રાજેશ વ્યાસ


 
રાજેશ વ્યાસ


  રાજેશ વ્યાસ   Audio :


  1.mp3  2.mp3  3.mp3  4.mp3  5.mp3  6.mp3  7.mp3 


  રાજેશ વ્યાસ   Video:


  રાજેશ વ્યાસ  Video  રાજેશ વ્યાસનો પરિચય


  22.01.2019
  આદરણીય સાયુજ્ય મિત્રો,

  સુગમ સંગીત, આકાશની ઉંચાઇ પર લઈ જવા માટે કેટકેટલા દિગ્ગજોએ પોતાનું અનન્ય યોગદાન આપેલું છે અને આજ પરંપરામાં અવિરતપણે અનેક કલાકારો પણ તે જ ધગશથી યથાયોગ્ય પોતાનો ફાળો પણ આપી રહ્યા છે , *પરિચય ગાથાના આજના આપણા મુખ્ય ભૂમિકામાં એક એવા સુગમ સંગીતના ગાયક અને સ્વરકાર જે આ જ દિશામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે*, બાળપણથી સંગીતને અત્યંત પ્રેમ કરનારા સુગમ સંગીતના આ ખુબ જ સુંદર સ્વરકાર અને ગાયક સુગમ સંગીત ક્ષેત્રે પોતાની અનેરી આભા પાડી રહ્યા છે, તેઓ સ્પષ્ટ રીતે માને છે કે
  *સ્વરથી ઈશ્વર સુધી પહોંચવાનો શ્રેષ્ઠ માર્ગ નિર્વિવાદ રીતે સંગીત જ છે* .
  *ઈશ્વરે સૃષ્ટિના નિર્માણની સાથોસાથ સંગીતનું પણ વરદાન સમગ્ર પશુ પંખી વનસ્પતિ ને આપ્યું. જેનાથી મળતી તન-મનની શાંતિ વૈજ્ઞાનિક રીતે પણ સચોટ રીતે સિદ્ધ થયેલ છે. થોડીવાર માટે પણ સંગીત વગરના જીવનની કલ્પના કરીએ તો શૂન્ય અવકાશ સર્જાય જાય* .
  *કુદરતી રીતે ભગવાને આપણને આ શ્રેષ્ઠ વરદાનની ભેટ આપી હોય તો જીવનનો રાહ બીજાથી કંઈક અલગ જ હોય તેવી પ્રતીતિ ચોક્કસ થાય* .
  તેમના ઘરમાં ઈશ્વર કૃપાથી સંગીતમય વાતાવરણ હતું જ, તેઓના પિતાશ્રી પ્રવિણભાઈ વ્યાસ નુ જીવન ગાંધી વિચારોથી ખૂબ જ પ્રભાવિત હતું, રાજકોટમાં પૂજ્ય બાપુની રાષ્ટ્રીય શાળામાં યોજાતી દૈનિક પ્રાર્થના તેમજ આશ્રમ ભજનાવલીમાંથી ભજનો તથા ગાંધી ગીતો નિયમિત રીતે ગવાતા. તો આવો આજે મળીએ સુગમ સંગીતની રાજકોટની પ્રતિભાને ( હાલ સૂરત)

  રાજેશ વ્યાસ  જન્મ રાજકોટમાં
  ૧૦.૦૯.૧૯૬૪
  અભ્યાસ : એમ. કોમ.
  હાલ સુરતમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયા માં કાર્યરત,

  રાજેશભાઈ, નાના હતા ત્યારે તેમને, તેમના પિતાજીની સાથે અવારનવાર રાજકોટમાં પૂજ્ય બાપુની રાષ્ટ્રીય શાળામાં યોજાતી દૈનિક પ્રાર્થના તેમજ આશ્રમ ભજનાવલીમાં જવાનું થતું, જ્યાં ભજનો તથા ગાંધી ગીતો નિયમિત રીતે ગવાતા, અને તેઓ પણ તે વાતાવરણમાં જોડાતા ગયા. તેમના પિતાજીએ પણ રાષ્ટ્રીય શાળામાં સંગીત વિદ્યાલય માં સંગીતનું પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરી પૂજ્ય વિનોબાજી ભાવે રચિત ભૂદાન ગીતો કાર્યક્રમોમાં તેમજ આકાશવાણીમાં ગાવા જતા તેમની સંગીત પ્રત્યેની રુચિ તથા તેનો સંચાર તેમણે અનુભવ્યો અને તેમને પણ તે સંગીત શાળા માં દસ વર્ષની ઉંમરે દાખલ કર્યા.

  ત્યાં  સ્વર્ગસ્થ   શ્રીમતી વિજયાબેન ગાંધી પાસે તેમની સંગીત યાત્રા શરૂ થઇ અને આગળ *ગાયનમાં સંગીત વિશારદ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું* .

  શૈક્ષણિક કારકિર્દી વિરાણી હાઇસ્કૂલમાં થઈ ત્યાં પણ દૈનિક પ્રાર્થના તથા અન્ય કાર્યક્રમો માં ભાગ લેતા હતા.
  ઘેર તેમના પિતાજી પાસે હાર્મોનિયમની તાલીમ પણ સાથોસાથ મળતી રહી. ત્યારબાદ તેમની જાત મહેનત થી હારમોનિયમ ઉપર સારો હાથ બેઠો. *જે આગળ જતાં તેમની કારકિર્દી સુગમ સંગીત ભજન ગઝલ તરફ વળતા તેમાં પણ ઘણી ઉપયોગી થઇ* . રાજકોટ આવતા ઘણા નામી શાસ્ત્રીય ગાયકો સાથે હાર્મોનિયમ સંગત કરવાનો પણ તેમને મોકો મળ્યો.

  અને આજ વિશિષ્ટ મહેનત અને ધગશથી સમયાંતરે *આકાશવાણીમાં બાળગીતો ગાતા ગાતા સુગમ સંગીતમાં માન્યતા પ્રાપ્ત કરી. તેમના ઘણા બધા કાર્યક્રમો અને ગીતો રેકોર્ડિંગ થયા* ,

  પછી ત્યારબાદ વ્યવસાયિક રીતે, વાણિજ્ય અનુસ્નાતક શ્રી રાજેશભાઈએ બેન્કિંગ પરીક્ષાઓ ઉત્તીર્ણ કરી અને યુનિયન બેન્ક માં તેમનું ચયન થયું.

  મૂળથી સંગીતનો જીવ હતો, તો બેંકમાં પણ ગ્રાહક સેવા સાથે સાથે બેંકમાં યોજાતા સંગીતના કાર્યક્રમો મા ભાગ લેવાનું થયું. *અખિલ ભારતીય બેંક સંગીત અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાએ સમુહ તેમજ વ્યક્તિગત રીતે બેંકની સંગીત ટીમનું નેતૃત્વ કર્યું* . આ સ્પર્ધાઓમાં યુનિયન બેન્ક ને ઘણા પુરસ્કારો એવોર્ડસ ટ્રોફી અપાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો ને બેંકનું નામ રોશન કર્યું.

  તેમને નાનપણથી જ રેડિયો સાંભળવાનો ખૂબ જ શોખ. હિન્દી ફિલ્મ ના મધુર શાસ્ત્રીય ગીતો ખૂબ જ સાંભળ્યા તથા આકાશવાણી રાજકોટ પર પ્રસારિત થતા સુગમ સંગીતના કાર્યક્રમો પણ ખૂબ સાંભળ્યા.
  મુ. અવિનાશ વ્યાસ, પુરુષોત્તમભાઈ ઉપાધ્યાય, આશિતભાઈ, વિનુભાઈ વ્યાસ, પરેશ ભટ્ટ, અનંત વ્યાસ જેવા ધુરંધર કલાકારો ના ગીતો સાંભળી તૈયાર કરતા અને વિવિધ સ્પર્ધાઓમાં ગાઇ ભાગ લેતા.

  1986માં બારડોલી મુકામે રાજ્યકક્ષાના હળવા કંઠ્ય સંગીત સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું જેના શબ્દો હતા ... *શબ્દોના નીડમા ખોવાયુ ગીત* , જેના કવિ જગદીશ જોશી અને સ્વરાંકન અનંત વ્યાસનું હતુ.

  સાથે સ્વર્ગસ્થ પરેશ ભટ્ટ સ્મૃતિ ટ્રોફી પણ મળી. ત્યારબાદ પછીના વર્ષે સમૂહ ગીત ની તૈયારી શરુ કરી અને તેમાં પણ રાજ્યકક્ષાએ ગોંડલ મુકામે પ્રથમ સ્થાન મેળવ્યું જેના શબ્દો હતા.. *સમીર મંદ મંદ વાય પુષ્પપુજ માં* .. જેના કવિ નીનુ મજમુદાર અને સ્વરાંકન પરેશ ભટ્ટ.

  *1996 માં ઝી ટીવી પર આવતા સોનુ નિગમ સંચાલિત સારેગામા કાર્યક્રમમાં પણ મારી પસંદગી થઈ અને સૌરાષ્ટ્રમાંથી સૌથી પહેલા તે રાષ્ટ્રીય કાર્યક્રમમાં ગાવાની તક સાંપડી*.

  તેઓએ આગળ જતાં, આપણા જાણીતા ગાયક - સ્વરકાર *શ્રી અનંતભાઈ વ્યાસ* સાથે મળી *ઈસ્વરમ ગ્રુપ* ની સ્થાપના કરી અને એ શિર્ષક હેઠળ ઘણાં બધા સુગમ સંગીત કાર્યક્રમ રાજકોટ તેમજ રાજકોટ બહાર કરી ઘણી બધી લોક ચાહના મેળવી.

  તે દરમિયાન તેમના પોતાના સ્વરાંકનો કરવાનો પણ અનુભવ થયો સાથે સાથે આપણા જાણીતા શાસ્ત્રીય ગાયક સ્વર્ગસ્થ બાબુભાઈ અંધારિયા પાસે પણ સ્વરાભ્યાસ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તેમને તો ઘરની સંગીત પરંપરાને હવે આગળ ધપાવવાની હતી.

  તેમના અવાજમાં એક વિશેષતા છે . તેમનો સ્વર ખૂબ જ સ્થિર છે અને તે સ્થિરતા જ્યારે તે ગાય છે ત્યારે અત્યંત ભાવ શબ્દોને લઈને બહાર આવે છે . ગીત ના પ્રકાર પ્રમાણે સ્વર ને ઢાળવાની તેમની ખૂબી છે અને તેથી જ જેટલા પણ એમના ગીતો છે તે તમામ કર્ણપ્રિય બની ગયા છે.

  *તેમની સુપુત્રી દેવાંશી ને પણ પ્રસિધ્ધ શાસ્ત્રીય કલાકાર વિદુષી પિયુ બેન સરખેલ પાસે નાનપણથી જ શાસ્ત્રીય ગાયનની તાલીમ મળવાનું સદભાગ્ય મળ્યું આજે તે ગુજરાત તેમજ ગુજરાત બહાર યોજાતા શાસ્ત્રીય સમારોહમાં તેની કલા પ્રસ્તુત કરવાનો મોકો મળતો રહે છે* .

  નીચે મુકેલા ચિત્રોમાં આપ તેમના પુત્રી સાથે કાર્યક્રમમાં બંનેને જોઈ શકશો

  તાજેતરમાં રાજકોટ ખાતે યોજાઈ ગયેલ સપ્ત સંગીતી સંગીત સમારોહ મા પણ દેવાંશી એ તેની કલા રજૂ કરી અને લોકોની ચાહના મેળવી.

  તેમના પુત્ર શુભમ કે જે વ્યવસાયે બેંકર છે અને સંગીત એકેડેમી રાજકોટમાં તબલાની તાલીમ મેળવી સંગીત અલંકાર ની પદવી પ્રાપ્ત કરેલ છે. સાથે સાથે શાસ્ત્રીય તેમજ સુગમ ગીતો ના કાર્યક્રમોમાં સારી તબલા સંગત પણ કરે છે.

  સન્માન  સૌરાષ્ટ્રમાં અવારનવાર યોજાતી સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે પણ સેવા આપેલ છે.
  રોટરી મિડટાઉન તરફથી સન્માન મળ્યું છે
  સમસ્ત બ્રહ્મ સમાજ, તરફથી સન્માન મળ્યું છે
  લીઓ ક્લબ, તરફથી સન્માન મળ્યું છે
  પંચવટી માનવ કલ્યાણ ટ્રસ્ટ તરફથી સન્માન મળ્યું છે

  અન્ય યોગદાન  રાજકોટની મંજૂલ સ્કૂલમાં નાના બાળકોને સંગીત ગીતો , જોડકણા શીખવી માનદ સેવા આપી છે.

  તેમના જીવન ઘડતરમાં તેમના માતા પિતા શ્રીનો ઘણો જ મોટો ફાળો છે.
  છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ ખાતે આવેલ કબા ગાંધીના ડેલામાં બીજી ઓક્ટોબર તેમજ ૩૦ મી જાન્યુઆરી ના રોજ ગાંધી વંદના તેમજ ભજન નો તેમનો જ કાર્યક્રમ અચૂક હોય

  . સાથે ઘણા બધા ગુજરાતી સ્વરકારોના આલ્બમમાં ગાવાનો મોકો મળ્યો છે. તેમને આપણી માતૃભાષા તથા તેના સંગીતનો પ્રચાર પ્રસાર કરવાની નેમ છે.

  તેઓ માં સરસ્વતીના ઋણી છે અને તે અંગે આવો જોઈએ તેઓ શું કહે છે
  " *માં સરસ્વતીની જે કંઈ કૃપા મારા તથા મારા પરિવાર ઉપર છે, તે અનુભવ અને જ્ઞાન ને વધુ ને વધુ બાળકો તથા યુવા પેઢી સુધી પહોંચાડવી છે તથા અન્ય કલાકારો ની કલા માંથી ઘણું બધું શીખવું છે, મારી પાસે જે કંઈ પણ છે તેને આપણી ભાષાના પ્રચાર-પ્રસાર કોઈપણ વ્યવસાયિક ધોરણ વગર અને માતૃભાષાની સેવાના ભાગરૂપે અર્પણ કરવી છે અને તેને જ જીવનનો સાચો આનંદ માનું છું* . માતૃભાષાના આવા સાચા સેવક ને સાયુજ્ય પરિવાર તરફથી વંદન અને અનેક શુભેચ્છાઓ, સાથે પ્રાર્થના કે માં સરસ્વતી તેમની આ આકાંક્ષા ઉત્તરોત્તર સુંદર રીતે પરિપૂર્ણ કરે !

  અને આવનાર દિવસોમાં ,આપણને ,આપણી ભાષાને , શ્રી રાજેશભાઈ વ્યાસના અનેક નવા ગીતો આપણને સાંભળવા મળે અને તેમની સંનિષ્ઠ કાર્યક્ષમતા સુગમ સંગીત ક્ષેત્રે ગુજરાતી સંગીતને મળે,

  સાયુજ્ય પરિવારના શ્રી રાજેશભાઈ વ્યાસને અનેક અભિનંદન અને ખૂબ જ શુભેચ્છાઓ કે તેમની પ્રગતિ અને દક્ષતા સંગીત ક્ષેત્રે આગળ વધતી રહે એ જ અભ્યર્થના.r> હરીશ શાહ
  વડોદરા
 • Home