વિમલ અગ્રાવત


વિમલ અગ્રાવત


  વિમલ અગ્રાવત Audio :


  1.mp3  2.mp3 


  વિમલ અગ્રાવતનો પરિચય  *આદરણીય સાયુજ્ય મિત્રો* ,

  09.01.2019

  ગતિ પકડી ચૂકેલી આ પરિચય ગાથાની સફર હવે તો ખરેખર રંગ લાવે છે !

  કેટકેટલા વૈવિધ્ય ,કેટકેટલા પુરસ્કારો મેળવેલા આપણા સમૃદ્ધ કલાજનો , પાંપણ વડે સતત મંજાતા રહેતા આપણા નયનોમાં અત્યંત સન્માનની લાગણી હોય તેવા સાયુજ્ય સજ્જ મહાનુભાવો,

  કેટકેટલાપુરસ્ક્રૃતકવિ ,લેખક ,સાહિત્યકાર , સ્વરકાર ,ગાયક, ગીતકાર ,અને વિવિધ ક્ષેત્રે મેળવેલી પ્રસિદ્ધિ અને ઉપલબ્ધિ, પાછા રાષ્ટ્રીય ,આંતરરાષ્ટ્રીય ,આધ્યાત્મિક સ્તરે પણ વિશેષ નામ ધરાવતાં આપણામાંના અનેક પ્રતિભાશાળી વ્યક્તિત્વ સહિત , સાયુજ્ય ની આન બાન અને શાન છે! જે whatsapp ગ્રુપ દ્વારા સંકલિત થઇ એક એવા મુકામ પર અત્યારે સાયુજ્ય ગ્રુપ ઉભુ છે કે સૌને તેનો આનંદ છે,

  ભરતભાઈ અને અમિતભાઈ ના પ્રવૃત્તિમય વિકાસે આજ માધ્યમ વૈશ્વિક સ્તરે વિસ્તૃત કર્યું છે અને જેની વેબસાઈટ પણ લોન્ચ થઈ ગઈ છે, જ્યાં આ તમામ પરિચય, કલાકાર , તેઓના ઓડિયો વિઝ્યુઅલ્સ બધું જ ઉપલબ્ધ છે, માત્ર એક ક્લિક ઉપર આ તમે જોઈ શકો છો અને ભવિષ્યમાં એની મોબાઇલ એપ બને તો બિલકુલ નવાઈ પામશો નહીં....... whatsapp માધ્યમથી શરૂ થયેલી પ્રવૃત્તિ જ્યારે ઇન્ટરનેટના માધ્યમથી વૈશ્વિક ફલક પર પહોંચે તો એનાથી બીજો આનંદ કયો હોઈ શકે,

  બસ, તો આજની આ પ્રારંભિક ભૂમિકાને ન્યાય આપ્યા બાદ દૈનિક ક્રમ ઉપર આવીએ અને મળીએ આજના.....

  એક યુવાન સાહિત્યકાર, કાવ્યસમૃદ્ધિવાન અને પ્રતિભાશાળી - ઉમંગ અને અદભુત વિચારોના માધ્યમથી લોકો સુધી અત્યંત સરળતાથી પહોંચનાર........

  આજે એક એવા પદ્ય સર્જકનો પરિચય કરવા જઈ રહ્યા છીએ કે જેમને માં સરસ્વતીની કૃપા અપરંપાર છે કલમ હાથમાં પકડે અને ગીતનું સર્જન થાય જેને ગીત કવિ પણ કહી શકાય અને મારા શબ્દો માં કહું તો તે આ છે

  *હર્યા ભર્યા આ શબ્દો લહેરે ભાષાના ખેતરમાં,
  સજી -ધજીને આવે કવિતા, ગીત શા પાનેતરમાં.
  બોરસલીની ડાળથી ઉતરે, અલ્લડ ગીતો સાથે,
  જાતને સઘળી ખર્ચી નાખે,પદ્ય ના વાવેતરમાં* .

  *આવા જ ગીતોનો આ કવિ ભાષાને એટલા લાડ લડાવે છે કે તેના દરેક ગીતમાં ભૂમિકા નો વિષય અસ્તિત્વનું તોફાન અને અલ્લડ વાતાવરણ જ હોય છે*

  તેઓની પ્રત્યેક રચના ખૂબ જ રસપ્રધાન અને ઘણા બધા સ્વરકારોએ હસ્તગત કરી સ્વરાંકિત કરેલી છે ,

  જેઓ વિજ્ઞાન પ્રવાહમાં તો ગયા પણ શૈક્ષણિક રીતે ઉત્તીર્ણ ન થતાં મનમાં ધરબાયેલી કલાની મનોવાંછના તેમને આર્ટ્સ તરફ દોરી ગઈ. જી હા હું વાત કરું છું જાફરાબાદના કવિ અને નમ્રતાનું પ્રતિનિધિત્વ કરનાર

  શ્રી વિમલ અગ્રાવત

  જોકે આર્ટસ ગ્રેજ્યુએટ થયા ની સાથે કુટુંબના સંસ્કાર પરંપરાગત વ્યવસાય શ્રી રામાનંદી સાધુ સમાજ કે જેઓ બાળપણથી જ મંદિરની આરતી, નગારું, ઝાલર વગાડવી ઇત્યાદિ ના વાતાવરણથી અંગત જીવનમાં પણ સ્વયં શ્રી પ્રભુનો અનુગ્રહ હોય તેવી પ્રતીતિ હંમેશા શ્રી વિમલભાઈ ને થતી રહી, સાહિત્યના ક્ષેત્રે ગીતો લખે છે અને જેટલા પણ ગીતો લખ્યા છે એ ભાવકોને અને સાહિત્યકારોને તો ગમ્યા છે જ,

  પણ એક કાર્યક્રમ અંતર્ગત શ્રી મોરારી બાપુ ને પણ એમના ગીતો અંગત રીતે ખૂબ જ સ્પર્શ્યા હતા મિલિન્દ ગઢવીએ અસ્મિતા પર્વ માં સંચાલન કર્યું હતું

  યોગાનુયોગે તે ગીત સર્જક છે અને તેમના પત્નીનું નામ પણ ગીતાંજલિ જ છે

  એમને લખેલા ગીતો ગુજરાતના સાહિત્યકારો અને દિગ્ગજ સંગીતકારો સુધી પહોંચ્યા છે અને એમના શબ્દો આ સૌ દિગ્ગજોને સ્પર્શ્યા તે તેમના માટે ઘણી મોટી વાત કહેવાય,

  પરંતુ પ્રકૃતિ સાથે જેણે બચપણથી જ પ્રેમ છે સુર તાલ લય સાથે ચેતનાને જોડી ઉમંગથી થનગને છે અને નજીક આ બંને નો ભેદ પારખી તેમના ગીતો લખી શકે છે

  2016 માં જીપીએસસી દ્વારા ગુજરાત એજ્યુકેશન સર્વિસ ક્લાસ 2 માટે ની પરીક્ષા પાસ કરી અને દ્વારકા જિલ્લાના એજ્યુકેશન ઇસ્પેક્ટર ક્લાસ 2 ઓર્ડર પણ આવ્યો પણ એ વહીવટ વાળી પોસ્ટ અનુકૂળ નહીં આવી અને એ ખાતરી થતાં હાજર ના થયા અને શિક્ષક તરીકે રહેવાનું જ પસંદ કર્યું જોયું આવો આદર્શ આપણા વિમલ ભાઈ નો છે

  સરળ પરંતુ સંપૂર્ણ જ અદકેરી ભાષા છે તેમનો જન્મ અમરેલી જિલ્લાના ધામેલ ગામ માં 3જી જાન્યુઆરી 1977 ના દિવસે થયો સંસ્કૃત સાથે એમ.એ.બી.એડ થયા છે અને હાલમાં રાજુલાની સ્કૂલમાં શિક્ષક છે અને જાફરાબાદમાં રહે છે

  હજી સુધી તેમનો કાવ્યસંગ્રહ તો પ્રગટ નથી થયો પરંતુ કદાચ ટૂંક સમયમાં જ પ્રસિદ્ધ થશે તેમનું એક ગીત ખારવણ આ સાથે એનો વિડીયો મૂકેલો છે આપ જોશો તો વાહ માં આવ્યા વગર ચૂકશો નહિ એ મારી ખાતરી છે

  વિમલ અગ્રાવત ઈન્ટરનેટ બ્લોગ

  વિમલ ભાઈને વધુ જાણવા ઉપરની લીંક ઉપર એમનો બ્લોગ વાંચો
  આ ગીતને એટલે કે ગીત ખારવણ ને જેટલું ખોલવું હોય તેટલું ખોલી શકાય પણ એવો અવિવેક ન કરતા , સાયુજ્ય સભ્યો માટે આપની પ્રજ્ઞા ઉપર આ સમજને છોડુ છું, અદભુત ગીત છે માણવાની ખુબ જ મજા આવશે


  ખારવણ

  પગને છે પાંખો ને માથે છે બાંસિયું ને બાંસિયામાં બૂમલાંની ભારી,ભારી!
  ખારવણ ખારી ખારી.

  ખારવણ દરિયાનો કટકો તે ઉછળે ને ઉછળી ઉછળી ન્ને આવે કાંઠે;
  ખારવો તો કાંઠાનું ભાઠોડું સાવ શીનો કટકા બટકાને તે ગાંઠે!
  માંગે છે ખારવણ મનગમતા મોતી ને ખારવો દે માછલિયું મારી મારી.
  ખારવણ ખારી ખારી.

  હાથના હલ્લેસાથી જીવતર હંકારે ને આંખ્યુંમાં દરિયાને પાળે;
  ખારવાની ફૂગ્ગીનો કેફ બધો ઉતારે એક જ તે તસતસતી ગાળે;
  ખારવણ ઘૂઘવાતું સપનું ને ખારવાની નજરું પર બાઝેલી છારી છારી.
  ખારવણ ખારી ખારી.

  -વિમલ અગ્રાવત  સાયુજ્ય પરિવાર તરફથી પ્રભુને પ્રાર્થના કે વિમલભાઈ અગ્રાવત વધુને વધુ ગીતો લખે એમનો ગીત સંગ્રહ ટૂંક સમયમાં પ્રસિધ્ધ થાય આપણે તેના વિમોચન ના સાક્ષી બનીએ અને તેઓનું નામ સાહિત્યક્ષેત્રે ઉપર રહે એ જ અભ્યર્થના શ્રી વિમલ અગ્રાવત ઈન્ટરનેટ બ્લોગ ની લીંક

  વિમલ અગ્રાવત ઈન્ટરનેટ બ્લોગ

  સાજણ ધોધમાર વરસાદ પડે છે

  તગતગતી તલવાર્યું તડફડ આમતેમ વીંઝાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે
  ઢાલ ફગાવી, ખખ્તર તોડી, લોક વીંધાયા જાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે

  કળીઓ ફરફર ફૂલ ખની ને લહ લહ લહ લહેરાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે
  ઝરણાં હફ્ડક નદી ખની ને દરિયામાં ડોકાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે

  તદારે તદારે તાની દીર દીર તનનન છાંટે છાંટો ગાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે
  ઘેઘેતીટ તાગીતીટ તક્તીર કીટતક પવન તાલમાં વાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે

  જળનાં ઘોડાપૂર અમારી આંખ્યુંમાં રુંધાય રે સાજણ રે સાજણ ધોધમાર વરસાદ પડે છે
  સેંથો, ચુંદડી, કંગન, કાજળ, લથખથ પલળી જાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે

  હું દરિયે દરિયાં ઝંખું ને તું ટીંપે ટીંપે ન્હાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે
  હું પગથી માથાલગ ભીજું તું કોરેકોરો હાય, અરે ભરચક ચોમાચા જાય ને મારું અંગ સકળ –
  અકળાય રે નફફટ ! ધોધમાર વરસાદ પડે છે

  – વિમલ અગ્રાવત

  સ્વરાંકન : ડો ભરત પટેલ
  સ્વર : ગાર્ગી વોરા

  લીંબોળી જેવી છોકરી

  લુંમઝૂમ લચકાતા લીલાછમ્મ લીમડાની કાચ્ચી લીંબોળી જેવી છોકરી.
  મલકે તો મોગરો ને છલકે તો ચોમાસું, મહેંકે તો ફૂલોની ટોકરી.
  કાચ્ચી લીંબોળી જેવી છોકરી

  આંખોમાં અણદીઠ્યા એવા અણસાર જેના અર્થ નથી એક્કેયે કોશમાં;
  સોળસોળ શમણાંથી હાલ્લક ડોલ્લક યાને ઝરણાંઓ સર્પીલાં જોશમાં;
  ઉડતા અંકાશ બને, કલરવની ભાત બને, વાંચતા બની જાય કંકોતરી
  કાચ્ચી લીંબોળી જેવી છોકરી.

  છોકરીના હોઠ જાણે ઉડતા પતંગિયાની પાંખોનું ફરફરતું ગાન!
  ગુલ્લાબી લ્હેરખીની નમણી સુગંધ પણ કાંકરી મારોન્ને તોફાન;
  મેંતો શબ્દોથી શણગારી, પાંપણથી પંપાળી, હળવેથી હૈયામાં કોતરી.
  કાચ્ચી લીંબોળી જેવી છોકરી.

  – વિમલ અગ્રાવત

  સ્મરણોનું અજવાળું

  સાંજ ઢળે ને આવે તારાં સ્મરણોનું અજવાળું .
  સાજણ, કેમ કરી સંભાળું !

  એક અમસ્થી અટકળ લઇને કેમ બધું શણગારું ?
  ભીંત,ટોડલો,આંગણ,ઉંબર ને હોવું આ મારું.
  ઉજાગરાને આંખે આંજી શમણાં પાછાં વાળું.
  સાજણ,કેમ કરી સંભાળું !

  ઉભડક જીવે બારસાખ પર સૂક્કાં તોરણ ઝૂલે;
  સૂરજનું છેલ્લું કિરણ લઇ ઇચ્છા અઢળક ખૂલે;
  પાંગત પર બેસીને ઠાલાં પડછાયાં પંપાળું.
  સાજણ,કેમ કરી સંભાળું !

  -વિમલ અગ્રાવત

  કાળવી છોડી

  કાળવી છોડી સાવ અજાણી નદીએ ના’વા ગૈ અચાનક હમ્બો હમ્બો.
  મોકળા મને તળિયા લગી ડૂબકી ખાવા ગૈ અચાનક હમ્બો હમ્બો.

  ઝાડ બિચારાં પાંદડાંને કે’તમતમારે ધૂબકો મારી જાઓ નદીમાં;
  બબડ્યો સૂરજ,”બસ હવે તો વાદળું ઠેકી હુંય છાનો સંતાઉં નદીમાં”
  ધસમસી જો છોકરી નદી વહેવું ભૂલી ગૈ અચાનક હમ્બો હમ્બો.
  કાળવી છોડી સાવ અજાણી નદીએ ના’વા ગૈ અચાનક હમ્બો હમ્બો.

  નાહીને છોડી ડિલ હવાથી લૂછતી ઊભી હોય ને ટેહૂક મોરલાં બોલે;
  તડકો કૂંણો રોમરોમે ભભરાવતો સૂરજ જોઇને ગગન આંખ મિચોલે;
  વગડામાં વંટોળિયો બની છોકરી ઊડી ગૈ અચાનક હમ્બો હમ્બો.
  કાળવી છોડી સાવ અજાણી નદીએ ના’વા ગૈ અચાનક હમ્બો હમ્બો.

  -વિમલ અગ્રાવત

  અફવા છે

  રોમ રોમ ને રગ અફવા છે.
  માણસના બે પગ અફવા છે.

  પગથી માથ લગ અફવા છે.
  માણસ મોટ્ટો ઠગ અફવા છે.

  સૂર્ય થયાનો દાવો કિન્તુ;
  માણસની ઝગમગ અફવા છે.

  હોય હયાતી પળ બેપળની;
  શ્વાસોનાં આ ઢગ અફવા છે.

  માણસ છે કાળું અંધારું;
  ઝળહળ થાતી શગ અફવા છે.

  -વિમલ અગ્રાવત

  વિમલ અગ્રાવત : vimal.b.agravat@gmail.com
  Mobile : 9426985735  હરીશ શાહ ,
  વડોદરા

  09.01.2019
 • Home