લ નો પરિચય


  *આદરણીય સાયુજ્ય મિત્રો* ,

  28.12.2019 આદરણીય સાયુજ્ય મિત્રો, પરિચય ગાથા માં આજનો પરિચય એક એવા કવિયત્રી સાથે કરવાનો છે કે જેમનો અંદાજ અનોખો છે, તેમની વિચારધારામાંથી ભાવ પ્રગટે છે તેમને પહોંચવા તેમના સાહિત્ય ને મગજમાં ઉતારવું પડે એમ છે, તેમના અનેક કાવ્યો અનેક રચનાઓ અનેક સામાયિકોમાં અને અનેક માધ્યમ દ્વારા આપણા સુધી પહોંચ્યા છે તેમજ મીડિયાના માધ્યમથી એટલે કે ટીવીના માધ્યમથી પણ તેઓ લોકો સુધી પહોંચ્યા છે તેઓ ચોક્કસ પણે એમ માને છે કે .........
  "લખવું એટલે પોતાનીજ સંવેદનાઓને ત્રીજો પુરુષ બની વાંચવી, ઉકેલવી અને કોરા કાગળ પર શબ્દરૂપે અવતારવી. જે સંવેદનાઓ પોતાની જ ન હોતા અન્ય વ્યક્તિ સમાંતર પણ હોય શકે."

  તો આવો મિત્રો મળીએ,
  રક્ષાબેન શુક્લ ને

  કેર ઓફ કવિતા

  રક્ષાબેન શુક્લ , પિતા હિંમતભાઈ અને માતા ભગવતી બેન અને પતિ શ્રી દિલીપભાઈ પાઠક 1982 થી અંગ્રેજીની શિક્ષિકા તરીકે 32 વર્ષ તળાજામાં ગર્લ્સ હાઇસ્કુલ માં આપ્યા 2014માં તેઓ રિટાયર થયા

  જન્મદિવસ – 28 માર્ચ
  જન્મસ્થળ – સિહોર
  કેટલાક પ્રતિષ્ઠિત સંપાદનોમાં કવિતા, લેખો, આસ્વાદ, ટૂંકીવાર્તા, લઘુકથા, લલિત નિબંધ, ચિંતનલેખો, પુસ્તકસમીક્ષા વગેરે સ્થાન પામ્યા છે.

  પુસ્તક પ્રકાશન : *આલ્લે લે* , *કાવ્યસંગ્રહ*

  રક્ષાબેનને કવિતા, લલિતનિબંધ, ટૂંકીવાર્તા, ચિંતનલેખ, આસ્વાદ, લઘુકથા, સમીક્ષા વગેરે લખવું ગમે છે. વાચન, સંગીત, ચિત્ર, સુગમગીતો શીખવા ને ગાવા ખુબ ગમે. શાળામાં હતા ત્યારથી રેડીઓ પર આવતા એ ગીતો સાંભળ્યા કરતાં અને શીખતાં. વાચનના શોખે જીવનને ખુબ શણગાર્યું છે. *બલકે એ પુસ્તકો જ રક્ષાબેનના જીવનનો આધાર બન્યા-કદી ન છોડી જાય તેવા સાથી બન્યાં*.

  આ વાંચન અને સંગીતને લીધે જ કવિતામાં લય અને છંદ વણાતા ગયા. પ્રવાસ કરવાથી જીવનની ઘટમાળમાં ફરી જોડાવા માટે જાણે ટોનિક મળ્યું. લગ્ન પછી તળાજા ગામમાં સર્વિસ હોવાને લીધે સમયની અનુકુળતા હોવા છતાં સંગીત, ચિત્ર કે સાહિત્યમાં વિકાસને કોઈ અવકાશ હતો જ નહીં. કોઈપણ વાત ઊંડાણથી શીખવી ગમે. બધા કામમાં ચોકસાઈ ગમે. નવું નવું શીખવાની ખુબ હોંશ પરંતુ એ સમયમાં તો કોમ્પ્યુટર, નેટ કે એન્ડ્રોઈડ ફોન જેવું પણ કંઈ હતું નહીં પણ હવે ગુગલ ગુરુની હેલ્પ હોય છે. જેની મદદથી જાતે કંઈપણ શીખી શકાય. સ્ત્રી સ્ત્રીસહજ કપડાંનો શોખ પણ ખરો. રક્ષાબેને લગભગ 45 વર્ષની ઉંમર પછી લખવાનું શરુ કર્યું.

  “ટોળે વળતી એકલતાને હવે તાપણે મૂકો,
  ગરમાવું ખીસ્સે ભરવા ત્યાં જરીક અમથું ઝૂકો
  લીંબુ-ઉછાળ પીડાને લ્યો, ચલમ ભરીને ફૂંકો,
  પતંગિયા પડખે ચડતા આ મારગ લાગે ટૂંકો,

  ખીલવા, ખુલવા 'ને પાંગરવા આંગણ અમોને જડિયું,
  બે આંખોનું સરનામું 'ને જીવતર જાણે પરબીડિયું.”

  રક્ષાબેનના પ્રમાણે દરેક સ્ત્રી વ્યવસાય, ગૃહકાર્ય, શોખ અને સર્જન વચ્ચે બેલેન્સ કરીને એવું જીવવા પ્રયત્નશીલ હોય છે કે જીવનના બધા જ તબક્કે, બધા પ્રસંગે ફરજ બજાવતી વખતે તે સંવાદિતા સાધી સૌને સુપેરે પૂરી પડે અને ખુશ રાખે. ઘરના સભ્યોનું કોઈ શેડ્યુલ ખોરવાઈ ન જાય તેની પૂરી તકેદારી રાખીને એ સ્ત્રી પોતાનું સર્જન કરતી હોય છે અને તે છતાં એ કેટલાયે ઈલ્જામોનો ભોગ બનતી હોય છે. રોજ સંઘર્ષ કરીને એ રાખમાંથી બેઠી થાય છે.

  રક્ષાબેન વિધિસર કદી ક્યાય છંદો શીખ્યાં નથી. અન્ય કવિઓની રચનાઓ વાંચતા વાંચતા જ અંદર કૈક ઉતર્યું હશે તેથી કોઈ શબ્દ વધુ કે ઓછો હોય કે યોગ્ય ન હોય ત્યારે જીભને આવતા બમ્પથી થોડો ખ્યાલ આવે કે ખોટું છે શ્વાસ સુગંધાતા લાગે છે.

  સાહિત્યના જેવી ઉત્તમ કોઈ ડાળી નથી જેના પર માણસ સર્જક બનીને તો ઝૂલી જ શકે છે પણ ભાવક બનીને પણ એક મૌન સાથે પળેપળ ખુશીથી થનગન થતો જીવી શકે છે. એ માટે તેને દુનિયાના કોઈ સીમાડા કે અંતરની મર્યાદા નડતી નથી. અઢળક પુસ્તકોમાં ભરેલું અઢળક સાહિત્ય અને તેના વિવિધ પ્રકારોના સાથમાં માણસ ગમે તેટલો એકલો હોય તો પણ સુંદર જીવન જીવી શકે છે*.

  અસંખ્ય દિગ્ગજ સાહિત્યકારો પોતાનું ઉત્તમ સર્જન પોતાના ખૂણે બેસી કરતા અને તેઓ સમૃદ્ધ થતાં. એ સાહિત્યકારોને વાંચીને જીવન અજ્ઞાતપણે સિંચાયું. સાહિત્યને લીધે કંઇ કેટલાયે મીઠા અનુભવો રક્ષાબેનને સાંપડ્યા છે

  કવિશ્રી હર્ષદ ત્રિવેદીએ એક મુશાયરા વખતે પોતાનો કાવ્યપાઠ પૂરો કરી સ્ટેજપર રક્ષાબેનને એમના ચાર પુસ્તકો ભેટ આપ્યા.
  આટલેથી ન અટકતા પુરસ્કારોની વણઝાર શ્રી રક્ષાબેનને મળવાની ચાલુ જ રહી છે,

  તેઓને 2015 માં 'કુમાર' લેખિકા પારિતોષિક
  2017 માં રાજ્યકક્ષાનો (સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ) બ્રહ્મગૌરવ એવોર્ડ મળેલ છે,

  *રક્ષાબેનને અનેકવાર શ્રી રાજેશ વ્યાસ મિસ્કીન, શ્રી હરિશ્ચન્દ્ર જોશી, શ્રી ચિનુ મોદી, શ્રી જલન માતરી, શ્રી ભાગ્યેશ જહાં, શ્રી રઘુવીર ચૌધરી, શ્રી ગૌરાંગ ઠાકર, શ્રી મુકેશ જોશી, શ્રી હિતેન આનંદપરા, શ્રી અશોક ચાવડા ‘બેદિલ’, શ્રી મહંમદ અલવી જેવા ઉત્તમ કવિઓ સાથે કાવ્યપાઠ કરવાનો મોકો મળ્યો છે* દુરદર્શન, GTPL ટી.વી. ચેનલ, TV9, ETV કે રેડીઓ જેવા જાહેર માધ્યમો દ્વારા પણ કાવ્યપાઠ કરવાનો મોકો મળ્યો એ ખુશીની પળો*.

  ગુજરાતી ગઝલને ૧૨૫ વર્ષ પૂર્ણ થતા હોવાથી ૧૨૫ કલાકારો દ્વારા યોજાયેલ કવિશ્રી હરદ્વાર ગોસ્વામી પરિકલ્પિત એવા સૌથી મોટા અને અનન્ય ગઝલોત્સવ ‘ગઝલ્સપ્તાહ’માં ચીફ કૉ-ઓર્ડીનેટર બનવાનો લ્હાવો મળ્યો* શ્રી અશોક ચાવડાએ મનહર મોદીના એક જ કાવ્યના આસ્વાદ માટે ૨૫ કવિઓને નિમંત્રણ આપ્યું એમાં સહભાગી બનવાનું સન્માન રક્ષાબેનને પણ મળ્યું*.

  રક્ષાબેનના પિતા ઉત્તમ શિક્ષક અને ઉત્તમ પિતા હતા.બાળપણથી જ એમનો પુસ્તકપ્રેમ ઊતરી આવ્યો. ઘરમાં મિલાપ, નવનીત, સમર્પણ, કુમાર, અખંડાનંદ વગેરે સામયિકો અને ઉત્તમ લેખકોની ઉત્તમ કૃતિઓ ધીમે ધીમે આંખોમાંથી હૃદયમાં ઉતારવા લાગી ‘ને ‘જીયો જીયો’ નો નાદ ઉઠ્યાં કરતો. મુનશી, પ્રેમચંદ, ધૂમકેતુ, પન્નાલાલ, શરદબાબુ, નરસિંહ, મીરાંથી માંડી આજ સુધીના અગણિત લેખકો અને કવિઓએ તેમની સંવેદનાઓને ઘડી છે. વિપરીત સંજોગોમાં તેમને વિવેક અને સમતોલન આપ્યું છે. સંસ્કૃત ભાષા ગૌણ વિષય હતો. તેમાં બહુ ઝાઝું તેમનાથી વંચાયું નથી પણ સંસ્કૃત સુભાષિતોએ તેમને હંમેશા મોહી છે. માત્ર બે જ પંક્તિમાં એ અદભૂત વાત કહી જાય છે. તેમાં લાઘવ સાથે જ્ઞાનનો ભંડાર હોય છે.

  રક્ષાબેન ઈશ્વરમાં માને છે જ. કોઈ એક અજ્ઞાત તત્વ છે જે નિયંતા છે. આ સૃષ્ટિનું અદભૂત રીતે સંચાલન કરે છે. આધ્યાત્મિક વાંચન ગમે છે. પણ કર્મની થીયરી વધુ ગળે ઉતરે છે જે હીરાભાઈ ઠક્કર, એના પુસ્તક ‘કર્મનો સિદ્ધાંત’માં સમજાવી છે. આધ્યાત્મિક જગત સાથે બહુ ઝાઝો નાતો નથી. વિચારવાનું એજ કે જેને કોઈ કર્મ હજુ કર્યા જ નથી એવા નિર્દોષ બાળકોથી હોસ્પિટલો ઉભરાય છે, તે માસુમો પીડાય છે, શા માટે??? અર્થ એટલો જ કે આપણા પૂર્વજન્મના સંચિત કર્મો આ જન્મમાં પ્રારબ્ધકર્મ બનીને આપણી સામે આવે છે. એ મુજબ આપણને જીવાડે છે. *જે સંવેદનાઓ પોતાની જ ન હોતા અન્ય વ્યક્તિ સમાંતર પણ હોય શકે. મ્યુરલ રુકીસર કહેતા કે Breathe in experience and breathe out poetry*.

  *વળી માત્ર કલમ લીધી ને લખાય એવું ન બને. એ માટે નાનપણથી ઘરમાં વંચાતા ઉત્તમ પુસ્તકો અને સામયિકોનું બહોળું વાચન અને ઘરના વાતાવરણમાંથી જ ઊતરી આવતુ વાચનમાટેનું વલણ મહત્વનો ભાગ ભજવે છે. પુસ્તકો સાથે દોસ્તી હોવી એ નાનીસુની વાત નથી*.

  રક્ષાબેનને લેખનસ્વરૂપમાં લખવું ગમે છે. નિબંધ, ટૂંકી વાર્તા, લઘુકથા, કાવ્યાનુવાદ, અને કવિતા લખે છું. તેમને પ્રકૃતિ અને ચિંતનાત્મક નિબંધો લખવા વધુ ગમે છે. પણ કવિતાકાર્ય એ વધુ ગમતું સ્વરૂપ છે. ગઝલ, અછાંદસ અને ગીતો બધું જ , પણ ગીતો સૌથી વધુ પ્રિય. ગીતોનો લય અને એમાં ભાવનું સાતત્ય ખુબ આકર્ષે.- *કિરણોની ટોળીએ આવી ફળિયે ધરાર ધામાં નાખ્યા*.

  રક્ષાબહેનની સ્વગતોક્તિ

  " *નાનપણથી જ સતત વંચાતી કવિતા, એ કવિઓ ઉપર વારી જવું, એના શબ્દો પર આફરીન થવું, મોહી પડવું ચાલતું જ રહ્યું. ડાયરીમાં ઉત્તમ કવિતાઓ લખાતી જાય અને સમયાંતરે વળી વાળીને એને ફરી ચાખું, મમળાવવું. પહેરું, ઓઢું, ક્યારેક સખીઓ સાથે શેર પણ કરું. મરીઝ, અમૃત ઘાયલ, નિરંજન ભગત, રાજેન્દ્ર શુક્લ, ચિનુ મોદી, સુરેશ દલાલ, મનોજ ખડેરિયા, રમેશ પારેખ કે માધવ રામાનુજ જેવા અનેક કવિઓએ મને અદ્ર્શ્યપણે માંજી છે. ટૂંકમાં કવિતા એજ મારું સત્ય* "

  અનેક ઉત્તમ કવિઓ જે નાની હતી ત્યારથી ભીતરમાં ધામાં નાખીને બેઠેલા તેઓની કવિતાઓ સામે મને મારું કવિતાકાર્ય હંમેશા અસંતોષ આપે. મને મારી કવિતામાં હજુ ઘણું ખૂટતું લાગે. હું મને બહુ ઝાઝાં માર્ક્સ ન આપું. હજુ ખુબ વાંચવું, શીખવું અને મંજાવાનું બાકી. એક રક્ષા પીડાનું પોટલું તો એક રક્ષા એને હડસેલી બોલી ઉઠે કે-

  *‘પણે ઝૂલતા ગરમાળેથી ચપટી અમથું કેસર લઇ મુઠ્ઠીમાં ભરીએ,
  પંચાગે સુતેલા ફાગણ સાથે ફોરમ ફોરમ રમતા કરાર કરીએ.
  સૂરજના કિરણો પર તારી આંગળિયેથી સરતી શીતળ રાત ચીતરીએ,
  ખટ્ટમીઠ્ઠી કેરીના સ્વાદે આવ, સરીને સાકર લઈને પાછા ફરીએ.

  માટીમાંથી ઠીબ બની પથરાળા જળને ચાલ, રીઝવીએ,’
  આવ, ઉનાળો હવે ઊજવીએ.’

  એક રક્ષા થીજી ગયેલા ઝળઝળિયાં તો એક રક્ષા ખળખળ વહેતું ઝરણું.-

  *‘એક પીછું છાતીમાં મૂકું અને,
  તે પછીના ઘાવ કારી નીકળે.’

  એક રક્ષા લખે, એક એને જોયા કરે ને જરૂર પડે ત્યારે દોડીને શબ્દોનો વૈભવ ખુલ્લો મૂકી...એને આગોશમાં લે. આમ હું ‘નોટ વેલ’ હોઉં ત્યારે કવિતા મારી નોળવેલ હોય.
  લખવાના વિવિધ અનુભવો ખૂબ મજાના હોય. સર્જનાત્મક સ્તરે ભાષા કે રીતિનાં ઘણા પડકારો સામે આવે. વળી હું તો હજુ ઊગું છું. મનમાં હોય એ જ શબ્દોમાં ઊતરી આવે એવું ન પણ બને. ક્યારેક એક સર્જન થતું હોય ત્યારે કોઈ બીજો નવો ફણગો ફૂટી નીકળે અને નવું કલેવર આકાર લે. કોઈવાર એ સંવેદનને અલગ ટપકાવી લઉં ને પછીથી એહાથમાં લઉં. અગાઉ લખેલા સર્જનમાંથી ફરી પસાર થતા એમાં ક્યારેક નવીન પરિમાણો ઉમેરાય અને થોડું મઠારીને ફરી લખું. ત્યારે એની વળી એક જુદી જ મજા."

  સાયુજ્ય પરિવાર તરફથી રક્ષાબેનને અનેકાનેક શુભેચ્છાઓ શુભકામનાઓ અને આવનાર સમયમાં તેમના તરફથી સાહિત્ય સૃષ્ટિને વધુને વધુ સાહિત્ય તેમના દ્વારા પ્રદાન થાય તેવી પ્રભુને પ્રાર્થના

  રક્ષાબેનને પોતાને ગમતી કેટલીક અપ્રતિમ રચનાઓ

  *‘કિરણોની ટોળીએ આવી ફળિયે ધરાર ધામા નાખ્યા. દરિયા તડકે મૂકી ધીંગા ચોમાસા મેં ચપટીક ચાખ્યાં.

  અવસર માની ઝળઝળિયામાં જ્યાં જમણો અંગૂઠો બોળ્યો,
  કંકુ પગલાં પ્હેરી રણમાં હાથલિયો હોંશેથી કોળ્યો.
  લીમડાની સળિયુંથી તૂરો તડકો તાસળિયુંમાં ઘોળ્યો,
  કેસરિયા સાફાએ મારી ગાગરડીમાં પલાશ ઢોળ્યો.

  દ્વાર પછીથી મનની દ્વારિકાના મેં નાં કદીય વાખ્યા.
  કિરણોની ટોળીએ આવી ફળિયે ધરાર ધામાં નાખ્યા.’

  રમેશ પારેખ અતિ વ્હાલા અને લાડકા કવિ.

  ‘ને લખાયું-

  *‘છ અક્ષરનુ નામ તો ય તું અઢી અક્ષરે મ્હાલે.
  લીલા પાને પછી સોગઠાં સોનલવર્ણા ફાલે.
  'તીર્થ નથી માણસથી મોટું' એમ કહી મસ્તીથી મોહી તું તો ઉપર ચાલ્યો,
  અમે પછી ઈશ્વરને પૂછ્યું માણસનુ સરનામું ત્યાં તો એણે તને જ ઝાલ્યો.
  કુંવારી છોકરિયુંની છાતીમાં ઊગતું રેતીનું તું ઝાડ ઊંચકી ફાલ્યો,
  કદીક તું જ તને ગમવા માંડ્યો 'ને વરસી ધોધમાર પોતે ટીંપામાં મ્હાલ્યો.
  રંભા 'ને સરલાની પીડા તું જ હાથમાં ઝાલે.
  છ અક્ષરનુ નામ તો ય તું અઢી અક્ષરે મ્હાલે.’

  સ્ત્રી છું તો સ્ત્રીની સંવેદનાની પણ ઘણી કવિતાઓ લખાઈ.

  ‘વાસણ-કપડાં, કચરાં-પોતા, એજ નથી અધ્યાસ,
  ઓફીસ-ધંધો, સાહસ-સત્તા, બદલીશું ઈતિહાસ.

  કોબીજ-બોબીજ લઉં 'ને કિચનમાં હું બધું સંભાળું,
  એ જ ત્વરાથી નેટ ઉપર ફોલ્ડરનું ખોલું તાળું.
  દીવો ઉંબર પર મૂકું, ભીતર ભળતું અજવાળું,
  નરસિંહ-મીરાં, મુનશી મારા દરવાજે હું ભાળું.

  એ સૌના હોવાથી મારું હોવું ખાસમખાસ,
  વાસણ-કપડાં, કચરાં-પોતા, એજ નથી અધ્યાસ.’
  નિયતિ સામેના ઝગડા તો ખુબ ચાલે.

  *‘એક કોલમ જેટલા સુખનો ગુનો કીધો અમે,
  તે ચડાવી રોજ છાપે, આટલી દાદાગીરી !

  કેટલા વૈશાખ વેઠ્યા, નિર્જળાનાં નામ પર,
  શ્રાવણે ટીપાં ય માપે, આટલી દાદાગીરી !’

  * ‘હું પ્રવેશી સૂર્યમાં, પાછી ફરી અંધાર લઈ.
  લ્યો, ઊભી છું આભનો આ એકધારો ભાર લઈ.’

  કવિતા, ગીત, કે ગઝલ જડી આવવાના કારણમાં સંવેદનશીલતા અને એની આસપાસ ફરતું વિચારવલોણું ..વિચારોની સતત કનડગત હોય શકે. કોઈ નાની ઘટના પણ બને તો એના પ્રત્યાઘાત તો હોવાના જ. કૉલેજકાળમાં જ પ્રથમ કવિતા ઊગેલી ને લખાયું-

  *’શમણાને ઉગી છે પાંખ, આલ્લેલે,
  શમણું તો ભઈ, ભારે.’

  પછી આગળ કંઈ ન લખાયું. એવું કોઈ આયાસ પણ નહોતો કર્યો. પણ આ ‘આલ્લે લે’ રદીફ લઈને મારું ગીત ભીતર પછી ફૂટ્યું ખરું !-

  *‘તારા રસ્તે મારો રસ્તો મળી ગયો છે, આલ્લે લે !
  ગરમાળો ગુલમ્હોર ઉપર જો ઢળી ગયો છે, આલ્લે લે !

  પીળચટા 'ને રતુંમડા ફૂલો પૂછે છે, 'આવે છે?'
  પાંખડીઓને પકડી હું નાચું 'ને બોલું, 'ફાવે છે'
  ગાલાવેલો જીવ અમારો લળી ગયો છે, આલ્લે લે !
  તારા રસ્તે મારો રસ્તો મળી ગયો છે, આલ્લે લે!’

  રક્ષાબેન


  હરીશ શાહ
  22 12 2018
  વડોદરા
 • Home