સ્નેહલ જોષી  


સ્નેહલ જોષી


  Snehal Joshi Audio :


  1.mp3

  Snehal Joshi Video :


  Snehal Joshi Video

  સ્નેહલ જોષી નો પરિચય


  *આદરણીય સાયુજ્ય મિત્રો* ,


  *મારી હયાતી પ્રશ્ન બની ગઈ છે કોઈનો,*
  *માણસ ઘણીયે રીતે કરજદાર થઈ શકે.*

  વૃક્ષ ઉપર ફળ આવે અને ડાળી ઝૂકી જાય તેવું જ્યારે માણસમાં થાય તો તેને નમ્રતા કહેવાય ,
  માણસની અંદર રહેલી પરિપક્વતા અને સમાજમાં રહેલી તેની ગરિમા, આ બંને વચ્ચેનો સેતુ એટલે જ નમ્ર વ્યવહાર ! ( Humble Attitude )
  આજે એમની વાત કરીશું, તેમનામાં પરિપક્વતા છે, સાહિત્યથી તેમની ગરિમા છે અને જેમ જણાવ્યું તેમ, તેમનો વ્યવહાર પણ એટલો જ નમ્ર છે

  કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી અને કવિ શ્રી બોટાદકરની પદ રજ જ્યાં હોય તે ભૂમિમાં બાળપણ અને તરૂણાવસ્થા વિતાવી હોય, તેવા કવિનો પરિચય કરીએ.

  *થોડા ભૂતકાળમાં જઈએ અને આ પ્રસંગને જોઈ સાંભળી, વિચારીએ કે કયા કવિની આ વાત થઈ રહી છે*
  *સાહિત્ય સભાના એક મંચ ભરાયો છે અને તેમાં આજના આ કવિ જેમનો પરિચય કરવા જઈ રહ્યા છીએ, તેઓ ત્યાં ઉપસ્થિત હતા* .

  કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી અને કવિ શ્રી બોટાદકરની પદ રજ જ્યાં હજુ સાંપડી આવે. સાત સમુદ્ર પાર પણ જો માતૃવંદના થતી હોય, તો કોઈ ગુજરાતીના હોઠે સહજ સરી પડે, જનનીની જોડ સખી નહી જડે રે લોલ..!
  અને શ્રી મેઘાણીની શાહીમાંથી આલેખાતી મરદ મૂછાળાની વાતો હોય કે રસધારની ખમીરવંતી વાતો હોય કે ડાલામથ્થા સાવજ સામે ડાંગ લઈને દોડી આવતી 'ચારણ કન્યા' હોય. કે કવિ શ્રી પાલના શબ્દોની સોગાત હોય.. વહેલી સવારે સ્વાધ્યાય હોલના 'મંચ' અને 'માઈક્રોફોન' વચ્ચે ઝઘડો થયો.

  *મંચ* "આમ જુઓ તો પ્રેમ, પુષ્પને ચંદન છે, આમ જુઓ તો નૂતન વર્ષાભિનંદન છે" પોસ્ટ કાર્ડના જમાનામાં જન્મેલી આ પંક્તિઓ છે. તારી પાસે છે કોઈ આવી વાત?
  *માઈક્રોફોન* : "તારાથી મેં દિવાળી ભલે ઓછી ભાળી, પણ ફટાકડા વધારે મેં ફોડ્યા છે. મારી પાસે પણ સરસ પંક્તિ છે. તું પણ શું મને યાદ કરીશ. સાંભળ ત્યારે."

  "તમે વાંસળીને વગાડીને ગયા છો, સૂતી એક મીરાંને જગાડી ગયા છો..!"

  *મંચ* : "મારી પાસે પણ એક ટીપટોપ વાત છે, પુસ્તક ' *સૂર્યનો સંદર્ભ* ' , અને તે મારા ખોળામાં જ ઉછરેલું, પાંગરેલું અને ભાખડભર્યું દોડતું-દોડતું વિરાટ ફલાંગો ભરતું થયેલું.
  આજથી વીસ વર્ષ પહેલાં અહીં "મેઘાણી સાહિત્ય વર્તુળ" નામે સાહિત્ય ગોઠડીમાં એ કવિ અહીં બેસતાં.

  *તેમને મૂછનો દોરો અને કવિતાનો ફણગો સાથે ફૂટેલાં* .

  એટલે હું કહું છે કે સાહિત્યસર્જક માટે મારા જેવાં મંચનું મોટું પ્રદાન હોય છે..!"
  *માઈક્રોફોન* : "અને મારું? મારું યોગદાન? હું તારાથી કંઈ વધારે નથી તો કંઈ કમ પણ નથી. મારી સામે કેટલીય વખત આ કવિએ પોતાની ગઝલ રજૂ કરી સભામાંથી દાદ મેળવી છે. મને પણ તેમની એક ગઝલ ગમે છે.."

  "છે, આ ગઝલ તો કાનમાં કહેવાની ચીજ છે,
  ને એય પાછી સાનમાં કહેવાની ચીજ છે."

  *મંચ* : "મને તો ઉમાશંકર જોશીએ કહેલા શબ્દો યાદ આવે છે.. કવિતા એ માનવ જાતિની માતૃભાષા છે." તો કવિ ઉદયન ઠક્કર તો ઉમાશંકરથી પણ આગળ વધીને કહે છે,
  "કવિતા કરે છે પંખીઓ, તો પણ કવિ ક્યાં છે ?
  ટહુકાઓ નીચે નામ, સરનામું, સહી ક્યાં છે ?!"

  કવિઓ તો લોકબોલીના રોજબરોજના શબ્દોને પોલિશ કરીને આપણી સામે હીરા બનાવીને મૂકે છે. તેની ઝગમગ આપણને જરૂર આંજે છે."

  *માઈક્રોફોન* : "અરે હા, આ વિશે તો એ કવિએ એક ઉદાહરણ પણ આપેલું કે,

  "ચકલીની ચાંચમાં ઊગ્યો સૂરજ,
  અને આખુંય ગામ આખું થયું બેઠું !"

  આ શબ્દોથી આપણે બધાં પરિચિત છીએ છતાં કવિઓ શબ્દોને ગાળીને, ચાળીને અર્થ સભર બનાવી પ્રસ્તુત કરે છે. કવિતાની કેડીએ આજે તો બધાયને આ કવિ દોરી ગયા. સાચે જ મજા આવી રહી હતી. કેમ ખરું ને.?!"

  *મંચ* : "હા હો આજે તો રવીન્દ્રનાથથી માંડીને સાત સમુદ્ર પારના સર્જકો પણ અહીં આવી ગયાં. કવિ ટાગોર કહે છે :
  "અમે કવિઓ છીએ, અમે સૌંદર્યના સંદેશવાહક છીએ" તો, કવિ આદિલ મન્સૂરી પણ સમયને થંભાવતા કહે છે કે :
  "સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઈને આદિલ,
  જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે !"
  સાચે જ કવિઓ તો પથ્થરને પણ શિલ્પ બનાવવાની તાકાત ધરાવે છે...
  "પડ્યું પાનું નિભાવી જાણું છું,
  જખમ દિલમાં સમાવી જાણું છું,
  લોક ગણે છે જેને ફક્ત પથ્થર,
  શિલ્પ એનું બનાવી જાણું છું."

  *માઈક્રોફોન* : "અને આ કવિએ કરેલી પેલી જર્મન કવિ ગેટેની વાત કેટલી ધારદાર હતી?"
  *મંચ* "તને યાદ છે; આ એ જ જર્મન કવિ ગેટે કે જે કવિ કાલિદાસના અભિજ્ઞાનશાકુંતલને માથે મૂકીને નાચ્યા હતા?"
  *માઈક્રોફોન* : "હા, હા યાદ છે ને..! એ વિરલ ઘટના કેમ ભુલાય?
  કવિ ગેટે કહે છે: "મેં ગીતો નથી રચ્યાં પણ ગીતોએ મને રચ્યો છે."
  *મંચ* : અને પછી કવિતાની કેડીએ નવીનતમ સફર કરાવતા આ કવિએ કહ્યું કે, "કલાકાર હોવું એ જીવનનું મહત્ત સદભાગ્ય છે. કવિતા એ કોઈને આંજી દેવા માટે નથી પરંતુ હૃદયના આંનદ માટે છે. કવિ બનાવવાના કારખાના ન હોય પરંતુ કાર્યશાળા કે પાઠશાળા જરૂર હોય છે."
  *માઈક્રોફોન* : "અને કવિતાની કેડીએ છેલ્લી વાતો પણ રસપ્રદ રહી, દલપતરામ કહે છે કે "વ્યાકરણ વિના કવિતાનું સર્જન કરે તો તે હાસ્યાસ્પદ બને છે. માટે દરેક કાવ્યપ્રકારોમાં ખેડાણ કરતા કવિઓએ પિંગળશાસ્ત્ર ભણવું જોઈએ. અને જો આ પ્રમાણે અભ્યાસ કરવામાં આવે તો કવિ માટે કોઈ સીમાડા સર્જાતા નથી. સૈફ પાલનપુરીએ લખ્યું છે,

  "જગતના માનવી માટે જગતના સૌ સીમાડા છે,
  કવિ છું, મારા માટે તો બધાં રસ્તા ઉઘાડાં છે."
  (સૌજન્ય : નરેન્દ્ર જોશી - સંજોગ ન્યૂઝ, બોટાદ )

  જી હાં આપણે વાત કરી રહ્યા છીએ આજના યુવા ગઝલકાર, કવિની.............

  *શ્રી ડો. સ્નેહલ જોષી*

  એમ.એ પી.એચ.ડી થયેલા અને હાલમાં પોરબંદરની કે.એચ. માધવાણી કોલેજમાં પ્રોફેસર તરીકે કાર્યરત શ્રી સ્નેહલ જોષી ગુજરાતી ભાષાના ઉત્તમ ગઝલકાર અને કવિ છે.
  ગુજરાતી ભાષાને જેમના પર ગર્વ થાય તેવા શ્રી સ્નેહલ જોષી અત્યંત સંવેદનશીલ રચનાઓ, વિચારશીલ ગઝલ અને રચનાત્મક-વિવેચનાત્મક ગદ્ય-પદ્યના સર્જક છે અને તે તેમની વિશેષતા છે.

  મૂળ બોટાદના અને જન્મસ્થળ મુળી, જિલ્લો સુરેન્દ્રનગર. જન્મતારીખ 5/ 10/ 1976.જેઓએ એમ.એ પીએચ.ડી. સંસ્કૃત વિષય સાથે કર્યું. ભારતમાં સૌપ્રથમ સંસ્કૃત ભાષામાં લખાતી ગઝલ ઉપર તેઓએ પીએચ.ડી.નું સંશોધન કાર્ય કર્યું. ભારતીય પ્રાંતીય ભાષા લખાતી ગઝલોનો પણ ઊંડો અભ્યાસ કર્યો. જેઓનું બાળપણ ચોટીલામાં વીત્યું અને કિશોરાવસ્થા સુધી ચોટીલામાં અને ચોટીલાથી બોટાદ સ્થળાંતર થયું અને ત્યારથી જ એટલે કે ધોરણ ૧૦થી જ કવિતા લખવાનો પ્રારંભ થયો આગળ જતા લઘુકથા અને નવલિકાઓ પણ લખી, અનેક સામયિકોમાં છપાઈ. બાળપણમાં પિતાજી શ્રી પન્નાલાલ પટેલ વગેરે લેખકોની નવલકથાઓ વાંચી સંભળાવતા, એનો પ્રભાવ હશે.
  કોલેજકાળ દરમિયાન બોટાદમાં ગઝલ પર વધારે ધ્યાન કેન્દ્રિત થયું અને તે દિવસોમાં નવોદિતોને પ્રોત્સાહિત કરતા સામયિકોમાં તેમની રચનાઓ પ્રકાશિત થવા લાગી.
  એ સમય દરમ્યાન કવિ સમ્મેલનોમાં ભાગ લેવાની શરૂઆત પણ થવા લાગી અને કવિસંમેલન- મુશાયરા વગેરેના સંચાલન પણ કર્યા.

  *તેમની રચનાઓ અનેક પ્રસિદ્ધ સામયિકોમાં પ્રસિદ્ધ થતી રહી આકાશવાણી રાજકોટ, દૂર દર્શન અમદાવાદમાં કાર્યક્રમો પ્રસારિત થયા*

  કોલેજમાં અધ્યાપનનો વિષય સંસ્કૃત હોવાને કારણે પીએચ.ડી.નું સંશોધન કાર્ય પણ સંસ્કૃત ભાષામાં લખાતી ગઝલો ઉપર થયું.
  સોએક વર્ષ પૂર્વેથી સંસ્કૃત ભાષામાં લખાતી આવતી ગઝલ માટે, આ પ્રકારનું કાર્ય સમગ્ર ભારતવર્ષમાં પ્રથમ વાર થયુ.

  ગુર્જર પ્રકાશન અમદાવાદ દ્વારા 2012ની સાલમાં તે સંશોધનકાર્યનું પ્રકાશન થયું.

  *અને સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા તે વર્ષનું પ્રથમ પારિતોષિક પણ આ ગ્રંથને એનાયત થયું.*
  *જયપુર સ્થિત મથુરાનાથ શાસ્ત્રીજીએ સૌપ્રથમ સંસ્કૃત ભાષામાં ગઝલોનું સર્જન કર્યું અને એ સંસ્કૃત ભાષાની ગઝલગંગાના ભગીરથ ગણાયા*
  ગુજરાતીમાં જેમ બાલાશંકર કંથારિયા છે તેમ. પ્રાંતીય ભાષા જેવી કે મરાઠી, સિંધી, તમિલ ભાષામાં લખાતી ગઝલોનો પણ ઊંડાણથી અભ્યાસ કર્યો.
  સમકાલીન સાહિત્ય માટે કવિનો અવાજ સાંભળવા જેવો છે,

  "સાંપ્રત ગુજરાતી સાહિત્યમાં નવી કલમો દ્વારા થતા વિશિષ્ટ સર્જનો ખૂબ પ્રસન્ન કરે છે અને એ સર્જનો માત્ર વિશિષ્ટ જ નહીં, પરંતુ ઉત્કૃષ્ટ થઈ રહ્યા છે જે સાહિત્યની આવનારી કાલ માટે ઉપલબ્ધિ સાબિત થવાના છે."

  રમેશ પારેખ,મનોહર ત્રિવેદી,રાજેન્દ્ર શુક્લ, વિનોદ જોશી જેવા મૂર્ધન્ય કવિઓની ઉપસ્થિતિમાં સંચાલન કરવાની તક મળે એને પોતાની સાહિત્યસફરની ધન્યતા આ કવિ લેખે છે.
  ગઝલ સિવાય ગીતો, સોનેટ્સ અને અછાંદસનું પણ સર્જન કર્યું છે. 'સોનેટગઝલ' જેવા સંસ્કૃત છંદો આધારિત પ્રયોગો પણ કર્યા છે.

  *2010માં "સૂર્યનો સંદર્ભ" નામે ગઝલસંગ્રહનું પ્રકાશન થયું.*

  આકાશવાણી, રાજકોટ માટે વડીલમિત્ર પ્રિય ભરતભાઈ પટેલે કેટલાંક કાવ્યાસ્વાદો લખાવ્યા, એ નિમિત્તે એ દિશામાં ફરી વખત પણ કામ કરવાનું થયું. સ્કૂલ - કોલેજના વિદ્યાર્થીઓને કાવ્યલેખન તાલીમ આપવાનું કાર્ય પણ વર્ષોથી નિરંતર શરૂ છે. મરીઝ, ઘાયલ, વિનોદ જોશી, રમેશ પારેખ જેવા સર્જકોનો લેખનકાળના પ્રારંભમાં પ્રભાવ રહ્યો.
  તેમને ગમતા પ્રિય ભારતીય લેખકો રવીન્દ્રનાથ ટાગોર, ગિરીશ કારનાડ અને મહાશ્વેતા દેવી તથા ત્રણ વિદેશી સર્જકો આલ્બેર કામૂ , ફ્રાન્ઝ કાફકા અને સઆદત હસન મંટો છે.
  પોતે માને છે કે, "કાવ્યસર્જન વેળાએ અંતરનું ઘાઢ તિમિર પ્રવાહી થઈને બહાર આવી રહ્યું છે અને અંદર પ્રવેશી રહ્યું છે તે અજવાળું !" જેઓના ગઝલસંગ્રહ "સૂર્યનો સંદર્ભ"ના આ રસમંડિત મિસરા ઉપર્યુક્ત બયાનની પ્રતીતિ કરાવે છે. જુઓ,

  *તમારા ખુદના અજવાળાંની રાખો સ્હેજ સીમાઓ*
  *હંમેશાં સૂર્ય સળગે છે અને પ્રગટે છે દીવાઓ !*

  તો ખુમારીપૂર્વક આ કવિ એમ પણ કહી દે,

  *અમારી આંખમાં વિદ્રોહની તાકાત, છે તો છે.*
  *સળગતા સૂર્ય જેવો ચિત્તમાં જઝબાત, છે તો છે*

  સૂર્યનો માત્ર સંદર્ભ લઈ અજવાળું પ્રાપ્ત કરવા મથતી આ કવિની કવિતાઓ પૂરા સંયમથી કંઈક આ રીતે પ્રગટતી રહે છે :

  *"સૂર્યનો સંદર્ભ લઈને આંખમાં આવી ન પડ,*
  *રાતને ભોગવ પ્રથમ ને આગ ભડકાવી ન પડ."*

  આવા પ્રભાવશાળી, પ્રતિભાવાન અને જેઓની કલમમાં શબ્દોનું અનેરું સામર્થ્ય ભર્યું છે એવા આપણા આ કવિ ગુજરાતી કવિતાક્ષેત્રે વધુ અને વધુ ઉજ્જવળ લેખન પ્રદાન કરે તે જ આશા અને અભ્યર્થના.
  હરીશ શાહ, વડોદરા
  03.01.2019


  *પરમ શાંતિ*

  અચાનક
  આવી ચડ્યો છું પતંગિયાંની જેમ
  પરમ શાંતિના પરિસરમાં
  કૂદાકૂદ કરતો હું.
  ચાલું છું...દોડું છું...જાણે ઊડું છું !
  પડું છું...
  અને ચિત્કારું છું મોટેથી.
  "કોણ છે આ બાળક.....?
  લઈ જાઓ એને આ 'શાંતિખંડ'માંથી...."
  કોઈ મારો હાથ પકડવા આવે
  એ પહેલા...
  એણે મને પકડી લીધો છે !
  એ મારા કાનમાં મંત્રની માફક
  કશુંક કહી રહ્યા છે :
  વત્સ !
  ચિત્કાર...હજુ ચિત્કાર...હજુ મોટેથી...
  વરસોથી ઘેરાયેલી આ 'પરમશાંતિ'ને તોડી નાખ.
  તોડી નાખ મારા અંતરના આ ચિત્રવત શ્વાસને;
  મને જીવિત કર તારા શ્વાસમાં,
  મને સ્પંદિત કર તારા અવાજમાં,
  મને સંચલિત કર તારા લયમાં,
  મને હર્ષિત કર તારા સ્મિતમાં,
  મને વિસ્મિત કર...
  *-સ્નેહલ જોષી*

  *વિદાય ( નઝમ )*
  તારી આંખોમાં ઘડી બે ઘડી હું રોકાયો ,
  એમ લાગ્યું મને કે કોઈ સમન્દરમાં હતો.
  તારા આંસુઓ સાથે બહાર આવીને જાણ્યું-
  હું નિરંતર કદિ' ક્યાં તારા મુકદ્દરમાં હતો !

  તું હવે દૂર ખૂબ જ દૂર છે આ હૈયાંથી ,
  આ હકીકત કોઈ રીતે હું સ્વીકારી ન શકું.
  હું ફકત યાદ કરી લઉં છું મિલનની એ ક્ષણો ,
  પરંતુ એને ગઝલમાં હું ઉતારી ન શકું !

  રહે ન કોઈ સ્મરણ શેષ હવે મારું તને ,
  વિતેલી વાતને કાયમ તું ભૂલાવી દેજે.
  આ મારા પ્રેમને મૃત્યુનું કફન ઓઢાડી-
  હ્રદય ભારે કરી ને એને દફનાવી દેજે.

  તું નવું સ્વપ્ન સજાવી લેજે પાંપણ પર ,
  બધા અરમાન આંખ અંદર ધબકતા રાખી.
  જિંદગી પાસે હવે એ રીતે પ્રયાણ કર તું-
  સિતારા તારી ખુશીઓના ચમકતા રાખી !

  મેં લખેલી તમામ નઝમોથી છો મુક્ત હવે ,
  નથી કૈં સ્પર્શ હવે એને તારા જીવનનો.
  મેં નવું પુષ્પ ઉગાડી લીધું છે કાગળ પર-
  બને છે શ્વાસ હવે એ આ મારા ઉપવનનો.
  *- સ્નેહલ જોષી*

  *ગઝલ*
  ક્યારેક મૂકી દઉં છું ખુલ્લો, ક્યારેક હું પડદો રાખું છું;
  આ જીવ ઉતાવળમાં હમણાં હું આડો-અવળો રાખું છું.

  એ ખેંચે છે આકાશ તરફ, હું ધરતીને ના છોડી શકું;
  હું ખુદની સાથે કાયમ બસ આવો એક ઝઘડો રાખું છું !

  તું રાખ ગળામાં વીંટીને તારી આ તિલસ્મી માળાઓ,
  હું મારી ભીતર શ્રદ્ધાનો એક સુંદર મણકો રાખું છું !

  છો બ્હાર ગરીબી હોય અહીં, અંદરની અમીરી દેખ જરા;
  આ કમખો મેલો હોય ભલે પણ મનખો ઉજળો રાખું છું.

  ભરપુર ભરેલા જીવનમાં જીવનની અધૂરપ માણી છે,
  હું એમ જીવનમાં મારો હિસ્સો અડધો-પડધો રાખું છું
  *- સ્નેહલ જોષી*

  *કાળચક્ર*
  ( વસંતતિલકા - સૉનેટ )

  આ સૂર્યને પણ પડે ઢળવું અહોનિશ્ ,
  અસ્તાચળે ગતિ કરે નમણો સુધાંશુ.
  તત્ત્વો નિમિત્ત જગનાં અહિ છે બધાય,
  પ્રાણી તણાં ભ્રમણ નિશ્ચિત છે ચતુર્દિશ્ !

  આ સૃષ્ટિચક્ર ફરતું દિનરાત જાણે -
  કો' કાળની સ્વયમ હોય દિનાન્ત ચર્યા !
  એ કાળના કઠણ કોપ થકી મનુષ્યો,
  પામી રહ્યાં પ્રબળ કોઈ મનો - વ્યથાને.

  આવી મળે કવચિત કોઈ દિશા ભણીથી,
  જાણ્યું જરાક સુખપ્રાપ્તિ વિશે ફરીથી.
  આવે છતાં ખબર ના લવલેશ આપે,
  જાયે અને ગમનનો અણસાર ના દે !

  નીચે ગયું દુઃખ જરી, સુખ ઊંચકાયું;
  સાતત્ય-તીવ્ર ગતિમાં કશું ના કળાયું !
  *- સ્નેહલ જોષી*

  *ગીત*

  લગભગ વાંધો નહીં આવે,
  સંબંધોનાં તાણાવાણા એવી રીતે ગૂંથ્યાં છે કે,
  કયાંયે સાંધો નહીં આવે.

  હું કાયમ મારી ભીતર ભીના ભીના શ્વાસો ખેંચુ છું,
  હું થોડી થોડી હૂંફ ને થોડાં ઊના આંસુ વહેચું છું.

  બીજું બધું તો ઠીક પણ આ છૂટક છૂટક લાગણીઓ છે,
  એનો બાંધો નહીં આવે.
  લગભગ વાંધો નહીં આવે.

  આ સપનાંથી ભરપૂર ભરેલી રાત વિતાવું કઇ રીતે ?
  જે અંદર કોરી ખાય મને એ વાત બતાવું કઇ રીતે ?

  તારલિયાનું તેજ ભરી આંખોમાં ભરચક હું આવી છું,
  પણ આ ચાંદો નહીં આવે !
  લગભગ વાંધો નહીં આવે.


  *- સ્નેહલ જોષી*

 • Home