સંજુ વાળા  


સંજુ વાળા


  Sanju wala Audio :


  1.mp3 2.mp3 3.mp3 4.mp3 5.mp3 6.mp3 7.mp3 8.mp3 9.mp3 10.mp3

  સંજુ વાળા નો પરિચય


  *આદરણીય સાયુજ્ય મિત્રો* ,

  સાર્થક સાયુજ્ય ગ્રુપના, અનંત પ્રતિભાસભર આપણા સાયુજ્ય મિત્રો અને તેમની પ્રતિભાને સૌ સુધી પહોંચાડવાનો આ પ્રયાસ આપ સૌના મોટિવેશનથી ચાલુ રહેશે એવી મને આશા છે , છેલ્લા થોડા દિવસોથી આપણે આજ ઉપક્રમમાં કેટલાક સ્વરકારો અને સંગીતકારો વિશે વાત કરી આજે સાહિત્ય તરફ પ્રયાણ કરીએ,

  પરિચય ગાથા ના આ પરિસરમાં આજ નો પરિચય એક એવા વ્યક્તિત્વથી કે જેનું નામ ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ સચોટ અને ધારદાર છે જેમના સર્જન અને વિવેચન ગુજરાતી સાહિત્ય માટે milestone ગણાય છે જેમને ભાષા માટે એટલો પ્રેમ છે કે તેઓ પોતાના કરતાં વધારે ભાષાને પ્રેમ કરે છે અને તે છે આપણા સાયુજ્ય ના માનવંતા ગૌરવવંતા સાહિત્યકાર શ્રી સંજુ વાળા

  ગુજરાતી સાહિત્યમાં અનેકાનેક સાહિત્યકારોએ સમયાંતરે ગુજરાતી ભાષાને એક ગરિમા સભર ઊંચાઈ પ્રદાન કરેલી છે વર્ષોથી અનેક પ્રકારે સાહિત્યના પ્રકાર ગુજરાતી ભાષામાં થાય છે અને આ જ અનુસંધાનમાં ગદ્ય, પદ્ય, આત્મકથા ,વિવેચન, પ્રવાસ વર્ણન ,નિબંધ અને અનેક પ્રકારે સાહિત્યના રૂપ પ્રગટ થતા હોય છે , આજ પરંપરામાં હાલના સાહિત્યકારોમાં એક ગૌરવવંતુ નામ સંજુભાઈ વાળાનું પણ છે

  મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બઢડા ગામ માં 11 જુલાઈ 1960માં જન્મેલા શ્રી સંજુભાઈ, શિક્ષણ પછી ગવર્મેન્ટ ના રેવન્યુ ખાતામાં જોડાયા આમ તો નાનપણથી જ કલાનો જીવ હોઇ સંગીત અને ચિત્રકલામાં પણ રસ ધરાવતા હતા પણ હ્દયથી તે સાહિત્યનો જીવ , અને તેથી જ સાહિત્યક્ષેત્રે કંઈક કરી છૂટવાની ખેવનાથી સાહિત્યની સફર આરંભ કરી તેઓએ કેટકેટલાય સાહિત્ય પ્રદાન કર્યા

  જેમાં મુખ્યત્વે તેમણે લખેલા મુખ્ય દસ પુસ્તકો જે ગુજરાતી સાહિત્યમાં આધુનિક સ્તરે ખૂબ ઊંચી કક્ષામાં નામ ધરાવે છે સૌ પ્રથમ પુસ્તક કંઈક/ કશુક /અથવાતો 1990 માં પ્રકાશિત થયું અને ત્યાર પછી આજ દિન સુધી તે સિલસિલો ચાલુ જ છે તે અતિક્રમી તે ગઝલ કિન્શુકલય રાગાધિનામ કિલ્લેબંધી ઘર સામે સરોવર કવિતાચયન યાદો નો રાજ્યાભિષેક મનપાંચમના મેળામાં કવિતા નામે સંજીવની

  વણથંભી પુસ્તક લેખન અને પ્રકાશનની પ્રવૃત્તિ, સંજુભાઇના સ્વભાવની વૃત્તિ બની ગઈ,
  કંઈક કરી છૂટવાની અને સાહિત્ય ક્ષેત્રે એક ઝળહળતી પ્રતિભા, ગુજરાતી ભાષામાં તેમની રચનાઓ ખરેખર અવિસ્મરણીય બની ગઈ , કેટકેટલાય awards એમને મળ્યાં,

  ડોક્ટર જયંત પાઠક એવોર્ડ, કંઈક/ કશુક /અથવા તો શ્રી શયદા એવોર્ડ આઈ.એન.ટી દ્વારા પ્રાપ્ત કર્યો આર વી પાઠક, નાનાલાલ કવિતા પારિતોષિક ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા ભાનુપ્રસાદ પંડ્યા એવોર્ડ ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા શ્રી મનુભાઈ પંચોળી દર્શક એવોર્ડ અને રતિલાલ બોરીસાગર સંસ્કૃતિ એવોર્ડ પરી સંસ્થાન દ્વારા મળ્યો કવિ શ્રી રમેશ પારેખ અસ્મિતા ફાઉન્ડેશન તરફથી સન્માન પ્રાપ્ત કર્યું શ્રી હરીન્દ્ર દવે એવોર્ડ હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ મુંબઈ તરફથી સન્માન પ્રાપ્ત કર્યું

  આ સિવાય અનેક પારિતોષિકો પ્રાપ્ત કર્યા . તે ઉપરાંત સાહિત્યક્ષેત્રે વાલી ગુજરાત ગઝલ કેન્દ્ર ના મેમ્બર ગુજરાતી સાહિત્ય પરિષદના ભૂતપૂર્વ મેમ્બર વ્યંજના ઓર્ગેનાઇઝેશનના પ્રેસિડેન્ટ હતા અન્ય યોગદાનો માં કાવ્યાનુભૂતિ અને વિવેચન અને અનેક નામાંકિત સામાયિકોમાં પોતાના સર્જન લખ્યા , ઘણા બધા કાવ્યાનુભૂતિ ના અર્થસંસ્કાર અને વિવેચન વિશે અનેક જગ્યાએ વાતો કરી, દુરદર્શનમાં અને અનેક કવિ સંમેલન અનેક કાવ્ય પઠન ગુજરાત અને અન્ય રાજ્યોમાં કર્યા, ઘણી બધી રીતે ઈ-મેગેઝીન માં અને વેબ સાઇટ્સ ઉપર પણ વર્ષોથી તેમના પ્રકાશનો પબ્લિશ થયા

  આવો માણીએ આજે આવા અદકેરા અદભુત અનન્ય સાહિત્યકાર શ્રી સંજુભાઈ વાળાના અદભુત સર્જન , અને તેમાંથી નીવડેલા યાદગાર અમર થયેલા કેટલાક ચૂંટેલા શેર રજુ કરું છું પરમ પૂજ્ય મોરારિબાપુના હસ્તે પણ શ્રી સંજુ વાળા ને અનન્ય પુરસ્કાર ,સાહિત્ય યોગદાન માટે મળેલ છે શ્રી સંજુ વાળા તેમની અસરકારક ભાષા અને તળપદી સન્નિવેશ થી ઉપર્યુક્ત અનેક પ્રકારની અમર રચનાઓ તેમણે કરેલી છે, અછંદાસ કવિતાની અનેરી ભાત પાડનાર શ્રી સંજુ વાળા ગુજરાતી ભાષા માટે સ્પષ્ટ વક્તવ્ય ધરાવતા સાહિત્યકાર છે . આવો જાણીએ તેમની અનન્ય સિદ્ધિઓ સાહિત્યક્ષેત્રે એમનું યોગદાન અને ભાષા અંગે તેમના વિચારો

  "હું એવું સ્પષ્ટ સમજું છું કે જ્યાં સુધી પરંપરાને પૂરેપૂરી જાણો નહીં ત્યાં સુધી આપણે એના વિશેની ધારણાઓ જ કરતા હોઇએ છીએ અથવા એની અવગણના. પણ પરંપરા એ કોઈપણ કળાની રગોમાં વહેતું જીવાતુભૂત તત્ત્વ છે. પણ જયારે તમે સાંપ્રત કળાઓની વાત કરતા હો ત્યારે એ પરંપરા તમારી પોષક જરૂર બને પરંતુ એ પોતે જ પોષણ બની જાય તો તમે માત્ર અનુકરણ કરી શકનાર સાબિત થાવ. તમારા પોતાની તમને હજુ ખબર જ નથી એમ ગણાય. સમયાનુસાર દરેક કળાઓ નવોન્મેષ ધારણ કરતી જ હોય છે. સાંપ્રત સાથે રહેવું એ કળાની નિજી જરૂરિયાત છે.

  આજના સાહિત્યની વાત કરીએ તો ખરેખર જે સાહિત્ય છે તે એ સમજે જ છે અને એની સતત એ મથામણ છે" ગુજરાતી ભાષાના ગૌરવ સમા શ્રી સંજુ ભાઈ બીજી બધી રીતે ભાષાને પ્રાધાન્ય આપે છે. તેમના મુજબ ભાષાના બંધારણ જેટલા અગત્યના છે તેટલા જ અગત્યના છે સર્જનથી નીકળતા તેમાંના ભાવ સહ અર્થ,

  કવિશ્રી સંજુ વાળાની ગઝલોમાંથી થોડા ઉત્તમ શેર આનંદો મિત્રો.

  પવનની ઉદાસી જ દરિયો બની ગઈ
  પડ્યો છે સમેટાઇને સઢ યથાવત

  તારે કારણ હે નરસિંહ વૈશ્ર્ણવજન આખું સોરઠ

  ના કોઈપણ રંગો મને એની પ્રતીતિ દઈ શક્યા
  એ મુખડું રમણીય ભીનેવાન ક્યાંથી લાવીએ ?

  મારી દરેક રાત સળગે સોડિયમ પ્રકાશથી
  ને ભગ્ન જાળિયામાં એક્ દીવો બળે સમાંતરે

  કુહાડાનો હાથો બની નમણી શાખે
  અરે આખા જંગલને પડકાર ફેંક્યો

  હું મોરપિચ્છનું કરું કેવી રીતે પૃથ્થક્કરણ ?
  પ્રત્યેક રંગ આંખથી ટહુકા બનીને નીતરે

  પ્રવાહી એકદમ થીજી ગયું તો આંખ થઈ
  કદી આંખો પ્રવાહીમાં ફરી પલટાઈ ગઈ

  હો પાંખની પ્રતીતિ ને આભ માટે ઝંખા
  હું શોધવાને આવ્યો છું પંખી એ અનૂઠા

  ખરેખર વ્યક્ત થાવું એજ તો અજવાળું છે સાહેબ
  મજા પડવી ના પડવી તો રૂપાળા જાદું છે સાહેબ

  હમણા સમાપન થાશે સત્ર ક્રાંઉ ક્રાંઉનું પણ
  આ ચકલીઓ પજવશે ચક ચક કરી કરીને

  શાં માટે એક કવિતામાં આ અર્થ અર્થની બૂમ ?
  કોને ના સમજાતાં જુદા ચીસ અને કલશોર !

  સૌથી અલગ રીતે અહિંસક થઈ જવું સ્વીકારીએ
  તો રોજ ઊઠીને વધેલા નખ વધેરી નાખવા

  સંભવ છે એ જગાએ મેળો ભરાય કાલે
  નિર્મમપણે જ્યાં આજે ખેલાયું હલ્દીઘાટી

  અંદરના ઊભરાની અંગત કરી ઉજાણી
  લંબાવી હાથ જાતે, જાતે જ દીધી તાળી

  મેં ચીંધ્યું 'ને તેં ભાળ્યું તે બન્નેના કોઈ વચગાળામાં
  સ્હેજ ઝબૂકતું ચાંદરણું છે હોવા ના હોવાની ઘટના

  શહેરી બત્તીઓનું ટોળું તેજના દરબારમાં
  જઈ પહોંચ્યું તો દીવાની ધારણા તૂટી પડી

  વૃક્ષોના કાનમાં જે પવન મંત્ર ફૂંકતો
  એના વિશે અજ્ઞાત સૌ પંડિત છે સાહેબ

  તેં તગઝ્ઝુલમાં જરા પરફ્યુમની મસ્તી ઉડાડી
  તો તરન્નુમમાં અમે લોબાન જેવી ઘ્રાણ મૂકી

  ગઝલ અમારે હાર હેમનો
  નરસિંહ માફક દે દામોદર

  કાળ ! હે મોંઘા અતિથિ ! તારો દરજ્જો જાણું છું
  આવ ! સત્કારું તને હું કાળી જાજમ પાથરી

  સત્ય એકજ હજાર વચ્ચે
  રાખ છે તું સિગાર વચ્ચે

  હજુપણ છે મશગુલ ચર્ચામાં સંતો
  અમે પ્રશ્ન એવો ધૂંઆંધાર ફેંકયો

  ઈશ્ર્વર તું હો તો તારી ભાષા બોલ, લખ
  મેં ગુર્જરી બોલી અને ગુર્જરી લખી

  ગરવી ગઝલના જાણે બે રસછલકતા મિસરા
  પહેલો તે સંજુ વાળા, બીજો ય સંજુ વાળા

  ઈચ્છાના કાચઘરમાં એ કેદ થાય અંતે
  માણસનું નામ બીજું રંગીન માછલી છે

  સાયુજ્ય ગ્રુપ તરફથી શ્રી સંજુભાઈ વાળાને અનેકાનેક શુભેચ્છા અને આજ રીતે એમના સર્જનો નો લાભ સૌને મળતો રહે અને તેમની સમજ દ્વારા અનેક કવિતાઓ ખુલતી રહે તે જ અભ્યર્થના

  હરીશ શાહ
  22 12 2018
  વડોદરા
 • Home