સ્નેહી પરમાર


સ્નેહી પરમાર


  સ્નેહી પરમાર Audio :


  1.mp3  2.mp3 


  સ્નેહી પરમાર Video:


  સ્નેહી પરમાર Video

  સ્નેહી પરમારનો પરિચય


  11.01.2019
  આદરણીય સાયુજ્ય મિત્રો,

  પ્રકૃતિ એટલે જ જીવનચક્ર !
  ઋતુ, કાળ, ઘટનાના આપણે સાક્ષી છીએ.
  અને તેથી જ સવારના હિંગળોકિયા રંગના આછા કિરણોથી લઈ સાંજના ભગવા રંગ સુધી છવાયેલી દિનચર્યા , નિશામાં અંધારાની સોડ તાણીને સૂઈ જતી, નિરાંતે સમગ્ર દિવસભરની તમામ ક્રિયાઓ , અને છતાંય બીજા દિવસનો અજવાસ આંખોમાં લઈને આપણે રોજ ઉઠીએ છીએ.. આમ જોવા જઈએ તો આ રોજનીશી છે અને છતાં રોજનીશી ને ગમતા ક્રમમાં આપણે બદલવાની ભરપૂર કોશિશ કરીએ છીએ , પછી તે આપણું આર્થિક ઉપાર્જન હોય કે પછી આપણી ફરજ નો કોઈ ભાગ હોય અથવા આપણો પોતાનો કોઈ મનપસંદ વિષય હોય . આ મનપસંદ વિષય જો સાહિત્ય નો હોય અને તેમાંય સાંપ્રત સમયની આજના પરિચય ગાથા ના મુખ્ય મુખ્ય ભૂમિકામાં રહેલા આજના આ કવિ હોય, તો જોઈતું'તુ શું બીજુ!

  મિત્રો, આજે જેમનો પરિચય કરવા જઈ રહ્યા છીએ તેઓ સાંપ્રત સાહિત્યના પદ્ય વિભાગના એક એવા બુલંદ સર્જક છે કે જેમનું સર્જન વાંચીને મનમાં જ શબ્દોના ભાવ જાગૃત થઈ જાય, અને તેમાં ધરબાયેલા અર્થ ભાવિ જઈએ ,તો મનમાં રસ નિતરતી કોઈ ઘટના ઉદ્ભવી જાય ! એકદમ સામાન્ય વિષયને અસામાન્ય અર્થમાં ફેરવવાની જે કવિની તાકાત છે ,

  મારા શબ્દોમાં કહું તો,
  *કોઈક શબ્દને, રાત્રીનો અંધકાર મળે* ,
  *એકાંત સાથે એકલતા, અહીં ટળવળે* ,
  *ભાવ ભીતર, કવિતા બનવા ઝળહળે* ,
  *ઊગતું પ્રભાત, નવી ગઝલ લઈને ફળે* .

  અર્થને ચરિતાર્થ કરવાની જે કલમમાં બુલંદી છે, અને જે શબ્દો ને તાકાતનો ઢોળ ચડાવવાનું સામર્થ્ય છે,

  જેનું એક ઉદાહરણ હું આપું છું, વાંચીને સ્તબ્ધ થઈ જવાય ! મગજ થોડીક ક્ષણો માટે ચકરાવે ચડી જાય,

  *જ્ઞાનીઓ જે જગાને નરી બિનનિપજ કહે* ,
  *કુંભારે તે જ માટીમાંથી માટલાં કર્યા* .

  આ કવિએ મુખ્યત્વે ગઝલમાં ઘણું કામ કર્યું છે, સાથે ગીત, સોનેટ અછાંદસ અને મોનો ઇમેજ પ્રકારમાં પણ સફળતાપૂર્વક કલમ અજમાવી છે અને સફળ થયા છે, તેમની ગઝલોમાં આકાશની ઊંચાઇ છે અને મેઘધનુષ્યના રંગો છે ક્યાંક ક્યાંક વિવિધ રંગોના છાંટા પણ દેખાય છે એટલી ધગશ કે પદ્ય વિભાગના લગભગ બધા જ આયામો સર કર્યા છે

  *જેમને બે ગઝલ સંગ્રહ સાહિત્ય જગતને આપ્યા છે* અને અનેક રચનાઓ જેમાં અછાંદસ, ગીત અને મુખ્યત્વે ગઝલો છે

  સફળ શિક્ષક અને તેનાથી ય વધુ ઘણી મોટી શૈક્ષણિક કારકિર્દી ધરાવતા, એકદમ અનેરી પ્રતિભા ઉડીને આંખે વળગે તેવા દમદાર તેમના એક એક શેર !અને રચનાઓમાં અદભુત સામર્થ્ય ધરાવતા આ કવિ ખરેખર સાંપ્રત ગુજરાતી સાહિત્યમાં એક અનોખી ભાત પાડી રહ્યા છે.....

  *જુઓ તેમની એક અત્યંત દમદાર રચના*

  એ પાણીમાં બોળે પગની આંગળિયું;
  એની ફરતે ટોળે વળતી માછલિયું.

  એના ફળિયાં બ્હાર નીકળ્યાં દુનિયામાં;
  જેણે ઉઘાડી મૂકી છે ઝાપલિયું.

  દરવાજાની શોભા એનાં તોરણ છે;
  ઘરની શોભા તો છે ઘરની તાંસળિયું.

  મારા ખભે એક કેતકી ઝૂકી છે;
  એને જોઈ સળગી ઊઠી પાતળિયું.

  બહુ મોટાના મોઢે ચડવું સારું નહીં;
  જો,રસ્તે વેચાવા નીકળી વાંસળિયું.

  જી હા હું વાત કરી રહ્યો છું એમની

  સ્નેહી પરમાર

  જન્મ તારીખ 01 06 1971
  અમરેલી જિલ્લાના સનાળિયા ગામે જન્મેલા શ્રી સ્નેહી પરમાર બગસરાની મેઘાણી હાઇસ્કૂલ માં શિક્ષક તરીકે ફરજ બજાવે છે
  /br> પિતા હરિભાઈ પરમાર ભજનપ્રેમી.. લોકો ભગતથી ઓળખે. દુશ્મનને પણ તું ના કહે સબદના ઉપાસક ,કબીરથી માંડી રાવીભાણની ભજન પરંપરાના આસ્થાલું. રામદેવજીને માને
  માતા નાથીબેન માતાજીની સેવે ઘરમાં સત્સંગ..ભજન..શબ્દઉપાસના

  અંગ્રેજીમાં બી.એડ. સુધી ગુજરાતીમાં ડબલગ્રેજ્યુએટ ગુજરાતીમાં એમ.એ.(લોકસાહિત્ય સાથે)
  તબલાં જરૂરિયાત પૂરતા વગાડી જાણે, હાર્મોનિયમ પર થોડા રાગ પણ વાગે

  ગઝલ  અછાંદસ  ગીત  સોનેટ  મોનોઈમેઝ 

  પીડા પર્યન્ત ~ગઝલ સંગ્રહ 2004
  યદા તદા ગઝલ~ગઝલ સંગ્રહ 2015

  એવોર્ડ્સ
  1- નાનાભાઈ જેબલિયા સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર
  2- કાવ્યમુદ્રા એવોર્ડ
  3- શયદા એવૉર્ડ
  4- અકાદમી શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક

  જેઓ પોતે કવિતાને વચન આપતા કહે છે

  ગઝલ
  સંસાર નામ સુખથી જે વંચિતા હતી
  લગ્નગીતની જાણીતી ગાયિકા હતી

  ના;આટલી એ દૂર ન'તી પોરબંદરથી
  તારી અગાઉ મારે પણ દ્વારિકા હતી

  લોહી ફર્યાં કર્યું'તું વરણાગી થઇ બધે
  એક ચામડી હતી કે જે પતિવ્રતા હતી

  એક મૉલ ઊભો અણનમ, સરકારી પ્લીન્થ પર
  લારી ઊભી તો સામે નગરપાલિકા હતી

  સૌરાષ્ટ્રમાં પૂર્વે પણ, એક સ્નેહી થઈ ગયા
  તલવાર એને ફળિયે વિસ્થાપીતા હતી
  -સ્નેહી પરમાર

  આ આટલી ખારાશ, મને પરવડે નહીં
  દરિયો જ હો ચોપાસ, મને પરવડે નહીં

  મારે સળગતો હાથ લઇને ઘૂમવું સતત
  તારે જ રમવો રાસ, મને પરવડે નહીં

  મરવું નથી ને યાર હવે જન્મવું નથી
  આ કાયમી પ્રવાસ, મને પરવડે નહીં

  તારી રજા ના લેય, અને આવજા કરે
  એવો તો કોઇ શ્વાસ, મને પરવડે નહીં

  બેશક કલમનું વાંઝિયું હોવું મને ગમે
  કિન્તુ, એ પ્રસવે લાશ, મને પરવડે નહીં
  - સ્નેહી પરમાર

  ને મને ખૂબ ગમતી રચના...
  કાયમ થાતું સાવ નકામાં ખાલે વળગ્યાં ખોલાં છે,
  ઠેશું વાગી તો સમજાણું, નખ તો બહુ અણમોલા છે.

  મારા ઘરમાં આવી ગયા છે તો પણ થરથર કાંપે છે,
  મારા પગ છે કે બીલ્લીના મુખથી છટક્યા હોલા છે?

  સુતેલા માલીકની પાસે જઈ લારીએ પુછ્યું ’તું,
  ગાલ ઉપર આ શું ઢોળાણું? આ શેના હડદોલા છે ?

  એને લીધે થોડાં ઓછાં પાપ થયાં છે સાંજ લગી,
  સારું છે કે પગના તળીયાં વચ્ચે થોડાં પોલાં છે.

  આ સામે એક વૃક્ષ ઉભું છે તેને થોડા પડવાના ?
  પગ પામ્યા છો, વહન મળ્યું છે તેથી આ ફરફોલા છે.
  - સ્નેહી પરમાર

  ઉઠી લોબાનની ખુશ્બુ, શરુ થયા જાપ મારામાં,
  મુકીને સાથીયા પર પગ, પધાર્યાં આપ, મારામાં.

  તમે થડકારવશ, થીરકાટવશ; હળવે રહી અડક્યા,
  છનન છન છન, ત તા થઈ થઈ; થયો આલાપ મારામાં.

  તમે ચાલ્યા જવાની વાતના બહુ ઢોલ પીટો મા,
  તમે આવ્યા હતા સાજન, બહુ ચુપચાપ મારામાં.

  તમે જાઓ અગર બેસો, હવે ના ફેર પડવાનો,
  તમે છો દેહથી સામે ને આપોઆપ મારામાં.

  હજારો જન્મની ખારાશ સાથે ઘુઘવ્યો, તુટ્યો,
  હવે તું પણ કશું શીવલીંગ જેવું સ્થાપ મારામાં.
  -સ્નેહી પરમાર

  પ્રોમિસ પોએટ્રી

  " કવિતા મારે મન સર્જક ની સામે, સાથે અને ભીતર બનતી ઘટનાઓનું આત્મનિવેદન છે . સર્જન વેળાએ સર્જક બહુરૂપી બની જતો હોય છે અને આ બધા રૂપો એકરૂપ થઇને પ્રક્રિયાનો હિસ્સો બને છે . એમ મને લાગ્યું છે ભીતરમાં કોઈ સંવેદનપિંડ જન્મે છે અને એને શબ્દનું રૂપ આપવાનું કપરું કામ સર્જકે કરવાનું હોય છે, ઘણી વખત વિચાર ના ક્રમને છંદ- લય- માપ ના પ્રવર્તમાન ધારાધોરણમાં લાવવા માટે થઈને તેના મૂળ સ્વરૂપને રંગ-રોગાન કરવા પડ્યા છે"

  "ઘણી વખત આમ કહેવાથી આમ થશે આમ નહીં થાય ,આમ થવું જોઈએ, તેવા સ્વયમોપદેશ મારે અંદર ની કવિતા ને કાગળ ની કવિતા બનવા સમજાવવી પડી છે". "ઘણી વખત અંદર પડેલું અમાપ અજવાળું મારી કલમ ઝીલી શકતી નથી, ઘણી વખત માંહે ઉડાઉડ કરતા શતરંગી પતંગિયાને બહાર બેઠેલા ચાર પીળા પતંગિયાના સહયાત્રી બનવાનું સ્વરૂપગત બંધન સામે આવ્યું છે", "ત્યારે બહારના પેલા ચાર ને શતરંગી બનાવવા પ્રયાસ કર્યો છે અને એમાં કેટલી સફળતા મળી તે સહૃદય ભાવકો જ જાણે"

  "કવિતા મારે મન થી સ્વ થી વિશ્વ નો નહીં પરંતુ સ્વ થી સ્વ સુધી નો પ્રવાસ છે સર્જક સ્વની સંવેદના નો ઉદ્ઘોષ કરે અને ભાવક એમાં સ્વની કથાનું દર્શન કરે, આ પણ સહજ બને તો અને તો જ... સર્જન વેળાએ એટલું તો નજર સામે રાખ્યું જ છે કે કહેવાયેલું ન કહીએ તો ચાલે જ ચાલે !કહેવાયેલા માં કાંઈ શક્યતા હોય તો તેમાં સોનાનું વરખ ચઢાવવામાં નિમિત્ત બની શકાય, અન્યથા સ્વયંઅભિધેયને અજવાળું, એ જ મને કર્તવ્ય લાગ્યું. મારી પાસે મારે કહેવાનું છે તે યુગો સુધી અટકે કે ખૂટે તેમ નથી અને એ જ મારી સર્જન પ્રક્રિયાનું ઇંધણ છે મારે કવિતા સાથે વ્યવહાર છે એટલે જ એની ક્ષમાયાચના માગ્યા પછી મારે એને ધરપત આપવી પડે છે,"

  *બેશક કલમનુ વાંઝીયું હોવું મને ગમે* ,
  *કિન્તુ એ પ્રસવે લાશ મને પરવડે નહીં*

  . "કવિતા સાથે કામ પાડતી વખતે એટલું ચોક્કસ વિચાર્યું છે કે એમાં મારી કલમ દ્વારા કાંઈ ઉમેરણ ના થઈ શકે તો કાંઈ નહિ પણ એમાં આછપનો ઉમેરો તો ન જ કરે . મારે ફણગાયેલી કુંપળનું સૂર્યકિરણ સાથે સગપણ કરાવવું છે, માટે કવિતા લખવી છે .

  મારે કોઈના જેવું થવું નથી કારણકે મારે મારા જેવું થવાનું બાકી છે, મારે અંદરના સ્નેહીનો બહારના આપ સૌના સ્નેહી સાથે ભેટો કરાવવો છે ,અને એ માટે કવિતા કારગત અને કરવગું કાંઈ જ લાગ્યું નથી અને એટલે જ્યાં સુધી આ પૃથ્વી છે અને એના પટ જીવ છે, જીવની ઇચ્છાઓ છે ,એની ઈચ્છાઓની પૂર્તિઓનું સંઘગાન એની અપૂર્તી નું પીડગાન છે છે ત્યાં સુધી કવિતા તો રહેવાની જ" બસ

  યદા તદા ગઝલ
  હાલ ધો.10ના પાઠ્યપુસ્તકમાં કવિતા અભ્યાસક્રમમાં છે.

  સભાપાત્રતાની ગઝલ – સ્નેહી પરમાર

  કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં,
  ને પછી છાતીમાં દુઃખ્યું હોય, તે બેસે અહીં.

  હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં,
  ને અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં.

  સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં,
  કોઈનાં ચરણોમાં ઝૂક્યું હોય, તે બેસે અહીં.

  હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં,
  કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં.

  એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું ?
  એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં.

  જે ક્ષણે પોતાને પૂછ્યું હોયની બીજી ક્ષણે,
  આ સભામાંથી જે ઊઠ્યું હોય, તે બેસે અહીં.

  અનેક અખબારો અને લગભગ તમામ જાણીતા સામયિકો માં તેમની રચનાઓ વિશેષ રીતે પ્રગટ થતી આવી છે, અહીં જોઈએ તેમની બીજી એક ચોટદાર રચના એ વાંચ્યા પછી તેના ભાવભુવનમાં વિચાર ઘર કરીને બેસી જાય છે

  વર્ષોથી એ ઝાડની માથે એકે ફળ ના બેઠું છે
  વર્ષોથી એ ઝાડની નીચે રાંદલમાનું દેરું છે
  /br> આવ્યું ત્યારથી દુનિયામાં એ ઉભડક ઉભડક જીવે છે
  મન, જાણ કેે કોઈ અજાણ્યા નેસે બાંધ્યું ઘેટું છે

  એણે દીધી છે ઠીક કરવા પોતાની ઘડિયાળ કશે
  લેવા આવેલા મૃત્યુને પણ લાગ્યું કે વહેલું છે

  એણે પોતાના ખેતરમાં જઈ ને સરખું જોવાનું
  જેને જેને લાગે છે કે મારું ખેતર રેઢું છે

  અંતે કહેશે તારામાં ઊગવા લીધો તો જન્મ અમે
  ધીરજ ધરજે શરૂ-શરૂમાં કહેશે કે તું ઢેફું છે

  આવા અનન્ય પ્રતિભાશાળી ગુજરાતી કવિ કે જેમને સાહિત્ય માટે , ભાષા માટે, અદકેરું માન છે, જેમની શૈલી વિશિષ્ટ છે અને એક નવી કેડી એ ગઝલને સાચવીને લઇ જવાની એમની પ્રક્રિયા દાદ માંગી લે છે ,

  તેઓ પદ્યને લાડ લડાવે છે, શબ્દોને ઝૂલા ઝૂલાવે છે અને ભાવને ભાવકો સુધી અલગ અંદાજમાં પ્રગટ કરે છે,

  આટલેથી ન અટકતા શ્રી સ્નેહી ભાવકોને અપાર સ્નેહ કરે છે, મુશાયરામાં તેઓ ભાવકના ભાવને અદ્ભુત પ્રતિસાદ આપે છે, મુશાયરામાં સંચાલન તે તેમની આગવી શૈલી છે અને અનેક મુશાયરાઓ સંચાલિત કર્યા છે તેમજ અગણિત મુશાયરાઓમાં યોગદાન આપ્યું છે.

  સાયુજ્ય પરિવાર શ્રી સ્નેહી પરમાર ને અનેક અનેક શુભેચ્છાઓ, શુભકામનાઓ આપે છે અને આવનાર ભવિષ્યમાં તેમના તરફથી હજુ પણ વણથંભી પદ્યયાત્રા ચાલુ રહે તે જ આશા સહ

  હરીશ શાહ
  વડોદરા

  11.01.2019
 • Home